Charchapatra

સૌના સાથ, સહકાર વિના વિકાસ શક્ય નથી

થોડા દિવસો પર મહારાષ્ટ્રમાં ઔરંગઝેબની કબર બાબતે વિવાદ થયેલ જે હિંસા ભડકાવવામાં નિમિત્ત બન્યો. આ સિવાય હિન્દુ–મુસ્લિમો અંગે વિવાદાસ્પદ બયાનો તેમજ કહેવાતી પછાત જાતિઓની સતામણીના બનાવો પણ બનતા રહે છે. જેને ઘણી વખત સરકારનુ પીઠબળ પણ મળી રહેતુ હોય એવુ બની શકે. આજે ઘણાં નાના દેશો જે આપણા કરતા અનેક રીતે પાછળ હતા એ દેશો આજે આપણા કરતા આર્થિક રીતે ઘણાં આગળ નીકળી ગયા છે એ બાબત દર્શાવે છે કે વિકાસની વાતો કરતા આપણા શાસનકર્તાઓ માટે દેશના આર્થિક વિકાસ કરતા પણ વઘુ મંદિરોની સ્થાપના, મહાકુંભની વાતો મહત્વની હોય એવું લાગે છે.

ગ્રામ્ય વિસ્તારમાં ઘણાં લોકો અન્ય ક્ષેત્રોમાં રોજગારીના અભાવે ખેતમજુરી તરફ વળી રહ્યા છે જેમાં પણ આખુ વર્ષ એમને કામ ન મળવાને કારણે એમને સરકારી મદદ પર જ આધાર રાખવો પડે છે. આજે ચીન કાર્બન બેઝ્ડ માઇક્રો ચીપ્સ બનાવી રહ્યાના સમાચાર છે જે આર્ટીફીશ્યલ ઇન્ટેલીજન્સના વિવિઘ ક્ષેત્રે ક્રાંતિ સર્જી છે શકે છે. એવા સમયે આપણે મંદિર–મસ્જીદનાં ઝઘડામાં જ રહીશું તો શક્ય છે કે ચીન જેવા કે અન્ય દેશો આપણાથી ઘણાં આગળ નીકળી ગયા હોય. દેશને તાતી જરૂર છે રોજગારીના સર્જનની, મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે નવા આવિષ્કારની અને સર્વધર્મ સમભાવની જેમાં બધા જ દેશનાં વિકાસમાં એમનુ યોગદાન આપી શકે.
સુરત     – હિતેન્દ્ર ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

હમારા બજાજ
યે ઝમીં યે આસમા…હમારા કલ હમારા આજ…બુલંદ ભારત કી, બુલંદ તસવીર, હમારા બજાજ… હમારા બજાજ. ૮૦/૯૦ના દાયકામાં દુરદર્શન ટીવી પર આ એડ. જોવામાં આવતી. તે સમયે બજાજ સ્કૂટરનો સુવર્ણ કાળ હતો. તે સમયમાં સ્કૂટરમાં બજાજનો ઇજારો હતો. બજાજ સ્કૂટર ખરીદીમાં દસથી બાર વરસનું વેઇટિંગ ચાલતું હતું. દસ-બાર વર્ષે ઘરમાં સ્કૂટર આવવાથી ઘરમાં દિવાળી જેવી ઉજવણી થતી. સ્કૂટરનું પૂજન કરવામાં આવતું. સુરતની શેરીમાં કોઈકના ઘરે નવું બજાજ સ્કૂટર આવે ત્યાંરે શેરીમાં ચર્ચાનો વિષય બનતો.

બજાજ સ્કૂટરમાં ટુ–સ્ટ્રોક એન્જીન હતું. સ્કૂટરમાં પેટ્રોલ સાથે ઓઇલ પણ નંખાવવામાં આવતું. સ્કૂટરની સ્પ્રિંગ વાળી સીટ હતી. જે કમર માંટે અનુકૂળ સીટ કહેવાતી. સ્કુટરમાં બે ડીકી હતી એક આગળના ભાગમાં અને બીજી સાઈડ પર હતી જેમાં દુનિયા ભરનો સામાન આવી જતો. સ્કૂટર પર ફેમિલી સાથે ફરવાની મજા કઈ અલગ હતી. નાના બાળક માટે આગળ નાની સીટ મુકાવવામાં આવતી હતી, એ સીટ પર બાળક આરામથી બેસી શકે. સ્કુટરમાં પંચર પડે તો પાછળ સ્પેરવ્હીલ હોવાથી સરળતાથી વ્હીલ બદલી શકાતું. સ્કુટરનું સામાન્ય રીપેરીંગ જાતે કરી શકાતું. બજાજ સ્કૂટરની મોટામાં મોટી તકલીફ એક જ હતી જ્યારે સ્કૂટર ચાલુ નહિ થાય ત્યારે એને એક તરફ વાંકુ વાળવું પડતું હતું!
સુરત     – કિરીટ મેઘાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top