Columns

ભક્તની ભક્તિ કરો

રામાયણમાં યુદ્ધ બાદ વિભીષણ લંકાના રાજા બન્યા. વિભીષણના રાજ્યાભિષેક બાદ સાંજે સુગ્રીવે વિભીષણની ગેરહાજરીમાં ભગવાન શ્રી રામની પાસે નમન કરી પૂછ્યું, ‘પ્રભુ, વિભીષણ જન્મે રાક્ષસ, રાવણના ભાઈ છતાં તમે તેને શરણ આપ્યું? અમે બધાએ ના પાડી અને શંકા વ્યક્ત કરી હતી છતાં યુદ્ધ પહેલાં તમે તેમને સ્વીકારી તમારી સાથે ધર્મના પક્ષે રાખ્યા અને તમારા સખાનું સ્થાન આપ્યું અને આજે લંકાના રાજા પણ બનાવી દીધા. પ્રભુ આટલી અપરંપાર કૃપા તમે તેમની પર કયાં કારણોસર વરસાવી તે અમને કહો.

ભગવાન રામ બોલ્યા, ‘‘દરેક જીવના ધર્મ અને કર્મ પર કૃપાનો આધાર રહે છે. વિભીષણ બાળપણથી જ સત્કર્મ ,નીતિ અને ભક્તિના માર્ગ પર ચાલતા હતા. આ યુદ્ધમાં તેમણે પોતાના મોટા ભાઈથી ડર્યા વિના સત્યનો અને ધર્મનો સાથ આપ્યો. રાવણને સાચો માર્ગ બતાવવાની હિંમત રાખી અને રાવણની લાત ખાધી છતાં મોટાભાઈ પર ગુસ્સો ન કર્યો. વંદન કરી લંકા છોડી અને મારા શરણે આવ્યા અને મારા શરણમાં આવનાર દરેકનો હું સ્વીકાર કરું જ છું.’’

સુગ્રીવે વચ્ચે પૂછ્યું, ‘‘એટલે શું તેઓ તમારા પ્રિય ભક્ત છે?’’
ભગવાન રામ હસ્યા અને બોલ્યા, ‘‘મને બધા જ ભક્તો પ્રિય છે; જે બધા મારી સેવા કરે છે પૂજા અર્ચના કરે છે અને સદા મનમાં બીજાનું કલ્યાણ ઈચ્છે છે, જેઓ હંમેશા ધર્મ અને નીતિના માર્ગ પર ચાલે છે અને સત્કર્મો કરે છે તે બધા જ મારા હ્રદયની નજીક છે પરંતુ સૌથી વધુ પ્રિય એ ભક્તો છે …….’’
જિજ્ઞાસાવશ અંગદ વચ્ચે જ પૂછી બેઠો, ‘‘કયા ભક્તો તમને સૌથી વધુ પ્રિય છે પ્રભુ?’’

ભગવાન રામ બોલ્યા, ‘‘અંગદ, મારા બધા ભક્તોમાં મને સૌથી વધુ પ્રિય, એ ભક્તો છે જે મારા સાચા ભક્તોનાં ચરણોમાં પ્રેમ અને આદર અર્પણ કરે છે. જેઓ મને જેટલો પ્રેમ કરે છે તેટલો પ્રેમ મારા ભક્તોને પણ કરે છે. જયારે સખા વિભીષણ લંકામાં હનુમાનને પહેલી વાર મળ્યા હતા અને ઊંડો પ્રેમ અને સન્માન આપ્યાં હતાં. તે ક્ષણથી તેઓ મારા પ્રિય બની ગયા  હતા. હનુમાન મારા પ્રિય છે અને જે મારા પ્રિય ભક્તને પ્રેમ કરે છે, આદર આપે છે તે મને વિશેષ પ્રિય છે કારણ કે હું મારા ભક્તથી ભિન્ન નથી.’’

ભગવાન રામના આ શબ્દો સાંભળીને હનુમાનજી અને ઉપસ્થિત બધાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં, સાચી ભક્તિ કેવળ પ્રભુની નહિ પણ પ્રભુના ભક્તોની પણ કરવી જરૂરી છે. વિભીષણજીના કાને આ વાત પહોંચી ગઈ તે દિવસથી તેઓ હનુમાનજીની વિશેષ પૂજા કરવા લાગ્યા. જે બીજાનું કલ્યાણ ઈચ્છે છે અને જે ભગવાનના ભક્તો અને સેવકો પ્રત્યે પ્રેમ અને આદરભાવના રાખે છે તે પ્રભુને વિશેષ પ્રિય હોય છે એટલે દરેક ભક્તની ભક્તિ કરવી જોઈએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top