વિકાસલક્ષી અનેકવિધ સમાચાર જોતાં એમ લાગ્યા વિના રહે નહીં કે સહુ કોઈ જાણે કે આયોજનાબદ્ધ રીતે કુદરતનું, કુદરતી સંસાધનોનું નિકંદન કાઢવા બેઠા છે. માનવસંસ્કૃતિનો આટલો બધો વિકાસ કદાચ થઈ પણ જાય તો સવાલ એ રહે છે કે એનાં ફળ ભોગવવા માટે કોઈ રહેશે ખરું? પોતાની આસપાસની સૃષ્ટિ-ચાહે એ પ્રાણી સૃષ્ટિ હોય કે વનસ્પતિ સૃષ્ટિ-નિકંદન કાઢવામાં માનવે પાછું વાળીને જોયું નથી અને હજી આ દોટ ચાલુ છે. એક સમાચાર અનુસાર, જાન્યુઆરી, 2025માં ‘રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડ’દ્વારા આસામના હોલોંગાપાર ગિબ્બન અભયારણ્યમાં તેલ અને વાયુની શોધ માટે ડ્રીલીંગની મંજૂરી આપવામાં આવી છે. આ સમગ્ર વિસ્તાર પર્યાવરણની દૃષ્ટિએ અતિશય સંવેદનશીલ છે. સૂચિત પ્રકલ્પ 44,998 હેક્ટરમાં પ્રસરેલો હશે.
સૌ પ્રથમ આ સ્થળનું મહત્ત્વ સમજવા જેવું છે. આપણા દેશની એક માત્ર વાનર પ્રજાતિ હૂલૉક ગિબ્બન આ અભયારણ્યમાં જોવા મળે છે અને તેના નામ પરથી જ તેનું નામ રાખવામાં આવ્યું છે. પશ્ચિમમાં જોવા મળતા હૂલૉક ગિબ્બન પ્રજાતિના વાનરો આસામમાં બ્રહ્મપુત્ર અને અરુણાચલ પ્રદેશમાં દિબાંગ નદીની પ્રણાલીમાં દક્ષિણ તટે ઊંચાં વૃક્ષવાળાં જંગલોમાં વસે છે. વિશ્વભરમાં વસતી અન્ય 19 પ્રજાતિના ગિબ્બનની જેમ અહીંના ગિબ્બન પણ તેમના આવાસ પર તોળાતા ખતરાને કારણે જોખમગ્રસ્ત પ્રજાતિમાં ગણાય છે. આ અભયારણ્ય એક પ્રકારે ‘વનદ્વીપ’બની ગયો છે, એટલે કે તેણે આસપાસનાં વનક્ષેત્રો સાથેનો સંપર્ક ગુમાવી દીધો છે. ગિબ્બનનો નિવાસ વૃક્ષની ઘટામાં હોય છે. આથી વૃક્ષોની ઘટા બાબતે તેઓ વધુ સંવેદનશીલ હોય છે.
પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય તેમજ ભારતીય વન્યજીવ સંસ્થાન અને આસામના વનવિભાગના પ્રતિનિધિઓ દ્વારા કરાયેલા સ્થળ નિરીક્ષણમાં એવો નિષ્કર્ષ કાઢવામાં આવ્યો છે કે ડ્રીલીંગની પર્યાવરણ પર થનારી તાત્કાલિક અસર મર્યાદિત હશે. અલબત્ત, પર્યાવરણની રીતે સંવેદનશીલ વિસ્તારમાં ડ્રીલીંગ કરવાનો તેમણે પ્રબળ વિરોધ કર્યો. સ્થળ નિરીક્ષણ અહેવાલમાં જણાવાયું છે કે, ‘આ અભયારણ્ય હૂલૉક ગિબ્બનનો મહત્ત્વપૂર્ણ આવાસ છે. સમિતિને જણાયું છે કે સંશોધનાત્મક ડ્રીલીંગથી આ વિસ્તારને ખાસ નુકસાન નહીં થઈ શકે.
પણ વ્યાપારી ડ્રીલીંગની અનુમતિ અહીં આપી શકાય એમ નથી. આ કામ કરનારી એજન્સીએ વચન આપ્યું છે કે તેઓ આ ક્ષેત્રમાં વ્યાપારી ડ્રીલીંગ નહીં કરે.’એજન્સીએ આશ્વાસન આપતાં જણાવ્યું છે કે આ ગતિવિધિ આ વિસ્તારમાં હાઈડ્રોકાર્બન ભંડારની જાણકારી પ્રાપ્ત કરવા પૂરતી જ છે. અહીંથી હાઈડ્રોકાર્બન મળી આવે તો પણ તેના ડ્રીલીંગનું કામ સંવેદનશીલ વિસ્તારની બહાર જ કરવામાં આવશે અને સમગ્ર કાર્ય દરમિયાન કોઈ પણ ખતરનાક પદાર્થનો ઉપયોગ કરવામાં નહીં આવે. ભારતીય વન્યજીવ સંસ્થાન દ્વારા પણ પર્યાવરણની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે અનેક આકરી શરતો મૂકી છે.
