Gujarat

સૌરાષ્ટ્રમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓની કવાયત

ગાંધીનગર : તાઉતે વાવાઝોડાથી રાજ્યના અન્ય વિસ્તારની સાથે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના (ડીજીવીસીએલ) વિસ્તારમાં પણ વીજ પુરવઠો અસરગ્રસ્ત થયો હતો. જે અંતર્ગત વીજ કર્મીઓ રાત દિવસ એક કરી યુધ્ધના ધોરણે વીજ પુરવઠો સફળતાપૂર્વક પુનઃસ્થાપિત કરી રહ્યા છે

આ ઉપરાંત, દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના (પીજીવીસીએલ)ના અસરગ્રસ્ત વિસ્તારોમાં પણ વીજ પુરવઠો તાત્કાલિક ધોરણે પુનઃસ્થાપિત થઇ શકે એ માટે હજીરાથી રો – રો ફેરી દ્વારા ખાસ ૩૦ ટીમો ઘોઘા- ભાવનગર ખાતે રવાના કરવામાં આવી છે.

ડીજીવીસીએલની ૪૦૦ જેટલા વીજ કર્મીઓનો સમાવેશ કરતી, આ ખાસ ટીમો જરૂરી સાધન સરંજામ સાથે ૪૦ વાહનો અને પોલ ઇરેક્શન મશીનથી સજ્જ છે.આ ટીમોમાં ડીજીવીસીએલ ના ઇજનેરો અને લાઇન સ્ટાફના કર્મચારીઓ તથા કોન્ટ્રાક્ટ – આધારિત કર્મચારીઓનો સમાવેશ થાય છે.

અન્ય ૩૦૦ થી વધુ વીજ કર્મીઓ રોડ દ્વારા પહોંચી સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાના કાર્યમાં જોડાશે. ડીજીવીસીએલની આ તાત્કાલિક સહાય વાવાઝોડાથી અસરગ્રસ્ત પીજીવીસીએલના વિસ્તારોમાં જરૂરી માનવબળ અને સાધન સરંજામ થકી વીજ પુરવઠો જલ્દીથી પુન: સ્થાપિત કરવા મદદરૂપ થશે.

Most Popular

To Top