વડોદરા: સરકારી વીજ કંપનીઓ એમજીવીસીએલ અને જેટકો દ્વારા ઉદ્યોગોની રજૂઆતો સાંભળવા માટે વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ખાતે ઓપન હાઉસનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં હાજર રહેલા માંજલપુર વિસ્તારના ધારાસભ્યે વીજ કંપનીઓના અધિકારીઓને ટકોર કરી હતી કે, વીજળીના ભાવમાં સતત વધારો કરવામાં આવે છે તો વીજ કંપનીઓના અધિકારીઓએ આ રીતે ભેગા મળીને ભાવ ઘટી કેવી રીતે શકે તે વિચારવુ જોઈએ.તો તેનાથી ઉદ્યોગોને અને લોકોને પણ રાહત મળશે.
ઉદ્યોગોનો ઉત્પાદનખર્ચ ઓછો આવશે તો તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સ્પર્ધા કરી શકશે. માંજલપુરના ધારાસભ્યે વધુમાં કહ્યુ હતુ કે, આગામી દિવસોમાં ગણેશોત્સવ અને નવરાત્રીના તહેવારો આવી રહ્યા છે.વીજ કંપની દ્વારા આયોજકો પાસે વીજ કનેક્શન માટે કમરતોડ ડિપોઝિટ લેવામાં આવતી હોય છે.એક નાનકડો ગણેશ પંડાલ સ્થાપનારા મંડળ પાસે પણ એક લાખ રુપિયા સુધી ડિપોઝિટ મુકાવવામાં આવે છે.વીજ કંપની અત્યારથી જ ડિપોઝિટ ઘટાડવાનુ નક્કી કરે.માંજલપુર વિસ્તારમાં ખુલ્લા વાયરિંગની જગ્યાએ અન્ડર ગ્રાઉન્ડ કેબલો નાંખે તેમજ વીજ કંપનીઓના થાંભલાઓ પરથી જાહેરાતના બોર્ડ હટાવવામાં આવે.
ઉદ્યોગોને સતત અને ગુણવત્તા યુક્ત વીજ પુરવઠાની જરુર છે
પહેલી વખત એવુ બન્યુ હતુ કે, વીસીસીઆઈમાં મધ્ય ગુજરાતની તમામ જીઆઈડીસીઓના હોદ્દેદારો સાથે એમજીવીસીએલ તેમજ જેટકોના એમડીએ તેમના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી.મોટાભાગના ઉદ્યોગકારોનુ કહેવુ હતુ કે, ઉદ્યોગોને સતત અને ગુણવત્તાયુક્ત વીજળીની જરુર છે.થોડા સમય માટે પણ વીજ પુરવઠો ખોરવાય તો ઉદ્યોગોને નુકસાન જતુ હોય છે.ઉપરાંત વીજ ફોલ્ટ સર્જાય તો સમારકામ કરવામાં સમય લાગતો હોય છે.અમે પૂછપરછ કરીએ છે તો જવાબ મળે છે કે, ટેકનિકલ કર્મચારીઓની અછત છે.જેના જવાબમાં એમજીવીસીએલના એમડીએ ખાતરી આપી હતી કે, તમને બે મહિનામાં સુધારો જોવા મળતો થઈ જશે.