એક રાજા પોતાનું બહુ મોટું સામ્રાજ્ય છોડીને સ્મશાનમાં જઈને ભગવાન શંકરની ભક્તિ કરવા લાગ્યો. દિલથી ભક્તિ કરે બધું જ છોડી દીધું રાજપાટ,વૈભવ,મહેલ સ્મશાનમાં રહે અને જે ભિક્ષા મળે તે ખાય.ન મળે તો ભૂખ્યો ભોંય પર જ સૂઈ જાય.આમ ઘણાં વર્ષો વીત્યાં.રાજા હજી ભક્તિના માર્ગથી હલ્યો ન હતો.સતત ભગવાન મહાદેવની ભક્તિ કરે અને સ્મશાનમાં જ રહે. એક દિવસ દેવી પાર્વતીએ ભગવાનને કહ્યું, ‘પ્રભુ, આપ તો દયાળુ છો.ઘડીક વારમાં પ્રસન્ન થઇ જાવ છો.તો પેલો તમારો ભક્ત આટલા મોટા સામ્રાજ્યનો ધણી…પોતાનો બધો વૈભવ છોડી સ્મશાનમાં રહીને વર્ષોથી તમારી ભક્તિ કરે છે.તમે તેના પર પ્રસન્ન થઈ તેને દર્શન કેમ આપતા નથી? મારા મતે તો આપણે તમારા તે ભક્તને અહીં કૈલાસમાં બોલાવવા જોઈએ.’
ભગવાન મહાદેવ હસ્યા અને એટલું જ બોલ્યા કે ‘દેવી, હજુ સમય પાક્યો નથી.તેની ભક્તિ કાચી છે.’ બીજાં થોડાં વર્ષો વીત્યાં;રાજાની ભક્તિ એવી જ રીતે અવિરત ચાલુ છે.દેવી પાર્વતીએ કહ્યું, ‘ભગવન, તમે બહુ કઠોર બનો છો. હજી કેટલી કસોટી લેશો તમારા ભક્તની….મારા હિસાબે તો તેમની ભક્તિ એકદમ સાચી છે.’ ભગવાન મહાદેવ બોલ્યા, ‘ના દેવી હું કઠોર નથી.હું તેની સાથે જ છું પણ અહીં લાવવા માટે હજી તેની ભક્તિ કાચી છે.’ પાર્વતી માતાએ કહ્યું, ‘પ્રભુ હું નથી માનતી.’ ભગવાન મહાદેવે કહ્યું, ‘ચાલો સાબિત કરી દઉં.’
ભગવાન મહાદેવ અને દેવી પાર્વતી બ્રાહ્મણ અને બ્રાહ્મણી બની રાજા રહેતો હતો તે સ્મશાનમાં ગયા અને પેલો ભક્ત રાજા સાંભળે તેમ વાત કરવા લાગ્યા કે ‘અહીં એક ગરીબ મહાદેવ ભક્ત રહે છે. સતત ભગવાનની ભક્તિ કરે છે અને ભિક્ષામાં જે મળે તે ખાય છે.’ રાજાએ વાત સાંભળી અને તરત કહ્યું, ‘બ્રાહ્મણ દેવતા તે મહાદેવ ભક્ત હું જ છું, પણ હું તો મોટા સામ્રાજ્યનો રાજા છું અને બધો ધનવૈભવ રાજ છોડી અહીં બેસીને ભક્તિ કરું છું અને મારા મહાદેવ ક્યારે પ્રસન્ન થશે તેની રાહ જોઉં છું.મારી ભક્તિ માટે મેં મોટા સામ્રાજ્યને છોડ્યું છે.’ રાજાની વાત સાંભળી બ્રાહ્મણ અને બ્રાહ્મણી હસ્યા અને રામરામ કહી ત્યાંથી ચાલ્યા ગયા.
ભગવાન મહાદેવે, કૈલાસમાં જઈ દેવી પાર્વતીને કહ્યું, ‘દેવી તમે સમજી જ ગયા હશો.મારા ભક્તે તનથી બધું છોડ્યું છે. મારી ભક્તિ પણ સાચી કરે છે પણ મનમાં તો હજી બધું જ પકડી રાખ્યું છે અને રાજા હોવાનું અભિમાન …એથી વધારે મેં આટલા વૈભવનો ત્યાગ કર્યો છે તે ત્યાગનું અભિમાન છે.એટલે તેની ભક્તિ હજી કાચી છે.જયારે બધું મનથી છૂટશે અને મનમાં પણ માત્ર મારી ભક્તિ રહેશે ત્યારે તેની ભક્તિ પાકી જશે સમજયા.’ દેવી સમજી ગયાં.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.