World

બાંગ્લાદેશમાં પ્રદર્શનકારીઓ PM આવાસમાં ઘૂસ્યા, શેખ હસીનાએ રાજીનામું આપી ઢાકા છોડ્યું, સેનાએ કમાન્ડ લીધો

ઢાકા: બાંગ્લાદેશમાં સ્થિતિ સતત વણસી રહી છે. બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે વડાપ્રધાન શેખ હસીનાએ ઢાકા છોડી દીધું છે. હસીના સલામત સ્થળે રવાના થઈ ગયા છે. આ દરમિયાન ઢાકામાં વડાપ્રધાનના આવાસમાં મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ ઘૂસી ગયા છે. એવા પણ સમાચાર છે કે શેખ હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે. આંદોલનકારીઓએ ઘણા મહત્વના રસ્તાઓ પણ કબજે કરી લીધા છે. ઈન્ટરનેટ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે. સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ફેસબુક’, ‘મેસેન્જર’, ‘વોટ્સએપ’ અને ‘ઇન્સ્ટાગ્રામ’ને પણ બંધ કરવાનો આદેશ આપ્યો છે.

બાંગ્લાદેશમાં અનામત વિરોધી આંદોલન હિંસક બન્યા બાદ સોમવારે ઢાકામાં સ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ છે. લગભગ 4 લાખ લોકો રસ્તા પર છે. રાજધાનીમાં વિવિધ સ્થળોએ હિંસા અને તોડફોડ થઈ રહી છે. પીએમ શેખ હસીનાએ પીએમ આવાસ છોડી દીધું છે. સમાચાર એજન્સી એએફપીએ સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે વડા પ્રધાન ઢાકા છોડીને કોઈ સલામત સ્થળે શિફ્ટ થઈ ગયા છે. તેમની બહેન રેહાના પણ તેમની સાથે છે.

આર્મી ચીફે કહ્યું- પીએમ હસીનાએ આપ્યું રાજીનામું, વચગાળાની સરકાર બનશે
આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને કહ્યું કે જે હત્યા થઈ છે તેને ન્યાય આપવામાં આવશે. અમે તમામ પક્ષો સાથે વાત કરી. અમારી સારી વાતચીત થઈ. તેમણે કહ્યું કે પીએમ શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે. અમે વચગાળાની સરકાર બનાવીશું અને શાસન કરીશું. દેશને નુકસાન થઈ રહ્યું છે. સંપત્તિને નુકસાન થઈ રહ્યું છે. મને જવાબદારી આપો, હું બધું સંભાળી લઈશ. સમાચાર એજન્સી રોયટર્સે અહેવાલ આપ્યો છે કે સેનાએ દેશના મુખ્ય પક્ષોના નેતાઓ સાથે બેઠક યોજી હતી. 18 સભ્યોની વચગાળાની સરકારની દરખાસ્ત કરવામાં આવી છે. સેના આ સરકાર બનાવશે.

બીજી તરફ કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હસીના લશ્કરી હેલિકોપ્ટર દ્વારા ભારત પહોંચ્યા છે. તેમના પશ્ચિમ બંગાળમાં હોવાના સમાચાર છે. જોકે આ વાતની પુષ્ટિ થઈ શકી નથી. બાંગ્લાદેશી અખબાર પ્રોથોમઅલો અનુસાર પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘણી જગ્યાએ અથડામણ થઈ છે. જેમાં 6થી વધુ લોકોના મોત થયા છે. દેખાવકારોએ તંગેલ અને ઢાકામાં મહત્વના હાઈવે પર કબજો જમાવી લીધો છે.

સેના તૈનાત
આ દરમિયાન રાજધાની ઢાકા સહિત દેશભરમાં સેના તૈનાત કરવામાં આવી છે. પોલીસને શેરીઓમાંથી હટાવી દેવામાં આવી છે. બાંગ્લાદેશમાં સતત બગડતી પરિસ્થિતિ વચ્ચે આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાન દેશને સંબોધિત કરી શકે છે. દેશવ્યાપી કર્ફ્યુને અવગણીને હજારો વિરોધીઓ ઢાકાના શાહબાગ ચારરસ્તા પર લાંબી કૂચ માટે એકઠા થયા છે. આ પહેલા રવિવારે થયેલી હિંસામાં 100થી વધુ લોકોના મોત થયા હતા. બાંગ્લાદેશમાં હિંસામાં અત્યાર સુધી ઓછામાં ઓછા 300 લોકોના મોત થયા છે. સમગ્ર દેશમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે.

ભારતે તેના નાગરિકોને સતર્ક રહેવા જણાવ્યું
અગાઉ ભારતે બાંગ્લાદેશમાં રહેતા તેના નાગરિકોને સંપર્કમાં રહેવા અને સતર્ક રહેવા જણાવ્યું છે. બાંગ્લાદેશમાં ભારતના આસિસ્ટન્ટ હાઈ કમિશન દ્વારા જારી કરાયેલ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, “સિલ્હેટમાં ભારતીય સહાયક હાઈ કમિશનના અધિકારક્ષેત્ર હેઠળ રહેતા વિદ્યાર્થીઓ સહિત તમામ ભારતીય નાગરિકોને આ કાર્યાલયના સંપર્કમાં રહેવા અને સાવચેત રહેવા વિનંતી કરવામાં આવે છે. કોઈપણ કટોકટીના કિસ્સામાં +88-01313076402 નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે.

Most Popular

To Top