સુરત મહાનગર પાલિકાના વહીવટીતંત્ર અને સત્તાવાળાઓ શાસકોના ઈશારે છાસવારે લાખ્ખો ને કરોડો રૂપિયાના ખર્ચાઓ કરી શહેરને બિનજરૂરિયાતના રંગરોગાનો અને બ્યુટિફિકેશનના નામની લોલીપોપ આપી- નાગરિકોએ મહામહેનતે ભરેલા વેરાબીલોના રૂપિયાના બંડલોને મનફાવે એ દિશામાં અને મળતિયા કોન્ટ્રાક્ટરો સાથે મળીને તદ્દન બિનજરૂરિયાતના નાણાં ખરચતા અટકતા જ નથી. એ કેટલુ વ્યાજબી? અધિકારીઓને ખર્ચાઓના આંધણ કરીને અપાવેલી હતી એ કર્મઠ તાલીમ નામે કર્મયોગી તાલીમને અનુરૂપ એવા સરળ અને સફાઈદાર વ્યક્તિ, પ્રમાણિક કર્મચારીઓ- જેઓ પોતાના ફરજરત સ્વભાવને ક્યારે શણગારશો? શું આ બધા જ નોકરિયાતો એમના અંગત જીવનમાં સાદગી અને કરકસરના પાઠ નહીં ભણ્યા હોય? સરકારી તિજોરીને બાપીકી માલિકીની સમજીને એમાં જમા થતી મસમોટી રકમને ફાવે એમ ખર્ચી નાંખવી! શાસકો અને વિરોધપક્ષ વચ્ચેની કડીરૂપ સાક્ષર અને નિરક્ષર મતદાતા હવે પોતાના એક મતની કેટલી મોટી કિંમત થાય છે એ વાત સમજતો થઈ ગયો છે.
સોની ફળિયા, સુરત- પંકજ મહેતા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
પરંપરા કેવી રીતે જળવાય?
સુરતમાં અસલ સુરતીઓ એટલે મોઢ વણિક (ઘાંચી), ક્ષત્રિય (ખત્રી), રાણા (ગોલા) અને ભંડારી સમાજના લોકોની ગણના થાય. ત્યારબાદ અન્ય જાતિના લોકો સુરતીઓમાં આવે. અસલ સુરતીઓ એટલે મન મોજીલા, સરળ, સહુને પ્રેમથી આવકારવાળા, સ્વાદિષ્ટ જમણના અને ફરસાણના શોખિન. દરેક જાતિના લોકોની પોતાની આગવી ઓળખ છે પણ ભંડારી સમાજમાં ઊડીને આંખે વળગે એવી સામાજિક પ્રણાલિકા બે ત્રણ દુ:ખદ પ્રસંગમાં જોવામાં આવી.
તેમના સમાજમાં કોઇપણ વ્યક્તિનું અવસાન થયું હોય તો સમાજના સ્ત્રી-પુરુષો સ્વર્ગવાસી વ્યક્તિને મરણોત્તર શ્રદ્ધાંજલિ આપવા માટેના જેટલા પ્રસંગો હોય અને તેમાં પણ ખાસ કરીને બેસણાની વિધિ રાખવામાં આવે તેમાં સમાજના સ્ત્રી-પુરુષ અચૂક હાજરી આપવા જાય. આ પ્રણાલિકાની વિશેષ નોંધ એટલા માટે લેવી જોઈએ કે કુટુંબીજનો પર આવી પડેલ દુઃખદ પળો મોટી સંખ્યામાં આવેલાની હાજરીથી હળવો બની જાય છે. તમામ સ્ત્રીઓએ સાદી સાડી જ પહેરી હોય અને તે પણ ગુજરાતી ઢબે પાલવ ઓઢીને જાય એટલું જ નહીં, દરેક ઉંમરની સ્ત્રીઓ આ જ પહેરવેશમાં જોવા મળે. સરાહનીય બાબત એ છે કે દુઃખના સમયે અચૂક હાજરી આપવી એવી સમજણ દરેક વ્યક્તિમાં કેળવાય છે અને આ પરંપરા પેઢી દર પેઢી ચાલુ પણ રહે છે.
સુરત – સીમા પરીખ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.