મુંબઈઃ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીને લઈને છેલ્લા 12 દિવસથી ચાલી રહેલ સસ્પેન્સનો આજે અંત આવ્યો છે. મુંબઈમાં બીજેપી વિધાયક દળની બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસને સર્વસંમતિથી મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આવતીકાલે તેઓ પદના શપથ લેશે. તેઓ ત્રીજી વખત મહારાષ્ટ્રના સીએમ બનશે.
વિધાયક દળની બેઠક બાદ બપોરે 3.30 વાગ્યે દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર એક જ કારમાં સાથે રાજભવન પહોંચ્યા હતાં. અહીં તેમણે રાજ્યપાલ રાધાકૃષ્ણનની સામે સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. આ પ્રસંગે સુપરવાઈઝર નિર્મલા સીતારમણ પણ હાજર હતા. રાજ્યપાલને સમર્થન પત્રો સબમિટ કર્યા હતા.
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે જો આપણે એક રહીશું તો સુરક્ષિત રહીશું. મહારાષ્ટ્રમાં અમને એકતરફી જીત મળી છે. હું આ આદેશ માટે આભારી છું. મને ટેકો આપવા માટે એકનાથ શિંદે અને અજિત પવારનો આભાર.
રાજ્ય સરકારે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રણ પત્ર જારી કર્યું છે. આ આમંત્રણ પત્રમાં દેવેન્દ્ર ફડણવીસનું નામ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે લખવામાં આવ્યું છે.
ત્રણેય મળીને સરકાર ચલાવીશુંઃ ફડણવીસ
સરકાર રચવાનો દાવો કર્યા બાદ ફડણવીસ, શિંદે અને અજિત પવારે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે સીએમ પદ ટેકનિકલ છે, પરંતુ તે ત્રણેય (ફડણવીસ, શિંદે અને અજીત) સાથે મળીને નિર્ણય લેશે. પીસીમાં ફડણવીસે કહ્યું, એકનાથ શિંદે અને અજિત પવારે સીએમ પદ માટે મારું નામ આગળ કર્યું. મેં શિંદેને સરકારનો હિસ્સો રહેવા વિનંતી કરી છે. અમે તેમની પાસેથી સકારાત્મક પ્રતિસાદની અપેક્ષા રાખીએ છીએ. અમે સાથે મળીને સરકાર ચલાવીશું. જનતાને આપેલા વચનો પૂરા કરવામાં આવશે.
શપથગ્રહણ સમારોહમાં પીએમ મોદી હાજરી આપશે
ફડણવીસે વધુમાં જણાવ્યું હતું કે આવતીકાલે ગુરુવારે પીએમ મોદી શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. આ સાથે મહાયુતિ ગઠબંધનના ત્રણેય પક્ષો (ભાજપ, શિવસેના, એનસીપી)ના નેતાઓ ત્યાં હાજર રહેશે. ફડણવીસે કહ્યું કે શપથ ગ્રહણ સમારોહ આવતીકાલે સાંજે 5.30 કલાકે યોજાશે.