શ્રાવણમાં શ્રદ્ધળૂ ભગવાન શંકરની વિશેષ પૂજા અર્ચના કરે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર શ્રાવણના મહિનામાં ભગવાન શિવની પૂજા-આરાધના, જપ-તપ વિશેષરૂપે ફળદાયી હોય છે. ભગવાન શિવના પ્રિય શ્રાવણ મહિનામાં શિવને પ્રસન્ન કરવા માટે દૂધનો અભિષેક કરાય છે. આ મહિનામાં શિવભક્ત આખો મહિનો અથવા દર સોમવારે ઉપવાસ કરે છે. એટલે જ શ્રાવણ મહિનામાં દૂધની માંગ, બીલીપત્ર અને અન્ય ફૂલોની, ફરાળી વસ્તુઓની, કંદમૂળ અને ફળોની માંગ વધી જવાનો ટ્રેંડ દર વર્ષે જોવા મળે છે. અત્યારે શ્રાવણ મહિનામાં આ ઉપરોક્ત તમામ વસ્તુઓના વેચાણનો ટ્રેંડ કેવો છે તે સુરતના વિક્રેતાઓ પાસે થી આપણે જાણીએ..
ફૂલોની સાથે બીલીપત્રની માગ 30થી 50 ટકા વધી
કતારગામ વિસ્તારના ફૂલ વિક્રેતા દિલીપભાઈ માવજીભાઈ માળીએ જણાવ્યું કે સામાન્ય રીતે આખા વર્ષ દરમિયાન સુરતમાં રોજના 3થી 5 હજાર કિલો ફૂલ વેચાય છે. પણ શ્રાવણ મહિનામાં ડીમાંડ લગભગ 50 ટકા વધી જાય છે. શ્રાવણમાં રોજના 5 થી 6 હજાર કિલો ફૂલોનું વેચાણ થાય છે. શ્રાવણમાં સૌથી વધારે વેચાણ બીલીપત્ર અને ગલગોટાનું થાય છે. આ સમયમાં લીલીના ફૂલનું વેચાણ પણ વધારે થાય છે. સુરતમાં 80 ટકા ફૂલો નાસિકથી આવે છે. જ્યારે ગુલાબ, લીલી નવસારી, ભરૂચથી આવે છે. અત્યારે ગલગોટા 10 રૂપિયે કિલો વેચાય રહ્યા છે. આ વખતે શ્રાવણની શરૂઆતના 15 દિવસમાંથી પહેલાં 5 દિવસ ફૂલોનો ધંધો સારો રહ્યો જ્યારે 10 દિવસથી ધંધો ડાઉન થઈ ગયો છે. શ્રાવણ મહિનામાં રોજના 30થી 40 હજારની બીલીપત્રની પડઘી વેચાય છે. જ્યારે એકલા શ્રાવણ મહિનામાં બીલીપત્રની 30થી 50 ટકા માગ વધી જાય છે. ભોલેનાથને બીલીપત્ર સૌથી વધુ પ્રિય છે. એટલે શ્રાવણમાં બીલીપત્રનું વિશેષ મહત્ત્વ હોય છે.
સામાન્ય દિવસો કરતા શ્રાવણ માસમાં ડેરી પ્રોડકટનું વેચાણ વધે છે
સુમુલ ડેરીના એજીએમ સેલ્સ એન્ડ માર્કેટિંગના મનીષ ભટ્ટ કહે છે કે,સામાન્ય દિવસો કરતાં શ્રાવણ માસના ચારે સોમવાર દૂધનું સરેરાશ વેચાણ 80,000 લીટર વધુ રહેતું હોય છે.શ્રાવણ માસમાં જ રક્ષાબંધનનું પર્વ આવતું હોવાથી મલાઈ પેંડા,કાજુકતરી,કેસર પેંડાનું 80 ટન વેંચાણ થતું હોય છે.રાંધણ છઠ્ઠ પણ આજ મહિનામાં આવતી હોવાથી 100 ટન ઘી નો ઉપાડ થતો હોય છે. શીંગોડાના શિરા અને રાજગરાની ભાખરીમાં ઘીનો વપરાશ થાય છે. સત્યનારાયણની કથા પણ આ મહિને યોજાતી હોવાથી ઘીનું વેચાણ વધે છે. શ્રાવણમાં સરેરાશ 10 ટન દહીંનું રોજ વેચાણ વધે છે. બટાકા, સુરણના શાક અને ફરાળી પેટીસ, ભજીયા સાથે દહીંનો વપરાશ સુરતીઓ કરે છે.
