ભરૂચ: ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે તેમજ વડોદરાના આજવા સરોવરમાંથી છોડેલા પાણીને કારણે આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદી સતત બે કાંઠે વહી રહી છે. આમોદ પાસે ઢાઢર નદીમાં માત્ર એક જ દિવસમાં 1.20 ફૂટ પાણીનો વધારો થયો છે.
જંબુસર નજીકથી પસાર થતી ઢાઢર નદીના જળસ્તર સતત વધારો થતાં પ્રસાશન સલામતીના મુદ્દે કામે લાગ્યું છે. ઢાઢર નદીમાં માત્ર એક જ દિવસમાં 80 સેન્ટીમીટર પાણીમાં વધારો થયો હતો. જેને લઈ આમોદ તાલુકાનાં પાંચ ગામોમાં બે દિવસથી 201 લોકોનું સ્થળાંતર કરીને ગ્રામ પંચાયત, ખાનગી સ્થળે અને મધ્યાહન ભોજન દ્વારા જમવાની સગવડ કરવામાં આવી હતી. સ્થળાંતરિત કરાયેલાં આમોદનાં કાંકરિયા, દાદાપોર, પુરસા, મંજોલા, કોબલા ગામના લોકોનાં ઘરમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે જંબુસરના મગણાદ ગામ ખાતેથી તંત્ર દ્વારા 248 જેટલા લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું.
તાલુકા વિકાસ અધિકારી હાર્દિક રાઠોડ સહિતના અધિકારીઓએ ગામમાં પહોંચી ગામના 248 જેટલા લોકોને રાહી કંપની ખાતે ખસેડ્યા હતા. જ્યાં તેઓ માટે જમવા અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઢાઢર નદીનું પાણી નદી કિનારાના વિસ્તારોમાં પ્રવેશતાં તંત્ર દ્વારા સાવચેતીનાં પગલાં લેવામાં આવ્યાં છે. નદી તેની ભયજનક સપાટી વટાવે તો જંબુસરના ખાનપુર, મગણાદ, બોજાદરા, મહાપુરા, કુંઢળ, વહેલમ અને વાલચંદ નગર સહિતના વિસ્તારને અસર થવાની શક્યતાના પગલે તંત્ર દ્વારા સુરક્ષા અને સલામતીનાં પગલાં લેવામાં આવ્યાં છે. અત્રે ઉલ્લેખનીય એ છે કે, ઢાઢર નદી 104 ફૂટે પહોંચે તો આમોદ-જંબુસર તાલુકાનાં 15 ગામોને અસર થવાની સંભાવના છે.
ભરૂચ કલેક્ટરે સોશિલ મીડિયા પર ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ઢાઢર નદી આમોદ ખાતે ભયજનક સપાટીએ વહી રહી છે. નીચાણવાળા વિસ્તારના લોકો સચેત રહેવું અને સ્થળાંતર માટે સૂચનાને સહકાર આપો. ઢાઢર નદીની ભયજનક સપાટીથી 1.20 ફૂટ વધીને 102.20 ફૂટે પહોંચી છે. જેને લઈ વહીવટી તંત્રએ કાંઠાનાં ગામોને એલર્ટ કરી દીધાં છે. ઉપરાંત આમોદ વહીવટી તંત્ર તરફથી પણ નદી કાંઠાના લોકોને સ્વેચ્છાએ સ્થળાંતર કરી સલામત જગ્યાએ પહોંચવા અપીલ કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના જળસ્તરમાં વ્યાપક ઘટાડો જોવા મળ્યો હતો. ભરૂચ નર્મદા નદીના કાંઠે ગોલ્ડન બ્રિજ પાસે સપાટી ઘટીને 17.58 ફૂટે પહોંચી ગઈ છે.
- ભરૂચ જિલ્લાનો 24 કલાકનો વરસાદ
- હાંસોટ-32 મીમી
- ઝઘડિયા-30 મીમી
- જંબુસર-14 મીમી
- વાગરા-11 મીમી
- વાલિયા-11 મીમી
- અંકલેશ્વર-9 મીમી
- ભરૂચ-9 મીમી
- આમોદ-8 મીમી
- નેત્રંગ-5 મીમી