જૈન ધર્મના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાને આ સૃષ્ટિના આરંભ કાળમાં પુરુષોની ૭૪ કળા અને સ્ત્રીઓની ૬૪ કળા શીખવી, તેમાં ભાષા, વ્યાકરણ, ગણિત અને નાટક ઉપરાંત સંગીતનો પણ સમાવેશ થતો હતો. જૈન આગમ અનુયોગદ્વારમાં પણ સંગીતશાસ્ત્રના પાઠો વાંચવા મળે છે. તદુપરાંત જૈન શ્રમણો દ્વારા સંગીતશાસ્ત્ર પર રચવામાં આવેલા આઠ સંગીતગ્રંથો પ્રાચીન જૈન જ્ઞાન ભંડારોમાં સચવાયેલા છે. જૈન ધર્મની આ ઉજ્જવળ પરંપરાને આગળ વધારતાં વિદ્વાન જૈનાચાર્ય પરમ પૂજ્ય તીર્થભદ્રસૂરીશ્વરજી દ્વારા આજથી આશરે ૪૦૦ વર્ષ પહેલાં થઈ ગયેલા જૈન ભક્ત કવિઓની પ્રાચીન દુર્લભ હસ્તલિખિત પ્રતોનું સંશોધન કરીને તેમાંથી ‘રાગોપનિષદ’નામના ગ્રંથનું સંપાદન કરવામાં આવ્યું છે, જેના લોકાર્પણનો સંગીતમય સમારોહ આ શનિવારે મુંબઈના ગોરેગાંવમાં યોજાઈ રહ્યો છે. આ મહાગ્રંથમાં જૈન શ્રમણો દ્વારા રચવામાં આવેલી જે ૩૮ રાગમાલાનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેને વિવિધ ૯૦ શાસ્ત્રીય રાગોમાં ગાઈ શકાય છે.
આ ગ્રંથમાં વિવિધ કવિઓની ૯૫૮ રચનાઓને સ્થાન આપવામાં આવ્યું છે. તેમાં પ્રાચીન હસ્તપ્રતોના આધારે લગભગ વિલુપ્ત થઈ ગયેલા ૧૨૬ શાસ્ત્રીય રાગો પણ ખોળી કાઢવામાં આવ્યા છે, જેમાંના કેટલાક રાગો તો આજથી ૨,૫૦૦ વર્ષ પહેલાં પ્રચલિત હતા. આ રાગમાલામાં વિવિધ રાગોના ૯૦ જેટલાં રંગીન ચિત્રો પણ સામેલ કરવામાં આવ્યાં છે. તદુપરાંત તેમાં પ્રાચીન કાળથી વપરાતા સંગીતનાં ૧૫૦ સાધનોનો સચિત્ર પરિચય અપાયો છે. આ પ્રાચીન રાગમાલાના આધારે શાસ્ત્રીય સંગીતથી મઢેલો મ્યુઝિક આલ્બમ તૈયાર કરવાનું પડકારરૂપ કાર્ય શાસ્ત્રીય સંગીતના વિખ્યાત નિષ્ણાત સ્વરાધીશ ભરત બલવલ્લી દ્વારા પાર પાડવામાં આવ્યું છે. મુંબઈમાં શનિવારે યોજાનારા સમારોહમાં આ મ્યુઝિક આલબમનું પણ વિમોચન કરવામાં આવશે.
જૈન ભક્ત કવિઓ દ્વારા રચવામાં આવેલી કુલ ૯૫૮ રચનાઓ પૈકી ૮૨ રચનાઓને ભરત બલવલ્લી દ્વારા સ્વરબદ્ધ કરવામાં આવી છે. તેના ગાયક કલાકારોમાં ઉસ્તાદ રશીદ ખાન, ઉલ્હાસ કલશકર, સુરેશ વાડકર, વેંકટેશ કુમાર, શંકર મહાદેવન, સોનુ નિગમ, સાધના સરગમ, રઘુનંદન પણશીકર, શૌનક અભિષેકી, કૌશિકી ચક્રબોર્તી, જાવેદ અલી, રાહુલ દેશપાંડે, ઓસમાન મીર, રોનિકી ગુપ્તા, રામ દેશપાંડે, મંજૂષા કુલકર્ણી પાટિલ, મંજિરી અસાનરે, કેટકી માટેગાંવકર, સવાની શેંદે, જયતીર્થ મેવુંડી, જસપિન્દર નરુલા, દેવકી પંડિત, ફાલ્ગુની પાઠક, આરતી અંકલીકર ટિકેકર, આનંદ ભાટે, અશ્વિની ભિડે દેશપાંડે, અર્શદ અલી ખાન, આનંદ ભાટે, સંજીવ અભયકુમાર વગેરે શાસ્ત્રીય સંગીતના દિગ્ગજ ગાયકોનો સમાવેશ થાય છે.
