આણંદ : ચરોતરમાં કેટલાક વેપારીઓ સરકારી વેરો પુરેપુરો ન ભરવાના હેતુથી ક્રેડિટ કરતા વધુ ક્લેઇન કરી ટેક્સ ચોરી કરી રહ્યાં છે. આવા વેપારીઓને પકડી પાડવા માટે જીએસટી દ્વારા ખાસ સોફ્ટવેર વસાવવામાં આવ્યો છે. આ સોફ્ટવેરમાં એન્ટ્રી નાંખવાની કામગીરી ચાલી રહી છે. પ્રાથમિક એન્ટ્રીમાં જ 99 જેટલા વેપારીઓ પકડાયાં છે. જેમાં 78 તો ભૂતિયા વેપારીઓ છે. આ તમામની શોધખોળ કરી તેમની સામે કાર્યવાહી કરવા ચક્રોગતિમાન કર્યાં છે.
જીએસટી કાયદાની જોગવાઇ મુજબ વેપારી દ્વારા કરવામાં આવતા વેચાણો ઉપર આપવાના થતાં વેરામાંથી ખરીદી ઉપર ભરેલા વેરાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળવાપાત્ર થાય છે. આમ, વેપારીએ તેની ખરીદી ઉપર કરેલા મૂલ્યવર્ધન ઉપર જ નેટ વેરો ભરવાનો થાય છે. કાયદાની આ વિશિષ્ઠતાનો લાભ વેપારીઓને મળી રહે તે માટે તેઓએ રાજ્યમાં તેમજ રાજ્ય બહાર કરેલી ખરીદી પર ભરેલા વેરાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ આપવાની જોગવાઇ કરવામાં આવી છે.
વધુમાં તેઓ જ્યારે વસ્તુઓની આયાત કરે છે ત્યારે આયાત સમયે ભરેલા આઈજીએસટીની ઇનપુટ ટેક્સ ક્રેડિટ પણ આવી વસ્તુઓના વેચાણ વખતે મજરે મળવાપાત્ર છે. જીએસટી કાયદાની જોગવાઇ મુજબ વેપારીએ દર મહિને પોતાને ભરવાપાત્ર થતો વેરો પત્રક જીએસટીઆર-3બી મારફત ભરવાનો થાય છે. આ પત્રક મુજબ વેપારીએ પોતાના આઉટવર્ડ સપ્લાય પર ભરવાના થતા વેરામાંથી ઇન્વર્ડ સપ્લાય વખતે ભરેલો વેરો બાદ કરી નેટ વેરાની ગણતરી કરી તે મુજબ વેરો ભરવાનો રહે છે. હાલમાં જીએસટીએન સીસ્ટમ દ્વારા વેપારીએ કરેલી ખરીદી ઉપર મળવાપાત્ર ઇનપુટ ટેક્સ ક્રેડિટની ગણતરી ફોર્મ જીએસટીઆર-2બીમાં ઉપલબ્ધ કરવામાં આવી છે.
એટલે કે વેપારીઓ જ્યારે કોઇ પણ બીજા વેપારી પાસેથી માલ સામાનની ખરીદી કરે અને આવો સપ્લાય કરનારા વેપારી તેમના દ્વારા ભરવામાં આવતા પત્રક જીએસટીઆર-1માં આવી વિગત દર્શાવે ત્યારે ખરીદનારને તે બાબતની વિગત પોતાના ફોર્મ જીએસટીઆર-2એમાં ઉપલબ્ધ થાય છે. હાલમાં કાયદાની જોગવાઇ મુજબ ફોર્મ જીએસટીઆર-2એમાં ઉપલબ્ધ ઇનપુટ ટેક્સ ક્રેડિટના 105 ટકા પ્રમાણે વેપારી ઇનપુટ ટેક્સ ક્રેડિટ ક્રેઇમ કરી શકે છે.
ઇનપુટ ટેક્સ ક્રેડિટ અંગેની સ્પષ્ટ જોગવાઇઓ હોવા છતાં અમુક વેપારીઓ સરકારી વેરો પુરેપુરો ન ભરવાના હેતુથી ઇનપુટ ટેક્સ ક્રેડિટ કરતા જીએસટીઆર-3બીમાં વધારે ઇનપુટ ટેક્સ ક્રેડિટ ક્લેઇમ કરે છે. આવું કરીને તેમના દ્વારા ભરવાપાત્ર વેરા કરતાં ઓછી રકમનો વેરો ભરવામાં આવે છે અને તેના કારણે સરકારી આવકને નુકશાન થાય છે. વેપારીઓ દ્વારા આવી રીતે ઓછો વેરો ભરી સરકારી તિજોરીને થતાં નુકશાન અંગે ખાતા દ્વારા ખાસ સોફ્ટવેર વિકસાવવામાં આવ્યો છે. આ સોફ્ટવેરની મદદથી વર્ષ 2021-22ના પ્રથમ ક્વાર્ટરના આંકડાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
આ વિશ્લેષણમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટનો કોટો ક્લેઇમ કરનારા 99 મોટા વેપારીઓ સામે તપાસ હાથ ધરવામાં આવી છે. આ તપાસ દરમિયાન 99 પૈકી 78 વેપારીઓ મળી આવ્યાં નથી. જેથી તેમના વ્યવહારો શંકાસ્પદ જણાય છે અને તેઓ બિલીંગ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોઇ તેમના અગાઉના વ્યવહારોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જે વેપારીઓ દ્વારા આવી ખોટી રીતે ક્રેડિટ લેવામાં આવી છે, તેવા વેપારીઓ સામે વેરાની વસુલાતની કાર્યવાહી હાથ ધરવા માટે એકાઉન્ટસીઝ કરવાથી માંડી બીજા કાયદાકીય પગલાંઓ લેવામાં આવી રહ્યાં છે.
આમ, ક્વાર્ટર દરમિયાન રૂ.171 કરોડ જેટલી મોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટની રકમ કોટી રીતે ભોગવેલા હોવાથી આવા વેપારીઓ સામે વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જીએસટીએન સીસ્ટમ દ્વારા હવે પછી વેપારીઓ આવી રીતે ફોર્મ જીએસટીઆર-2એ માં ઉપલબ્ધ ઇનપુટ ટેક્સ ક્રેડિટ કરતાં વધારે ટેક્ષ ક્રેડિટ ન મેળવી શકે તેવી જોગવાઇ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ આ જોગવાઇનો અમલ કરવામાં આવશે.