બીલીમોરા: ગણદેવી અંબિકા નદી ઉપરનો દેવધા ડેમ ભર ઉનાળે છલકાયો છે. ગણદેવી અંબિકા નદી ઉપર દેવધા ડેમમાં કમોસમી વરસાદી પાણીનો આવરો આવતાં મંગળવારે ડેમ છલકાતાં ખુશનુમા દૃશ્યો સર્જાયાં હતાં. જેના પગલે ઉનાળુ વેકેશનમાં ડેમ પરિસર ઘરઆંગણે પર્યટક સ્થળમાં ફેરવાયો છે.
ગણદેવી, ચીખલી અને ડાંગ વિસ્તારમાં એક સપ્તાહ અગાઉ જોરદાર કમોસમી વરસાદ વરસ્યો હતો. જેને પગલે નદીમાં નવા પાણીની આવક થઇ છે અને પાણીના આવરાને પગલે ડેમ છલકાઈ ઊઠ્યો છે. જેના કારણે ચોમાસા અગાઉ ભરઉનાળે કુદરતનો અનોખો મનમોહક નજારો સર્જાયો છે. બીલીમોરા નજીક દેવધા ગામે અંબિકા નદી ઉપર વર્ષ 2002માં 19 કરોડનાં ખર્ચે દેવધા ડેમ દેવ સરોવર પરિયોજના સાકાર થઈ હતી. 500 મીટર લાંબા અને પાંચ મિટર પહોળા ડેમમાં 1 મીટર ઊંચા અને 4 મીટર પહોળા 40 દરવાજાઓ છે.
જે થકી ડેમના ઉપરવાસમાં 6.45 મિલિયન કયુબિક મીટર જેટલો વિશાળ ભંડાર એકત્ર થયો છે. જેના નયનરમ્ય દૃશ્યનો નજારો માણવા સહેલાણીઓ ઊમટી રહ્યા છે. ભરઉનાળે ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વિશાળ જળસંગ્રહથી ડેમના કેચમેન્ટ વિસ્તારની વેંગણિયા અને પનિહારી નદીઓ પણ છલકાઈ ગઈ છે. ગણદેવી નગરપાલિકા, બીલીમોરા નગરપાલિકા અને દેવધા કરોડ જૂથ પાણી પુરવઠા યોજના દેવધા ડેમ આધારીત છે.