SURAT

LIVE: ‘એ આવજો…’, ભક્તોને આશીર્વાદ આપી બપ્પાએ વિદાય લીધી, 5 વાગ્યા સુધી 45 હજારથી વધુ મૂર્તિનું વિસર્જન

સુરતઃ દસ દિવસ સુધી ગણેશજીની ભક્તિ ભાવપૂર્વક સેવા-પૂજા કર્યા બાદ આજે અનંત ચતુર્દશીના દિવસે બાપ્પાના વિદાયની વેળા આવી ગઈ છે. શહેરમાં 80000થી વધુ નાની-મોટી ગણેશ પ્રતિમાનું સ્થાપન થયું હતું. આજે આ તમામ પ્રતિમાઓનું વિસર્જન કરવાનું હોય પોલીસ અને સુરત પાલિકા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ છે. વળી, આ વર્ષે સૈયદપુરામાં બનેલી પત્થરમારાની ઘટના બાદ તંત્ર અને ભક્તો સતર્ક હતા.

આ વર્ષે રાત્રિના 3 વાગ્યાથી જ વિસર્જન યાત્રા શરૂ થઈ ગઈ હતી. ઘણા ઠેકાણે ભકતોએ અડધી રાત્રે વિસર્જન યાત્રા કાઢી હતી. ડીજે, ઢોલ નગારાના તાલે ભાવિક ભક્તો ઝૂમ્યા હતા. રસ્તા પર ફટાકડા ફોડ્યા હતા. ઓવારાઓ પર બાપ્પાની વિદાય વેળા છેલ્લી આરતી કરતી વખતે ભક્તોની આંખો આંસુથી છલકાઈ હતી. સાજે 5 વાગ્યા સુધી 54,600 પ્રતિમાઓનું વિસર્જન પુરું થયું હતું.

4 વાગ્યા સુધીમાં 38,999 મૂર્તિનું વિસર્જન
સુરતમાં શાંતિપૂર્વક વિસર્જન યાત્રા ચાલી રહી છે. બપોરે 4 વાગ્યા સુધીમાં 38,999 મૂર્તિનું વિસર્જન કરાયું હતું. મગદલ્લા ઓવારા પર 592, ડુમસ નાવડી ઓવારા પર 31 અને હજીરાના ઓવારા પર 397 મૂર્તિ વિસર્જિત કરાઈ છે, જ્યારે અન્ય 34,648 મૂર્તિઓનું 21 કૃત્રિમ ઓવારાઓમાં વિસર્જન કરાયું છે.

આ અગાઉ બપોરે 3 વાગ્યા સુધીમાં 32 480 પ્રતિમાઓનું વિસર્જન કરાયું છે. આ અગાઉ 2 વાગ્યા સુધીમાં 26,043 મૂર્તિનું વિસર્જન કરાયું છે. 1 વાગ્યા સુધીમાં 17,947 મૂર્તિનું વિસર્જન કરાયું છે. 12 વાગ્યા સુધીમાં 9955 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે. જ્યારે સવારે 11 વાગ્યા સુધીમાં 4519 પ્રતિમાઓનું વિસર્જન કરાયું છે. આ આંકડો 10થી 11 વચ્ચે ખૂબ વધ્યો છે. સવારે 10 વાગ્યા સુધીમાં 1567 મૂર્તિ વિસર્જિત થઈ હતી. એક કલાકમાં 2952 મૂર્તિઓનું વિસર્જન કરાયું છે. આમ તો અડધી રાત્રિથી જ ગણેશ વિસર્જન યાત્રાઓ શરૂ થઈ ગઈ હતી પરંતુ સવારે 10 વાગ્યા બાદ શહેરના 21 કૃત્રિમ તળાવ અને મગદલ્લા, ડુમસ, હજીરાના એમ ત્રણ મોટા ઓવારા પર હલચલ વધી હતી.

ભેસ્તાનમાં ટ્રેક્ટરનું ટાયર ફાટતા ગણેશ પ્રતિમા રસ્તામાં પડીને ખંડિત થઈ
સુરતના ભેસ્તાન વિસ્તારમાં આજે ગણેશ વિસર્જન માટે જઈ રહેલા ટ્રેક્ટરનું ટાયર અચાનક ફાટી જતા ટ્રેક્ટર પલટી ખાઈ ગયું. જેના કારણે ટ્રેક્ટરમાં લઈ જવાતી વિશાળકાય ગણેશજીની પ્રતિમા રસ્તા પર પડતા ખંડિત થઈ ગઈ હતી. જેના કારણે અનેક ગણેશ ભક્તો દુઃખી થયાં છે.

