આણંદ : કેસર કેરીની વાત આવે એટલે ગીર, તળાળાનો અવશ્ય ઉલ્લેખ થાય છે. પરંતુ હવે કેસર કેરી ખાતા ખાતા આણંદને પણ યાદ કરવું પડશે. કારણ કે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા કેસર કેરી કરતાં પણ વધુ મીઠી આણંદ રસરાજની નવી જાત વિકસાવવામાં આવી છે. કેસરને ટક્કર મારે તેવી કેરીની નવી પ્રજાતી આંબાની જાત ‘આણંદ રસરાજ’ અંગે વિભાગીય સંશોધન વ વિસ્તરણ સલાહકાર સમિતિ (ઝર્ક)ની ખરીફ ઋતુપૂર્વની બેઠકમાં જણાવવામાં આવ્યું હતું. જેમાં આણંદ રસરાજ ફક્ત દેખાવે નહીં પણ સ્વાદમાં પણ કેસર જેવી લાગશે.
આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા ચરોતરની પોતીકી કેસર કેરીની જાત વિકસીત કરવામાં આવી છે. આ અંગે યુનિવર્સીટીના ડીઈઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં મળતી કેસરના છોડ ચરોતરમાં લગાવવાથી કેસર કેરી ઉગે છે. પરંતુ તેનો સ્વાદ અલગ પડી જાય છે. જ્યારે યુનિવર્સીટી દ્વારા શોધાયેલા આંબાની જાત ‘આણંદ રસરાજ’ ફક્ત દેખાવે નહીં પણ સ્વાદમાં પણ કેસર જેવી લાગશે. આ કેરીમાં કેસર કેરીના દરેક ગુણધર્મ આવેલા છે. આ કેરી ચરોતરની પોતાની ઉપજ છે, તેમ સંશોધન વ વિસ્તરણ સલાહકાર સમિતિ (ઝર્ક)ની ખરીફ ઋતુપૂર્વની બેઠકમાં જણાવવામાં આવ્યું હતું.
આ બેઠકમાં ડો. કે. બી. કથીરીયાએ ઉપસ્થિત સર્વેને વિભાગીય સંશોધન વ વિસ્તરણ સલાહકાર સમિતીની બેઠક કેમ ખૂબ જ મહત્વની છે તે સમજાવતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના વિવિધ વિભાગો તરફથી ખેડૂતોના ફીડબેક ઝર્કની આ બેઠકમાં રજૂ કરવામાં આવે છે. આ ફીડબેક તમામ કૃષિ યુનિવર્સિટીઓ માટે સંશોધન કરવા માટે ખૂબ જ અગત્યની બાબત છે. જેના આધારે ખરેખર ખેડૂતના ખેતરના પ્રશ્નોના આધારે ખેડૂતોની જરૂરીયાત મુજબના સંશોધનો યુનિવર્સિટીઓ કરી શકે અને ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ આવી શકે. આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવતી વિસ્તરણ પ્રવૃત્તિઓ અંગે પણ સર્વેને માહિતગાર કરવામાં આવ્યાં હતાં. તેઓએ જણાવ્યું હતું કે, આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવતા અલગ અલગ પાકોના બ્રીડર સીડની દેશના વિવિધ રાજ્યોમાં કેટલી માંગ છે.
આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેડૂતોના વિકાસ માટે નિરંતર અને ખંતપૂર્વક નવીનતમ સંશોધનો કરવામાં આવે છે. તેમાં ખાસ કરીને સુશોભન માટેના ભીંડા, રાયડાની જાત આણંદ હેમા, રીંગણની જાત આણંદ હરિત, આંબાની જાત આણંદ રસરાજ વગેરે અંગે સર્વેને વિગતવાર માહિતી આપી હતી. આ ઉપરાંત કોઈપણ નવીનતમ જાત વિકસીત કરવામાં ઝર્મપ્લાઝમ કેટલો અગત્યનો ભાગ ભજવે છે એ સૌને સમજાવી આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે વિવિધ પાકોના કેટલા ઝર્મપ્લાઝમની જાળવણી કરવામાં આવે છે, તેની પણ વિગતવાર માહિતી આપી હતી.