ભારત દેશમાં સદીઓથી પોતાની સ્વતંત્ર સંગીત પરંપરા રહી છે. અનેક આચાર્યો તથા વિદ્વાનોએ ભારતીય સંગીતશાસ્ત્ર વિશે અદ્ભુત ગ્રંથો બનાવ્યા છે. માતંગ મુનિનો બૃહદ્દેશી ગ્રંથ કે નારદ મુનિના અને ભરતના ગ્રંથો આજે પણ ઉપલબ્ધ છે, તો જૈન મુનિરાજો તથા વિદ્વાનોએ પણ સંગીતના ક્ષેત્રમાં પોતાનું પ્રદાન કર્યું છે. જૈન આગમ અનુયોગદ્વાર વગેરેમાં પ્રાપ્ત સંગીતવિષયક નિરૂપણો, સુધાકલશ નામક જૈન મુનિની સાંગીતિક રચના સંગીતોપનિષત્સારોદ્ધાર આ બધાં તેનાં પ્રમાણો છે. રાગમાલા પણ આ પરંપરાનો જ એક ઉન્મેષ છે એમ કહેવામાં અતિશયોક્તિ નહિ ગણાય. રાગમાલા એટલે ભારતીય શાસ્ત્રીય સંગીતના વિવિધ રાગોની એક શૃંખલા પસંદ કરીને તે રાગોમાં ગવાય તેવી પદ-રચનાઓની એક શ્રેણી. મધ્યકાળના જૈન ભક્ત કવિઓએ પદ્યસાહિત્યના ઘણા બધા પ્રકારો ખેડ્યા છે. રાસ, ફાગ, ચૌપાઈ, દુહા, ગીત ઈત્યાદિ તો સૈકાઓથી ચલણી બનેલા અને સતત ખેડાતા પથપ્રકારો છે; પણ રાગમાલા તો બહુ પાછળથી સોળમા સૈકામાં ઉદ્ભવેલો પ્રકાર છે અને તેનું ખેડાણ કરવામાં પણ જૈન કવિઓ પાછળ નથી રહ્યા.
રાગમાલાનો સંબંધ જેટલો ગાનકલા સાથે છે, તેટલો જ ચિત્રકલા સાથે પણ છે, એ વાત ભૂલવી ન જોઈએ. શાસ્ત્રીય સંગીતના કલાધરોએ સંગીતના દરેક રાગના પ્રકાર, જાતિ, સમય, સ્વરો, પ્રકૃતિ, ઋતુ વર્ણ, દેવતા આ બધું નિશ્ચિત કરેલું છે. આ બધી બાબતોને તજજ્ઞોએ એક નિયત આકારમાં ઢાળીને તે તે રાગને ચિત્રાંકિત પણ કરી આપ્યા છે. દા.ત. ધીમો ધીમો વરસાદ વરસતો હોય, ખુલ્લા અને ખીલેલા ઉપવનમાં, વૃક્ષ નીચે, ચહેરા પર લીંપાયેલી વિરહાર્દ્રતા સાથે કોઈ યુવતી વીણા વગાડતી હોય, તેની આસપાસ તેના ગાયનથી આકર્ષાયેલાં હરણો શાંત વિહ્વળ ભાવે તેનું ગાન માણતાં ઊભાં હોય; આવું ચિત્ર જોઈએ તો તત્ક્ષણ સમજાય કે આ તોડીનું ચિત્ર છે.
આવા તમામ રાગોનાં ચિત્રો મધ્યકાળના તજજ્ઞ કલાકારોએ આલેખેલાં ઉપલબ્ધ છે. મુઘલ શૈલી, રાજપૂત શૈલી, પહાડી શૈલી, કિશનગઢ શૈલી એમ વિવિધ શૈલીનાં રાગમાલા ચિત્રો મળે છે. જેમ આ પદ્યાત્મક રાગમાલાની શ્રેણીમાં વધુમાં વધુ ૩૬ ગીતો હોય છે, તેમ રાગમાલાનાં ચિત્રો પણ મહદંશે ૩૯ના આંકમાં મળતાં હોય છે. Ragamala Paintings ના નામે આવાં ચિત્રોના ગ્રંથો મુદ્રિત પણ છે અને તેની ચિત્રશ્રેણી આજે પણ જયપુર, ઉદયપુર, જોધપુર વગેરે ક્ષેત્રોમાં આલેખવામાં આવે છે. મુદ્રિત ચિત્રગ્રંથોમાં તો ચિત્રકલાના વિશેષજ્ઞો દ્વારા ચિત્રો વિષે પરિચયાત્મક લખાણો હોય, તો રાગો વિષે નિષ્ણાતો દ્વારા પરિચય આપવામાં આવ્યા હોય છે.
