કહેવાય છે કે લક્ષ્મી કમાવી મુશ્કેલ છે.પરંતુ,કમાઈ લીધા પછી તેને સાચવવી વધારે મુશ્કેલ છે.આપણા સભ્ય,સમૃદ્ધ ગુજરાતને વિકાસની સાથે સાથે કેટલીક બદીઓ પણ મળી છે.જેને સાચે જ નકારી કે નજરઅંદાજ કરી શકાય તેમ નથી.ગુજરાતનાં મહાનગરોમાં જેમ જેમ સમૃદ્ધિ વધી રહી છે,તેની સાથે-સાથે ભ્રષ્ટાચાર,બળાત્કાર, હત્યા,ચોરી,લૂંટ-ફાટ કે પછી યુવાધનનું ડ્રગ્સના રવાડે ચડવું હોય.આવા તમામ ગુનાઓમાં પણ ગુજરાત ઝડપથી વિકાસ કરી રહ્યું છે.બીજાં રાજયોમાં શું છે કે પાછલી સરકારોમાં શું હતું તેવી વાતો અને આંકડાઓની માયાજાળમાં હવે પ્રજા ફસાવાની નથી.છેલ્લા અઢી દાયકાથી ગુજરાતમાં એક જ પક્ષની સરકાર છે.
સરકારની સારી વાતો અને વિકાસની વાતો કરવામાં અને જાહેરાતો કરવામાં તમામ સરકારી મશીનરી કામે લાગી જાય છે.પરંતુ જેવી જનતાની સમસ્યાઓની વાત આવે તો બધા જ મૂંગા બની જાય છે.આજે આખા ગુજરાતમાં છે એક પણ નેતા જે પ્રજાના પ્રશ્નો માટે અવાજ ઉઠાવે? દારૂબંધી તો નામની જ રહી છે.હવે તો ગાંધીના ગુજરાતમાં ગોડસેની વાહવાહી થવા લાગી. કયાં છે બધા ગાંધીવાદી? શું આપણે આટલા નપાણિયા થઈ ગયા છીએ કે કંઈ જ ખોટું કે ખરાબ આપણને દેખાતું જ નથી?
સૂરત – કિશોર પટેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.