Columns

દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રની રાજનીતિના ચાણક્ય સાબિત થયા

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાગઠબંધનની ઐતિહાસિક જીત અને દસ દિવસની મેરેથોન ચર્ચાવિચારણા બાદ દેવેન્દ્ર ફડણવીસ રાજ્યના મુખ્ય મંત્રીની ખુરશી પર બિરાજમાન થઈ ગયા છે. આ દસ દિવસમાં મહારાષ્ટ્રમાં શરદ પવાર, એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જેવા મહારથીઓ દ્વારા પડદા પાછળ ઘણી બધી રમતો રમાઈ ગઈ હતી. એક તબક્કે તો એવું લાગતું હતું કે નારાજ થયેલા એકનાથ શિંદે મહાયુતિની ગાડીને પાટા પરથી ઊતારી પાડશે, પણ રાજનીતિની આ રમતમાં દેવેન્દ્ર ફડણવીસ વિજેતા જાહેર થયા છે. તેમને ભાજપના મોવડીમંડળ પાસેથી લીલી ઝંડી મેળવ્યા પછી નારાજ થયેલા શિંદેને મનાવવાની કઠિન કામગીરી સોંપવામાં આવી હતી. થાણેની હોસ્પિટલમાં ભરતી થઈ ગયેલા શિંદેની ખબર કાઢવાને બહાને તેઓ અજીત પવાર સાથે ત્યાં પહોંચી ગયા હતા. ગૃહ ખાતાની હઠ લઈને બેઠેલા એકનાથ શિંદેના કાનમાં તેમણે એવો મંત્ર ફૂંક્યો કે શિંદે ચૂપચાપ નાયબ મુખ્ય મંત્રીનો હોદ્દો સ્વીકારવા તૈયાર થઈ ગયા હતા.

આજથી બરાબર ચાર મહિના પહેલાં જ્યારે લોકસભા ચૂંટણીનાં પરિણામો આવ્યાં ત્યારે ભાજપ મહારાષ્ટ્રમાં બે આંકડાને પણ સ્પર્શી શક્યો નહોતો. આવી સ્થિતિમાં દેવેન્દ્ર ફડણવીસના ભવિષ્યને લઈને અટકળો શરૂ થઈ ગઈ હતી. દેવેન્દ્ર ફડણવીસે પરાજયની નૈતિક જવાબદારી સ્વીકારીને નાયબ મુખ્ય મંત્રીના હોદ્દા પરથી રાજીનામું આપવાની તૈયારી પણ બતાવી હતી, પણ ભાજપનું મોવડીમંડળ તેમને એક વધુ ચાન્સ આપવા માગતું હતું. વિધાનસભાની ચૂંટણીના રૂપમાં તેમને આ ચાન્સ મળી ગયો અને તેમણે પોતાની તાકાત પુરવાર કરી આપી હતી.

જે દેવેન્દ્ર ફડણવીસ કોઈ સમયે મુખ્ય મંત્રી હતા તેઓ સમયનો તકાદો આવ્યો ત્યારે નાયબ મુખ્ય મંત્રીનો હોદ્દો સ્વીકારવા પણ તૈયાર થઈ ગયા હતા. દેવેન્દ્ર ફડણવીસનું નિવેદન ઘણી વાર સોશ્યલ મિડિયા પર ચર્ચાય છે, જેમાં તેમણે કહ્યું હતું કે હું સમુદ્ર છું અને પાછો આવીશ. હવે તેઓ ખરેખર સમુદ્રની જેમ મુખ્ય મંત્રીના હોદ્દા પર બિરાજમાન થઈને પાછા ફર્યા છે. વધારામાં તેમણે કાર્યવાહક મુખ્ય મંત્રી રહેલા એકનાથ શિંદેને નાયબ મુખ્ય મંત્રી બનવા માટે પણ સમજાવી લીધા છે.

