સુરત: દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ. દ્વારા નવા ફરમાન પ્રમાણે નવસારી (સં. અને નિ.) વિભાગીય કચેરી તેમજ નવસારી સિટી વિભાગીય કચેરીને સુરત શહેર વર્તુળ કચેરી હેઠળ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ આ નિર્ણયને અપરિપક્વ ગણાવી સ્થાનિક લોકોએ અને કર્મચારીઓના વર્ગે તીવ્ર વાંધો અને વિરોધ વ્યક્ત કર્યો છે.
- નવસારીની વિભાગીય કચેરીઓને સુરત શહેર હેઠળ મૂકવાના નિર્ણય સામે તીવ્ર વિરોધ
- નવા સંકટ ઊભા થાય તેવી ચિંતા, નવસારીમાં જુદી વર્તુળ કચેરીની માંગ ઊઠી
વિરોધીઓના મતે દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઝડપી વિકાસ પામી રહ્યા છે અને આવી પરિસ્થિતિમાં સુગમ વહીવટ અને વધુ સારી સેવાઓ માટે નવસારીમાં અલગ વર્તુળ કચેરી બનાવવી જરૂરી છે. હાલમાં નવસારી જિલ્લાના નાગરિકો તથા ઉદ્યોગકારોને સુરત શહેર સુધી જવું પડતું હોવાથી ભારે તકલીફો ભોગવવી પડે છે.
આ વિરોધમાં ખાસ કરીને વિવિધ યોજનાઓ જેવી કે RDSS, DISS, RE SCHEME, PM-KUSUM વગેરેની અમલવારી પર પણ ગંભીર અસર થવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
ભૂગોળની દૃષ્ટિએ પણ નવસારી-સુરત શહેરની સરખામણીમાં દૂર હોવાથી લોકોને વધુ સમય અને ખર્ચ ભોગવવો પડે છે. સાથે જ નવસારી વિસ્તારમાં વર્તમાનમાં રહેલી કચેરીઓ અને કર્મચારીઓ પર વધતા કાર્યભારને ધ્યાનમાં લેતાં નવી વર્તુળ કચેરીનું નિર્માણ સમયની જરૂરિયાત બની ગયું છે.
અગાઉ બોટાદમાં એક જ વિભાગીય કચેરીથી વર્તુળ કચેરી કાર્યરત રાખવામાં આવી હતી ત્યારે દક્ષિણ ગુજરાત જેવા વિકસિત વિસ્તારમાં એવું ન થાય એ અચરજ જેવું છે, એવું માનવામાં આવી રહ્યું છે. વળી, સુરત શહેરની વર્તુળ કચેરી પહેલેથી જ 9.50 લાખથી વધુ ગ્રાહકો અને ૧૯૫૩ ચોરસ કિ.મી. વિસ્તારમાં કામગીરી કરતી હોવા છતાં તેમાં વધુ વિસ્તારોનો સમાવેશ કરવામાં આવતાં કામગીરી પર ખરાબ અસર થવાની પૂરી શક્યતા છે.
કર્મચારીઓના હિતને લઈને પણ સિનિયોરિટી, પ્રમોશન અને ટ્રાન્સફર જેવા મુદ્દા ઊભા થવાની ચિંતા વ્યક્ત કરાઈ છે. સ્થાનિક લોકો અને કર્મચારીઓની તરફથી માંગ ઊઠી રહી છે કે દક્ષિણ ગુજરાતના હિતમાં નવસારીને જુદી વર્તુળ કચેરી તરીકે સ્થાપિત કરવામાં આવે અને હાલના આદેશને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે.