ભેસ્તાનના ભૈરવ નગરમાં પૂર્વ કોર્પોરેટરની સોસાયટીમાંથી આજે ગણેશ વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા ભેસ્તાન ભૈરવ નગર રોડ પર પહોંચી હતી ત્યારે અચાનક ટ્રેક્ટરના ટાયરમાં બ્લાસ્ટ થયો હતો. ચાલુ ટ્રેક્ટરમાં ટાયર ફાટી જતા ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું અને ટ્રેક્ટરમાં મૂકેલી ગણેશજીની પ્રતિમા પણ રસ્તા પર પડીને તૂટી ગઈ હતી.

દસ દિવસની પૂજા બાદ ગણેશજીની મૂર્તિ રસ્તામાં જ ખંડિત થઈ જતા ગણેશ ભક્તો ભારે દુઃખી થયા હતા. ત્યારબાદ આ પ્રતિમાને કૃત્રિમ તળાવ ખાતે લઈ જવામાં આવી હતી. જ્યાં પ્રતિકાત્મક વિસર્જન કરાયા બાદ વિસર્જન માટે દરિયાએ લઈ જવામાં આવી હતી. ગણેશજીની વિશાળકાય પ્રતિમા ખંડિત થતાં ગણેશ ભક્તોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

દાળીયા શેરીના ભક્તોએ ઉઘાડા પગે 14 કિ.મી. પગપાળા યાત્રા કાઢી
શહેરના કોટ વિસ્તાર મહિધરપુરામાં આવેલી દાળિયા શેરીના સૌથી સુપ્રસિદ્ધ સુરતના રાજા ગણેશજીની પ્રતિમાની વિસર્જન યાત્રા વહેલી સવારે નીકળી હતી. આ મંડળના આયોજકો-ભક્તોએ બૂટ ચપ્પલ પહેર્યા વિના ઉઘાડા પગે ભર તડકામાં હાથ લારી ખેંચીને 14 કિ.મી.નું અંતર પાર કર્યું હતું. તેઓ મગદલ્લાના વીઆર મોલ પાસેના ઓવારા પર પ્રતિમા લઈ ગયા છે.

હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓએ શાંતિનો સંદેશ આપ્યો
સૈયદપુરામાં પત્થરમારાની ઘટના બાદ સુરત શહેરમાં કોમી તંગદિલી છવાઈ છે, ત્યારે બંને ધર્મના અગ્રણીઓએ આજે ગણેશ વિસર્જનના દિવસે ભેગા મળી શાંતિનો સંદેશ આપ્યો હતો. ચોક બજાર વિસ્તારમાં હિન્દુ-મુસ્લિમ અગ્રણીઓએ સફેદ કબૂતર ઉડાડી શાંતિનો સંદેશ આપ્યો હતો. અહીં સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત બંને ધર્મના અગ્રણીઓને મળ્યા હતા અને બાદમાં ગણપતિ બાપ્પાનો રથ ખેંચ્યો હતો.

પાલ-હજીરા રોડ પર ટ્રાફિક જામ
સવારે 11 વાગ્યા બાદ પાલ-હજીરા રોડ પર ગણેશ વિસર્જન યાત્રાઓની ચહલ પહલ વધી હતી. અહીં વિસર્જન યાત્રા જોવા માટે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. તેના પગલે પાલ હજીરા રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી હતી. આ તરફ અડાજણમાં ફૂટ ઓવર બ્રિજની સાઈડ પરથી સર્વિસ રોડ પરથી ઊંચી પ્રતિમાઓ પસાર થઈ હતી.

સિવિલમાં નર્સીંગ સ્ટાફે ગણેશ વિસર્જન કર્યું
નવી સિવિલ હોસ્પિટલમાં નર્સીંગ સ્ટાફ દ્વારા ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. આજે અનંત ચતુર્દશીના રોજ નર્સીંગ સ્ટાફે સિવિલમાં જ એક નાનકડા કુંડમાં ભાવપૂર્વક શ્રીજીની નાનકડી માટીની મૂર્તિનું વિસર્જન કર્યું હતું.