ડ્રીલીંગના પ્રકલ્પની વાત થાય ત્યારે અહીંથી પસાર થતી એક રેલ્વેલાઈન વિશે પણ વાત કરવી જરૂરી બની રહે છે. ગૌહાટીના પશુવિદોએ 1.65 કિ.મી. લાંબા આ રેલવે માર્ગનો રુટ બદલવાનો પ્રસ્તાવ અગાઉ કરેલો, કેમ કે, આ રેલવે માર્ગને કારણે પૂર્વ આસામનું આ અભયારણ્ય બે અસમાન વિભાગમાં વહેંચાઈ ગયું છે. પશુવિદોના અહેવાલ અનુસાર આ અભયારણ્યમાં બ્રોડગેજ લાઈનની પાર ગિબ્બનની આવનજાવનને સુવિધાજનક બનાવવા માટે એક કૃત્રિમ છત્રનો પુલ બનાવવો જરૂરી છે.
આ ટ્રેકનું વીજકરણ હજી બાકી છે. અગાઉ 2015માં પૂર્વોત્તર સીમાંત રેલવે દ્વારા લોખંડનો એક પુલ બનાવાયો હતો, પણ ગિબ્બન માટે તે ઉપયોગી નીવડી શક્યો નહીં. એનાં ચાર વર્ષ પછી વન વિભાગ અને આરણ્યક દ્વારા એક પ્રાકૃત્રિક છત્રવાળો પુલ બનાવવાની કામગીરી હાથ ધરાઈ, પણ રેલવે માર્ગની જાળવણી માટે રેલવે વિભાગ દ્વારા નિયમિત રીતે કરાતી વૃક્ષોની કાપકૂપને કારણે વાનરોની અવરજવર અસરગ્રસ્ત થઈ તે થઈ. એ યથાવત્ બની શકી નહીં.
આખી વાતનો સાર એટલો કે વન્ય સૃષ્ટિ એક વાર અસરગ્રસ્ત થાય એ પછી તેની અસર દૂરગામી હોય છે. તે આપણી મરજી મુજબ વિકસતી નથી. વિકાસની માનવજાતની તરાહ એવી રહી છે કે વિકાસયોજના અગાઉ તે પર્યાવરણ પર પડતી તેની અસરો વિશે કાગળિયાં ભરી ભરીને અભ્યાસ કરશે, પણ છેવટે તે એ જ કરશે જે તેણે કરવા ધાર્યું છે. અસરગ્રસ્ત પ્રજાતિ કંઈ આવા અહેવાલોની શરમ ભરતી નથી કે નથી એ મુજબ અનુસરતી. એ પુરવાર થયેલી હકીકત છે કે વિકાસયોજનાઓ આરંભે મર્યાદિત પ્રમાણમાં જ હોય છે, પણ ધીમે ધીમે તેનો વ્યાપ એટલો વિસ્તરતો જાય છે કે તેમાં વિકાસ કેન્દ્રસ્થાને આવી જાય છે અને આસપાસની જીવસૃષ્ટિની જાળવણી હાંસિયામાં ધકેલાઈ જાય છે. આજે સંશોધનાત્મક ડ્રીલીંગથી શારકામનો આરંભ થશે અને ક્યારે તેનો હેતુ વ્યાપારી બની જશે એની ખબર પણ નહીં પડે, કેમ કે, એ પછી આંકડાની કલાબાજીઓ અને અર્થતંત્રનાં આંબાઆંબલીઓ ભૂલાવી દેશે કે અહીં ગિબ્બન પ્રજાતિના દુર્લભ વાનરોનો વસવાટ હતો. પશુવિદો, પર્યાવરણવિદો કે એ પ્રજાતિનાં અન્ય લોકો ગમે એ ચેતવણી આપે, વિકાસના આંકડા સર્વોપરી છે અને તેની આગળ બધા અહેવાલો કે અભ્યાસ પાણી ભરે છે.
આસામનું આ અભયારણ્ય હોય કે બીજા કોઈ રાજ્યનું અન્ય અભયારણ્ય હોય, એકેમાં વિકાસયોજનાઓ શરૂ થયા પછી સતત આગળ ને આગળ જ વધતી રહી છે અને સરવાળે પર્યાવરણનો ભોગ તેણે લીધેલો છે. આનાં પરિણામોની વિપરીતતાની કલ્પના કરવાની પણ જરૂર નથી, કેમ કે, એ પણ શરૂ થઈ જ ગયાં છે. હવે તો એમ જ ઈચ્છવાનું મન થાય છે કે હોલોંગાપારમાં શારકામ દરમિયાન હાઈડ્રોકાર્બનનો ભંડાર ન મળે તો સારું! એ વિસ્તાર તો સચવાશે!
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.