સુરત(Surat) : હાલમાં શહેરમાં જોરશોરથી ગણેશોત્સવની (Ganesh Utsav) ઉજવણી ચાલી રહી છે. દરેક ગલી-મહોલ્લા, સોસાયટીઓમાં બાપ્પાની ભવ્ય રીતે ભક્તિ કરવામાં આવી રહી છે, ત્યારે કેટલાંક મંડળો દ્વારા નોંધનીય સેવાકાર્યો પણ કરાઈ રહ્યાં છે. આવું જ સેવાકાર્ય વરાછા વિસ્તારના એક મંડળ દ્વારા કરાયું છે. અહીંના એક ગણેશ મંડપમાં શ્રદ્ધાળુઓ દ્વારા અંગદાનના (Organ Donation) સંકલ્પ લેવામાં આવી રહ્યાં છે.
જીવતે જીવ રક્તદાન અને મૃત્યુ બાદ અંગદાન આ સૂત્રને સાર્થક કરવા માટે શહેરમાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કાર્ય કરવામાં આવી રહ્યું છે. ત્યારે હાલમાં ચાલી રહેલા ગણેશ ઉત્સવ દરમિયાન સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ્ર (Sudama Charitable Trust) દ્વારા પણ ગણેશ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે અને ટ્રસ્ટ દ્વારા સુદામા કા રાજા ગણેશજીની પ્રતિમાં સ્થાપવામાં આવી છે.
ગણેશ ઉત્સવના પાંચમા દિવસે 108 દિવડાની, ભષ્મ મહાઆરતી અને છપન્ન ભોગનો થાળ ચઢાવવામાં આવ્યો હતો. સાથો સાથ લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જીવન દીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના અગ્રણી વિપુલ તળાવિયા, ધીરૂભાઇ ચોથાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લોક ડાયરામાં ઉપસ્થિત લોક ગાયિકા અલ્પા પટેલ દ્વારા ઉપસ્થિત લોકોને જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના માધ્યમથી અંગદાન કરવા માટેની શપથ લેવા માટે અપીલ કરવામાં આવી હતી. ઉપસ્થિત રહેલા હજારો લોકોએ અંગદાન કરવાનો સંકલ્પ કર્યો હતો.
સુદામા કા રાજા કાર્યક્રમમાં ઉપસ્થિત જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના અગ્રણી વિપુલ તળાવિયા દ્વારા લોકોને અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તેમજ હાલમાં ઓર્ગન ફેઇલ્યોરને કારણે કેટલા લોકો જીવન મરણ વચ્ચે જોલા ખાઇ રહ્યા છે તેની વિગતો પણ આપી હતી.
વિપુલભાઇએ જીવનદીપ ઓર્ગન ડોનેશનના હેતું વિશે જાણકારી આપતા જણાવ્યું હતું કે, આ સંસ્થા લોકોને નવું જીવન આપવા માટે કાર્ય કરી રહી છે અને કોઇ પણ પ્રકારના સ્વાર્થ વગર જે લોકો ઓર્ગન ફેઇલ્યોરની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તેમને નવું જીવન આપવાની દીશામાં કામ કરે છે. અંગદાન અંગે સમાજમાં જાગૃતિ આવે એવા પ્રયાસો સતત કરવામાં આવી રહ્યા છે ત્યારે આવનારા દિવસોમાં ઓર્ગન ફેઇલ્યોર લોકોનું વેઇટીંગ લિસ્ટ ઝીરો કરવાની નેમ સાથે આ સંસ્થા કાર્ય કરી રહી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.