દેવેન્દ્ર ફડણવીસ ૩૦ વર્ષથી વધુ સમયથી રાજકારણમાં સક્રિય છે. તેમણે તેમના સમકાલીન રાજકીય પ્રતિસ્પર્ધીઓ કરતાં નાની ઉંમરે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી અને અન્ય લોકો કરતાં વહેલાં ઘણાં પદો હાંસલ કર્યાં હતાં. તેમના પિતા ગંગાધર ફડણવીસ ભાજપના અગ્રણી નેતા હતા. તેઓ ઘણાં વર્ષો સુધી વિધાન પરિષદના સભ્ય હતા. દેવેન્દ્ર તેમના વિદ્યાર્થીકાળ દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાયેલા હતા. ૧૯૯૨માં તેઓ ૨૨ વર્ષની ઉંમરે પ્રથમ વખત નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાઉન્સિલર બન્યા હતા.

દેવેન્દ્ર ફડણવીસ ટૂંક સમયમાં નાગપુરના મેયર બન્યા હતા. ૧૯૯૯માં જ્યારે શિવસેના-ભાજપ ગઠબંધનને હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે ફડણવીસ પહેલી વાર વિધાનસભા પહોંચ્યા હતા. ભાજપમાં બદલાતાં સમીકરણોને કારણે ફડણવીસે નીતિન ગડકરીનો સાથ છોડીને ગોપીનાથ મુંડે સાથે હાથ મિલાવ્યા હતા. આ જૂથ સાથે રહીને ફડણવીસ ૨૦૧૩માં ભાજપના પ્રદેશ અધ્યક્ષનું પદ મેળવવામાં સફળ રહ્યા હતા. નાગપુરના રહેવાસી દેવેન્દ્ર ફડણવીસને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વફાદાર માનવામાં આવે છે. આ તેમના માટે સારું પાસું સાબિત થયું છે. બીજી વાત એ છે કે ૨૦૧૪ની લોકસભા ચૂંટણી પછી ભાજપનું નેતૃત્વ નીતિન ગડકરીના નહીં પણ મોદી-શાહના હાથમાં હતું. જ્યાં ભાજપ ચૂંટણી જીતી રહ્યું હતું ત્યાં ભાજપ અલગ રીતે પોતાનો મુખ્ય મંત્રીનો ચહેરો પસંદ કરી રહ્યો હતો. હરિયાણામાં મનોહરલાલ ખટ્ટર અને ઝારખંડમાં રઘુબર દાસની જેમ મહારાષ્ટ્રમાં બિનમરાઠા દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી પદ મળ્યું હતું. દેવેન્દ્ર ફડણવીસને ત્યારે તો લોટરી લાગી ગઈ હતી, પણ હવે તેમણે જાતમહેનતથી મુખ્ય મંત્રીપદ મેળવ્યું છે.

છેલ્લા કેટલાક મહિનામાં મહારાષ્ટ્ર ભાજપના રાજકારણમાં ઘણા મોટા ફેરફારો જોવા મળ્યા છે. લોકસભામાં ભાજપની હાર બાદ પણ દેવેન્દ્ર ફડણવીસની ટીકા થતી રહી હતી. દેવેન્દ્ર ફડણવીસને દિલ્હી મોકલવામાં આવશે. તેમને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવશે અથવા કેન્દ્રીય કેબિનેટમાં સામેલ કરવામાં આવશે તેવી ચર્ચાઓ પણ શરૂ થઈ હતી. આ બધાની વચ્ચે દેવેન્દ્ર ફડણવીસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે લોકસભા ચૂંટણી દરમિયાન સંઘ સક્રિય ન હતો. દેવેન્દ્ર ફડણવીસની બેઠકો પછી સંઘની ટીમ સક્રિય થઈ ગઈ. રાજ્યમાં નેતૃત્વની જવાબદારી સામુહિક સ્તરે રહેશે તેવી પણ ચર્ચા શરૂ થઈ હતી.

આખરે ભાજપ અને સંઘના કેન્દ્રીય નેતૃત્વની દખલગીરીને કારણે ભાજપની લગામ દેવેન્દ્ર ફડણવીસના હાથમાં રહી. ચૂંટણી પ્રચાર દરમિયાન અમિત શાહની મુલાકાતો, મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના ભાજપના કેન્દ્રીય નેતૃત્વ સાથેના સંબંધો, અજિત પવારની પ્રસંગોપાત નારાજગી અને ફડણવીસ સામે ભાજપની અંદરના વિરોધી જૂથની વધતી જતી સક્રિયતા, આ બધાનો સામનો કરીને ફડણવીસ વિધાનસભાની ચૂંટણીમાં પોતાને કેન્દ્રમાં રાખવામાં સફળ થયા હતા. ખાસ કરીને ઉમેદવારોની પસંદગીમાં દેવેન્દ્ર ફડણવીસનો પ્રભાવ જોવા મળતો હતો. તે જ સમયે, મહાયુતિના ઘટકો સાથે વાટાઘાટો કરીને ભાજપ મહત્તમ બેઠકો પર ચૂંટણી લડવામાં સફળ રહ્યો હતો.