અંતમાં તેઓએ સરકારના નવીનતમ અભિગમો જેવા કે પ્રાકૃતિક કૃષિ, નેનો ફર્ટીલાઈઝર તેમજ અન્ય બાબતો વિષે માહિતી આપી રાજ્યસરકારના વિવિધ વિભાગોમાંથી ઉપસ્થિત અધિકારીઓને ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે આણંદ કૃષિ યુનિવર્સિટી સદૈવ તેમની સાથે ખભેથી ખભો મિલાવી કામ કરવા તૈયાર છે, તેની ખાતરી આપી હતી. આ બેઠકમાં કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક, ડો. એચ. બી. પટેલ, સંશોધન નિયામક, ડો. એમ. કે. ઝાલા, મધ્ય ગુજરાતના 9 જિલ્લાઓના ખેતીવાડી ખાતા, પશુપાલન ખાતા, બાગાયત ખાતાના વિવિધ અધિકારીઓ,આણંદ કૃષિ યુનિવર્સિટીના અલગ અલગ કોલેજોના આચાર્યઓ, વિવિધ વિભાગોના વિભાગીય વડાઓ, સંશોધન વૈજ્ઞાનિકો, કેવીકેના વડાઓ એમ કુલ 100 જેટલા વ્યક્તિઓએ ભાગ લીધો હતો.
ઝર્મ પ્લાઝમ એટલે શું ?
ઝર્મ પ્લાઝમ થકી જુની જાતને પ્રયોગ કરી કોઈપણ નવીનતમ જાત વિકસીત કરી શકાય છે, વર્ષો સુધી વિવિધ જાતને સાચવીને રાખવામાં આવે છે. દરેક વર્ષે વિવિધ જાતના પાકની નવી વેરાયટીને ભવિષ્યમાં કામ લાગે તે હેતુથી ભેગી કરી તેની જાણવણી કરવામાં આવે છે. તેના માટે દર વર્ષે જે તે પાકના બીજની ખેતરમાં એક બે લાઈનમાં વાવેતર કરી નવા બીજનો સંગ્રહ કરવામાં આવે છે. આ બીજ ભવિષ્યમાં જેનેટીકલ હાઈબ્રીડ બીજ બનાવવમાં ઉપયોગી થઈ શકે છે.
રાયડા અને રીંગણની વધુ ગુણવતા વાળી જાત શોધાઇ
આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનીક દ્વારા રાયડા અને રીંગણની વધુ ગુણવતા વાળી જાત શોધાય હતી.આ અંગે ડીઈઈ દ્વારા જણાવ્યું હતું કે, ચરોતરમાં રાયડાની ચારથી પાંચ જાત ઉગાડવામાં આવે છે. ઉનાળા દરમિયાન થતી મોલોમસી નામની જીવાતના કારણે રાયડાના પાકને નુકશાન થયું હોય છે. જ્યારે નવી શોધાયેલી રાયડાની જાત ‘આણંદ હેમા’ ઉપર આ જીવાતની ઓછી અસર જોવા મળે છે. સાથે સાથે આ જાતમાં ઉત્પાદન પણ વધુ મળે છે. આ ઉપરાંત રીંગણની જાત ‘આણંદ હરિત’ નામની વધુ ગુણવત્તા વાળી રીંગણની જાત પણ વિકસીત કરવામાં આવી છે.
ફક્ત ફુલ આપતા સુશોભન માટેના ભીંડાની જાત વિકસાવી
આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનીક દ્વારા ભીંડાની જાતની ક્રોસ બ્રિડીંગ સમયે અયાનશે સુશોભન માટેના ભીંડાની જાત શોધાઇ હતી. ક્રોસ બ્રિડીંગમાં મળેલા ફક્ત ત્રણ બીજમાંથી એકમાંથી છોડ ઉગ્યો હતો. આ અંગે યુનિવર્સિટીના ડીઈઈ દ્વારા જણાવ્યું હતું કે, વૈજ્ઞાનીકો દ્વારા ભીંડાના વિવિધ જાત માટે કરવામાં આવતા ક્રોસ બ્રિડીંગ સમયે અનાયાસે. આ જાત મળી આવી હતી. જેમાં ફક્ત ત્રણ બીજ મળ્યા હતા. જેમાંથી એક બીજનો છોડ ઉગ્યો હતો. આ છોડ ઉપર ફક્ત ફુલ આવે છે. જે જાસુદના ફુલને મળતા આવે છે. એક દિવસમાં આ છોડ ઉપર 25-30 ફુલ ખીલે છે.