પંડિત શ્રી વીરવિજયજી, પંડિત શ્રી રૂપવિજયજી, પંડિત શ્રી પદ્મવિજયજી વગેરે મુનિવૃંદે પૂજાઓ બનાવી. પૂજાની દેશી (એટલે ગાવાની ઢબ, તજી) લોક સંગીતમાં હતી તેથી જલ્દી લોકજીભે ચઢી ગઈ. તે સાથે જ શાસ્ત્રીય સંગીત આધારિત રચનાઓ પણ અગણિત થઈ પરંતુ દુર્ભાગ્યે તે પ્રચલિત ન થઈ. આનંદઘનજીનાં પદો શાસ્ત્રીય રાગમાં છે પણ તે વિરક્તિપ્રધાન હોવાથી સંગીતની દૃષ્ટિએ તેમને ન જોવાયા. આથી એક મિથ્યા અવધારણા પ્રચલિત થઈ કે જૈનો પાસે શાસ્ત્રીય સંગીત નથી. રાગમાલા ઉપનિષદ જોતાં આ અવધારણા મિથ્યા સાબિત થાય છે.
જૈન કવિ દ્વારા રચાયેલી સર્વપ્રથમ રાગમાલા કઈ? એવા સવાલના જવાબમાં તત્ક્ષણ સૂઝે છે તે વાચક સકલચન્દ્રજીની સત્તરભેદી પૂજા છે, જેમાં ૩૫ ગીતો કે ગેય ઢાળો છે અને તે ૩૫ ભિન્ન ભિન્ન રાગોમાં છે. એ જિનપૂજાસ્વરૂપ હોવા છતાં તેનું રાગમાલા સ્વરૂપ ઓઝપાતું નથી. આ ૩૫ ગીતો શાસ્ત્રીય રીતે ગાનારા ગાયકો ગઈ કાલ સુધી આપણે ત્યાં હતા. એ રાગમાલા જેણે સાંભળી હશે તેવા લોકો હવે રડ્યાંખડ્યાં રહ્યા હશે. આજે પણ તે પૂજા, શાસ્ત્રીય રીતે ભણાવી શકે તેવી કોઈ કોઈ વ્યક્તિ છે ખરી. જો કે ગઈ કાલે હતા તેવા ગાયક તો ન જ મળે, પણ થોડે અંશે જળવાયું છે.
પ્રસ્તુત ગ્રંથ પણ રાગમાલા ગ્રંથ છે. તે જુદી જુદી, પ્રગટ અને અપ્રગટ, ૩૮ રાગમાલાઓનો સંપુટ લઈને આપણી સમક્ષ પ્રગટ થઈ રહ્યો છે. એક રીતે આને જીર્ણોદ્ધાર ગ્રંથ ગણવો ઘટે. જીર્ણ, વિસ્મૃત અને નષ્ટ થતી આવી ભવ્ય કાવ્યરચનાઓનો, જૂની પોથીઓમાંથી ઉદ્ધાર કરતો અને તેને ઘણી લાંબી આવરદા બક્ષતો આ ગ્રંથ છે. આમાં પ્રગટ થતી રાગમાલાઓના પ્રણેતા કવિઓ જૈન મુનિવરો છે. ઈશ તત્ત્વનો અનુગ્રહ પામવા માટેની તેમની તાલાવેલીમાંથી ઊગેલી આ પ્રેમલક્ષણા ભક્તિથી છલકાતી રચનાઓ છે. આ રચનાઓ ગેય તો છે જ. ઉપરાંત તે શાસ્ત્રીય સંગીતના રાગોમાં ગાઈ શકાય તેવી ગેય છે; એટલે આમાં ભક્તિશાસ્ત્ર તેમજ સંગીતશાસ્ત્રનો સુભગ સમાગમ સધાયો હોઈ, આ ભાવકને ભક્તિરસમય બનાવે તેમ છે.
આ રચનાઓ ૧૭મા અને ૧૮મા સૈકાની છે. આમાં બે રચનાઓને રાગમાલાને બદલે ગીતમાલા કહેવામાં વધુ ઔચિત્ય જણાય છે. ભક્તામર ગીતમાલા અને કલ્યાણમંદિર ગીતમાલા, તે રચનાઓ સંસ્કૃત સ્તોત્રની ગાથાઓના ગેય અનુવાદરૂપ છે. આ ૧૨ રચનાઓમાં કેટલીક રચનાઓ તો એવી અદ્ભુત છે કે તેમાં દરેક પદ્યમાં તેના કર્તાએ તે-તે રાગનાં નામો અત્યંત સહજતાથી, સાર્થક રીતે અથવા તો શબ્દ શ્લેષ દ્વારા ગૂંથી દીધાં છે. આ રચનાકૌશલ આ કવિઓને પિંગળના અને શૃંગારના મોટા અને લોકપ્રિય કવિઓની હરોળમાં મૂકી આપે છે, એ વાત નોંધ્યા સિવાય ચાલે નહિ. આ રાગામાલા એક રીતે જોઈએ તો ગીતમાલા અથવા ચરિતમાલા પણ છે. આનાં ગીતોમાં, જેની સાથે જે તીર્થંકરનું નામ જોડ્યું છે તે તીર્થંકરના ચ્યવન કલ્યાણકથી લઈને નિર્વાણ કલ્યાણક સુધીની મુખ્ય મુખ્ય જીવનઘટનાઓ ક્રમશઃ ગૂંથી લેવાઈ હોય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
