SURAT

દક્ષિણ ગુજરાત વીજકંપનીના ચીફ એન્જિનિયર વિરુદ્ધ કર્મચારી યુનિયને કરી ગંભીર ફરિયાદ

સુરતઃ(Surat) દક્ષિણ ગુજરાત વીજકંપનીના (DGVCL) ઉચ્ચ અધિકારી સામે કંપનીના જ શ્રી વીજળી કર્મચારી મહામંડળ દ્વારા લેબર કમિશનર ( Labor Commissioner ) કચેરીમાં અનફેર લેબર પ્રેક્ટિસની ફરિયાદ (Complaint) કરવામાં આવી છે. બદલીના ૮ કિ.મી.ના નિયમનો અધિકારી દ્વારા ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

  • ચીફ એન્જિનિયર એચ. આર. શાહ સામે અનફેર લેબર પ્રેક્ટિસની ફરિયાદ
  • શ્રી વીજળી કર્મચારી મહામંડળ દ્વારા કરાઈ ફરિયાદ
  • કંપનીના 8 કિ.મી. વિસ્તારમાં બદલીના નિયમનું કરાયું ઉલ્લંઘન
  • એચ.આર. શાહે પોતાના માનીતા અધિકારીઓને મનપસંદ જગ્યા પર બદલી કરી હોવાના આક્ષેપ
  • નાયબ ઈજનેર યુ.જી. પટેલ અને એમ.ડી. સરવૈયાની બદલીમાં નિયમોનું ઉલ્લંઘન કરાયું
  • કંપનીના એમડીની ગેરહાજરીમાં એચ.આર. શાહે ખેલ પાર પાડ્યો હોવાની ચર્ચા

દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ચીફ એન્જિનિયર એચ.આર.શાહ વિરુદ્ધ શ્રી વીજળી કર્મચારી મહામંડળ દ્વારા સુરતની લેબર કમિશનર કચેરીમાં ફરિયાદ કરાઈ છે. ફરિયાદમાં એવા આક્ષેપ કરાયા છે કે, એચ.આર. શાહ દ્વારા ગઈ તા.૨૧-૦૫-૨૦૨૨ના રોજ કંપનીની કોર્પોરેટ કચેરીમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા યુ.જી.પટેલ અને અલથાણ પેટા વિભાગીય કચેરીમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા એમ.ડી.સરવૈયાની વિનંતીથી અનુક્રમે અમરોલી અને રાંદેરની કચેરીમાં બદલી કરવામાં આવી છે. જે કોર્પોરેટ કચેરીના ૮ કિ.મી.ના વિસ્તારમાં બદલી નહીં કરવાના નિયમનું ઉલ્લંઘન છે. જેના આધારે યુનિયન દ્વારા એચ.આર.શાહી વિરુદ્ધ અનફેર લેબર પ્રેક્ટિસની ફરિયાદ કરી તેમની સામે નિયમ અનુસાર કડક કાર્યવાહીની માંગણી કરી છે.

યુનિયનના સભ્યોએ એવો આક્ષેપ કર્યો છે કે વીજકંપનીમાં વહાલાદવલાનું વલણ અપનાવાયું છે. વર્ગ-૧ના અધિકારીઓને મનપસંદ જગ્યાઓ પર નિયમોને નેવે મૂકી બદલી કરવામાં આવે છે. જ્યારે નાના કર્મચારીઓની કોઈ રિક્વેસ્ટ માનવામાં આવતી નથી. જે અનફેર લેબર પ્રેક્ટિસ થતી હોવાનું દર્શાવે છે. આ અંગે એચ.આર.શાહે જણાવ્યું કે, કંપનીના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ જ બદલીના ઓર્ડર કરાયા છે. ફરિયાદ અંગે મને કોઈ ખ્યાલ નથી. હાલમાં કંપનીના એમડી રજા પર છે. ત્યારે એમડી ફરજ પર પરત ફરે ત્યારબાદ આ બાબતે લટકોફટકો થવાની શક્યતા છે.

Most Popular

To Top