મરાઠા આરક્ષણના મુદ્દે ભાજપને લોકસભાની ચૂંટણીમાં નુકસાન વેઠવું પડ્યું હતું. વિધાનસભામાં જ્યારે પણ અનામતના મુદ્દે ભાજપની સામે કોઈ મુદ્દો આવ્યો ત્યારે મનોજ જરાંગે જવાબ આપવાનું ટાળતા જણાતા હતા. આ દરમિયાન લક્ષ્મણ હાકેનું આંદોલન શરૂ થયું. એક તરફ જરાંગે મરાઠા આરક્ષણ માટે આંદોલન કરી રહ્યા હતા, તો બીજી તરફ હાકે ઓબીસી અધિકારો માટે આંદોલન કરીને તેનો વિરોધ કરી રહ્યા હતા. જે રીતે મનોજ જરાંગે પાછળ કોણ છે તેવો સવાલ પૂછવામાં આવી રહ્યો હતો તે જ રીતે હવે લક્ષ્મણ હાકે પાછળ કોણ છે તેવો સવાલ પૂછવામાં આવી રહ્યો છે.

લક્ષ્મણ હાકેના આંદોલનની અસર વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળી હતી અને હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે લક્ષ્મણ હાકે પાછળ ફડણવીસ હતા. આ તમામ ઘટનાક્રમનું પરિણામ એ આવ્યું કે ભાજપ અને ફડણવીસનાં સમર્થકોમાં તેમના પ્રત્યે થોડી સહાનુભૂતિ ઊભી થઈ. આ સાથે જ મનોજ જરાંગેની ભૂમિકા અંગે મતદારોના મનમાં શંકાઓ ઊભી થવા લાગી હતી. વિધાનસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન દેવેન્દ્ર ફડણવીસ માટે કેટલાક નારાઓ પણ લગાવવામાં આવ્યા હતા કે તેઓ બહુજનના કલ્યાણ માટે આગળ આવ્યા હતા, તેથી તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા. તેનો પ્રભાવ ઓબીસી મતદારો પર પડ્યો હતો. દેવેન્દ્ર ફડણવીસે આરએસએસ અને હિન્દુ સંગઠનો સાથે મળીને હિન્દુત્વના મુદ્દાને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ફરી ચર્ચાનો વિષય બનાવ્યો હતો.

નીતિશ રાણેની હિંદુ જાગૃતિ માર્ચને રોકવામાં આવી હોવા છતાં ફડણવીસે હિંદુ સંગઠનોનો ઉપયોગ કરીને આ મુદ્દાઓ ઉઠાવ્યા, જેની અસર ગ્રામીણ વિસ્તારોના મતદારો પર પણ પડી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન ફડણવીસે વોટ જેહાદનો મુદ્દો પણ ઘણી વખત ઉઠાવ્યો હતો. તેઓ તેના વિશે સતત બોલતા રહ્યા હતા. તેમણે કહ્યું કે જ્યારે મુસ્લિમો એક થઈને મતદાન કરી શકે છે ત્યારે હિન્દુઓએ પણ એક થઈને મતદાન કરવું જોઈએ. આનો ફાયદો પણ મહાયુતિને ચૂંટણીમાં થયો છે. સરકારની લાડકી બહેન અને બીજી યોજનાઓ લઈને તેમના દ્વારા સમગ્ર રાજ્યમાં પોતાની ‘દેવાભાઈ’ઈમેજ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. સંઘની મદદથી તેમણે લોકસભાની ચૂંટણી દરમિયાન મતદાન ન કરનારાંઓને મતદાન મથકો પર લાવવાનો અને ભાજપની તરફેણમાં મતદાન કરાવવાનો સફળ પ્રયાસ પણ કર્યો હતો.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top