ફરાળમાં એક મહિનામાં 36 હજાર કિલો સાબુદાણા ખવાય છે
કરિયાણા વિક્રેતા સુનીલભાઈ ગાંધીએ જણાવ્યું કે, શ્રાવણમાં ઉપવાસમાં સાબુદાણા,રાજગરાનો લોટ, સિંગદાણા, મોરિયોની ડિમાન્ડ વધી જાય છે. સામાન્ય રીતે દર મહિને સાબુદાણા અંદાજે 12થી 13 હજાર કિલો વેચાય છે પણ શ્રાવણમાં સાબુદાણાની ખીચડી, સાબુદાણાના વડા જેવો ફરાળ બનાવવા માટે આખા મહિના દરમિયાન લગભગ 36 હજાર કિલો સાબુદાણાનું વેચાણ થાય છે. રાજગરાનો લોટ બાકી મહિનાઓમાં ત્રણથી ચાર હજાર કિલો વેચાય છે પણ શ્રાવણમાં વેચાણ વધીને 20 હજાર કિલો જેટલું થઈ જાય છે. મોરિયો પણ સામાન્ય રીચે ત્રણથી ચાર હજાર કિલો જ્યારે શ્રાવણમાં 20 હજાર કિલો જેટલો વેચાય, સીંગોડાના લોટનો માત્ર શિરો બને તેને બનાવવાનો ખર્ચ વધી જતો હોય છે એટલે સીંગોડાના લોટનું શ્રાવણમાં 12 હજાર કિલો જેટલું વેચાણ થાય છે. અન્ય મહિનાઓમાં 1000થી 1500 કિલો જેટલું વેચાણ થાય.
બટાકાની માંગ 15થી 20 ટકા વધે છે
શાકભાજી વિક્રેતા હરીશભાઈ પરમારે જણાવ્યું કે, શ્રાવણમાં ઉપવાસનો મહિમા હોય છે. શ્રદ્ધાળુંઓ આખો મહિનો અથવા દર સોમવારે ઉપવાસ કરે છે. એટલે કંદમૂળ રતાળું, શકકરીયા, બટાકા, સુરણની માંગ વધી જાય છે. જ્યારે સોમવારે અને અગિયારસના દિવસે ગ્રીન શાકભાજી જેમકે વટાણા, ફલાવર, તૂરિયાની ડિમાન્ડ ખાસ્સી ઘટી જાય છે એટલે શાક વિક્રેતા આ શાકની ક્વોન્ટીટી ઓછી રાખે છે. કંદમૂળની ડીમાન્ડ ઓગસ્ટથી લઈને ચાર મહિના વધારે હોય છે. શ્રાવણમાં રતાળું રોજ લગભગ 1000થી 1200 કિલો વેચાય છે. આમ તો આખું વર્ષ બટાકા વેચાતા જ હોય છે પણ શ્રાવણમાં તેનું વેચાણ આશરે 15થી 20 ટકા વધી જાય છે. શકકરીયાનું રોજનું લગભગ 700થી 1000 કિલો જેટલું વેચાણ થાય છે. કોથમીર, મરચા, મીઠોલીમડો, આદુનું પણ સારું એવું વેચાણ થાય છે. છેલ્લાં 15 દિવસમાં કંદમૂળનું વેચાણ સારું થયું છે. ઉપવાસમાં ફળાહાર કરાય છે એટલે ફળોમાં મોસંબી, એપલ, પેર, નાસપતિ, જમરૂખ,કેળાનું વેચાણ વધી જતું હોય છે.