ઢબૂડી માતા ફરીવાર ચર્ચામાં: ખેડૂતની જમીન પચાવી બનાવ્યું મંદિર

ગાંધીનગર(Gandhinagar): પોતાની જાતને ઢબુડી માતા (Dhabudi Mata) તરીકે ઓળખાવતા ધનજી ઓડ (Dhangi Oad) હવે ફરીથી વિવાદમાં ફસાયા છે. ગાંધીનગર પાસે રાંધેજા ગામની એક ખેડૂતની જમીન (Land) પર ગેરકાયદે કબ્જો કરીને તેના પર ઢબુડી માતાજીનું મંદિર (Temple) બનાવી દેવાયું છે. જેના પગલે મૂળ જમીન માલિકે ગાંધીનગર કલેકટર કુલદિપ આર્યા સમક્ષ ફરિયાદ (Complaint) કરતાં તપાસના અંતે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. હાલમાં ઢબુડી માતા ભૂગર્ભમાં ચાલ્યો છે. તેને પોલીસ શોધી રહી છે. તે ગાંધીનગરના રૂપાલ ગામે રહે છે.

ગાંધીનગરમાં રહેતા મિલનકુમાર વિષ્ણુભાઈ પટેલ દ્વારા ફરિયાદ આપવામાં આવી છે કે, તેમની રાંધેજા ગામની 1934 અને 1936વાળી જમીન મહેન્દ્ર બળદેવભાઈ પટેલ પાસેથી ખરીદવામાં આવી હતી. આ વેચાણ દસ્તાવેજ સામે પાટણના સુરેશ પટેલે ચિઠ્ઠી રજૂ કરીને વેચાણ નોંધને તકરારી કરી દીધી હતી. જો કે પ્રાન્ત ઓફિસર દ્વારા દસ્તાવેજની નોંધ મંજૂર કરાઈ હતી. આ સમયગાળા દરમ્યાન સુરેશભાઈ દ્વારા જે વેચાણ દસ્તાવેજ સામે વાંધો લેવાયો હતો તે સર્વે. નંબર 1935 વાળી જમીન પર કંપાઉન્ડ વોલ કરીને ઢબુડી મા ઉર્ફે ધનજી નારણભાઈ ઓડ અને તેના પુત્ર વિપુલ ધનજીભાઈ ઓડ, પત્ની પવનબેન ધનજીભાઈ ઓડએ ફુલબાઈ માતાજીનું મંદિર બનાવીને જમીન પચાવી પાડી હતી. કલેકટર દ્વારા જમીન પચાવી પાડવાના ગુનામાં ફરિયાદ દાખલ કરવાની મંજૂરી આપવામા આવતા, પેથાપુર પોલીસ દ્વારા સુરેશભાઈ પટેલ તેમજ ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડ તેની પત્ની અને પુત્ર સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરાયો છે .

ખેતી કરવા આપેલી જમીન માતા પુત્ર દ્વારા પચાવી પડાય
વલસાડ: વલસાડના વેલવાચ ગામે ખેતી કરવા માટે આપેલી જમીન પોતાની હોવાનો દાવો કરીને પચાવી પાડતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

વલસાડ તાલુકાનાં વેલવાચ ગામે પટેલ ફળિયામાં રહેતા સવિતાબેન મણિલાલ ભાઈ પટેલ ખેતી કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે. વેલવાચ ગામે બ્લોક સર્વે નમ્બર 714 વાળી જમીન માલિકીની છે. વેલવાચ વાઘદરડાના પટેલ ફળિયામાં રહેતા માતા-પુત્ર ગંગાબેન ઈશ્વરભાઈ પટેલ, વિમલ ઈશ્વરભાઈ પટેલે આ જમીનમાં ભાગમાં ખેતી કરવા માટે આપી હતી. બન્ને જણા ખેતી પણ કરતા હતા જે પણ જમીનમાં પાક ઉઘાડે તે અડધો ભાગ સવિતાબેન પરિવારને આપતા હતા છેલ્લા દસ-બાર વર્ષથી વિમલ જમીન ઉપર ખેતી કરતો હતો. વિમલ અને માતાએ મામલતદાર કચેરીમાં ‘આ જમીન અમારી છે’ કહી આ જમીનમાં નામ દાખલ કરવા માટે અરજી કરી હતી. જેની જાણ જમીન માલિક સવિતાબેનના પરિવારને થતાં તેઓએ તાત્કાલિક મામલતદાર કચેરીમાં આવીને વાંઘા અરજી આપી હતી. સવિતાબેને જમીન ખાલી કરવા માટે કહેતા માતા-પુત્રોએ જમીન ઉપર કબજો જમાવી લીધો હતો અને 714 બ્લોક નંબર વાળી જમીનનો ચુકાદો સવિતાબેનના ફેવરમાં આવ્યો હતો તેમ છતાં માતા-પુત્ર જમીન ઉપરનો કબજો છોડ્યો ન હતો. જે અંગે સવિતાબેને કલેક્ટરને ફરિયાદ કરી હતી. કલેકટર જમીનના ડોક્યુમેન્ટ જોયા બાદ આ જગ્યા સવિતાબેનની હોવાનું જણાતાં કલેક્ટરે તાત્કાલિક પોલીસ અધિક્ષકને જાણ કરી હતી. મામલો લેન્ડ ગ્રેબિંગનો હોય વલસાડ રૂરલ પોલીસ મથકે સવિતાબેને ફરિયાદ નોંધાવતા પોલીસે ગંગાબેન ઈશ્વરભાઈ પટેલ, વિમલ ઇશ્વરભાઇ પટેલ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top