લિંબાયતમાં આ વર્ષે મોડેથી વિસર્જન યાત્રા શરૂ થઈ
સંવેદનશીલ વિસ્તાર લિંબાયતમાં દાયકાઓ પહેલાં ફાયરિંગની ઘટના બની હતી, તેના પગલે ત્યાર બાદથી દર વર્ષે લિંબાયતમાં સવારે વહેલી વિસર્જન યાત્રા શરૂ થઈ હતી અને લિંબાયતના સંવેદનશીલ સંગમ સર્કલ પાસેથી બપોરે 12 વાગ્યા સુધીમાં તમામ ગણેશ પ્રતિમાઓ પસાર થઈ જતી હતી, પરંતુ આ વર્ષે લિંબાયતમાં વિસર્જન યાત્રા મોડી શરૂ થઈ છે. બપોરે 11.30 કલાક બાદ સંગમ સર્કલ પરથી પહેલી ગણેશ પ્રતિમા પસાર થઈ હતી.

ઉધના-મગદલ્લા રોડ પર વિસર્જન યાત્રાની રોનક ફરી જોવા મળી
ઉધના મગદલ્લા રોડ ઉપર વર્ષો પહેલા ગણપતિ વિસર્જન વખતે જોવા મળતી ભીડ અને રોનક આ વખતે ઘણા સમય પછી જોવા મળી છે. પાછલા ચાર-પાંચ વર્ષોથી ઉધના મગદલ્લા રોડ ઉપર આ પ્રકારની રોનક વિસરાઈ ગઈ હતી. પરંતુ આ વર્ષે ઉધના મગદલ્લા રોડ ઉપર શ્રીજીની પ્રતિમાઓ અને ગણેશ ભક્તોની ભીડ ફરી એ રોનક લઈને આવી છે.

વરાછા મોટા વરાછા ના કૃત્રિમ તળાવ ઉપર ધીમી ગતિ એ વિસર્જન ની પ્રક્રિયા, બપોરે 12 વાગ્યા સુધીમાં 360 નાની પ્રતિમા ઓ વિસર્જિત કરાઈ હતી.

ડુમસ રોડ સવારે ખાલીખમ, 11 વાગ્યા સુધીમાં 100 પ્રતિમાનું વિસર્જન થયું
ડુમસના ઓવારા પર મોટી પ્રતિમાઓનું વિસર્જન થતું હોય છે. આ વર્ષે ડુમસ ઓવારા અને ડુમસ રોડ પર સવારે શાંતિ જોવા મળી હતી. મોટે ભાગે અલથાણ, લિંબાયત, વેસુ વિસ્તારના ગણપતિની મૂર્તિઓ આવતી હોય છે. આ વર્ષે લિંબાયતમાં વિસર્જન યાત્રા મોડી શરૂ થઈ હોય સવારે ડુમસનો ઓવોરો ખાલીખમ દેખાયો હતો. સવારે 11 વાગ્યા સુધીમાં અહીં 100 જેટલી પ્રતિમાનું વિસર્જન થયું હતું.

ઉધનામાં કાશીનરમાં વિરાટ મૂર્તિ ફસાઈ
ઉધનામાં આવેલી કાશીનગર કો.હા. સોસાયટીના ગેટ નં. 9 પાસે સોસાયટીની વિરાટ મૂર્તિ ઓવરહેડ વાયરોમાં ફસાઈ ગઈ હતી. ગણેશ ભક્તો, આયોજકોએ મહામહેનતે વાયરો હટાવી મૂર્તિને બહાર કાઢી હતી. થોડા સમય માટે ભક્તોના જીવ અદ્ધર થઈ ગયા હતા.

પાલ આરટીઓ ઓવારાની કમિશનર, સાંસદે મુલાકાત લીધી
રાંદેર ઝોન વિસ્તારમાં પાલ આર.ટી.ઓ. પાસે ગણેશ વિસર્જન માટે તૈયાર કરવામાં આવેલ કૃત્રિમ તળાવનું સાંસદ મુકેશ દલાલ કમિશનર શાલિની અગ્રવાલ અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાથે મુલાકાત લઇ ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સુચનો કર્યા હતા.

વહેલી વિસર્જન યાત્રા કાઢવા પોલીસે આયોજકોને સમજાવ્યા
ગણેશ આયોજકો વહેલી વિસર્જન યાત્રા કાઢે તેની સમજણ આપવા માટે સુરત પોલીસ વિભાગના અધિકારી અને કર્મચારીઓ રસ્તા પર ઉતર્યા હતા. અનેક ગલી મહોલ્લામાં વહેલી સવારથી પોલીસ સ્ટાફ આયોજકોને જઈને સમજાવતા જોવા મળ્યાં હતાં.

Most Popular

To Top