વેરાવળ સેશન્સ કોર્ટે લોક સાહિત્યકાર દેવાયત ખવડ અને અન્ય તમામ આરોપીઓના જામીન રદ કરતા મોટો ચુકાદો આપ્યો છે. તાલાલા પોલીસે અગાઉ નીચલી કોર્ટના જામીનના આદેશને પડકારતા રિવિઝન અરજી દાખલ કરી હતી. આજે કોર્ટમાં સરકાર પક્ષની દલીલો બાદ આ અરજી મંજૂર કરવામાં આવી છે. હવે દેવાયત ખવડ સહિતના આરોપીઓને તાલાલા પોલીસ સમક્ષ હાજર થવું પડશે.
શું હતો પૂરો મામલો?
તા.12 ઓગસ્ટે તાલાલાના ચિત્રોડ ગામે અમદાવાદના સનાથલ વિસ્તારમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ પર જીવલેણ હુમલો થયો હતો. આરોપ મુજબ દેવાયત ખવડ અને તેના સાથીઓએ ધ્રુવરાજસિંહની કિયા કારને ફોર્ચ્યુનર અને ક્રેટા ગાડીથી વારંવાર ટક્કર મારી હતી. ત્યાર બાદ ગાળો ભાંડી લોખંડના ધોકાથી કાચ ફોડી નાખવામાં આવ્યા હતા. દેવાયત ખવડએ પિસ્ટલ બતાવીને કેસ ન કરવાની ધમકી આપી અને 15 તોલાના સોનાના દોરાની લૂંટ કરી હતી.
આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ધ્રુવરાજસિંહને પહેલાં તાલાલા હોસ્પિટલ અને બાદમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની ખબર બહાર આવતા જ જિલ્લામાં સનસનાટી મચી ગઈ હતી. પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને દેવાયત ખવડ સામે ગંભીર ગુનાઓ હેઠળ ફરિયાદ નોંધી હતી.
પોલીસની કાર્યવાહી અને કોર્ટનો અભિગમ
આ કેસમાં તાલાલા પોલીસે તા.18 ઓગસ્ટે દેવાયત ખવડના 7 દિવસના પોલીસ રિમાન્ડની માગણી કરી હતી. પરંતુ ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે તેને નામંજૂર કરી દીધું હતું. સાથે સાથે દેવાયત સહિતના આરોપીઓને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. આ નિર્ણય સામે તાલાલા પોલીસે વાંધો ઉઠાવીને વેરાવળ સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી કરી હતી.
સરકારી વકીલ કેતનસિંહ વાળાએ કોર્ટમાં સરકાર પક્ષની દલીલો રજુ કરી હતી. કોર્ટમાં કલાકો સુધી બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સેશન્સ જજએ જામીન રદ કરવાનો નિર્ણય લીધો.
દેવાયત સામે અગાઉ કેટલાક ગુનાઓ દાખલ
દેવાયત ખવડ પર અગાઉથી જ અનેક ગુનાઓ નોંધાયેલા છે. તેમના વિરુદ્ધ હત્યા કરવાનો પ્રયાસ, છેતરપિંડી, આર્મ્સ એક્ટ સહિત પાંચ કેસો નોંધાયા છે. જ્યારે તેમના સાથીઓ પર જુગાર અને મારામારીના કેસો છે.
હવે આગળ શું થશે?
કોર્ટના આદેશ બાદ દેવાયત ખવડને હવે તાલાલા પોલીસ સમક્ષ હાજર થવું પડશે. પોલીસે આ કેસમાં વધુ કડક કાર્યવાહી કરવાની તૈયારી શરૂ કરી છે. ગીર સોમનાથ જિલ્લાના એસપી મનોહરસિંહ જાડેજા ઘટનાની ગંભીરતા જોતા ખુદ તાલાલા દોડી ગયા હતા.
આ કેસમાં જામીન રદ થતા દેવાયત ખવડ માટે મુશ્કેલીઓ વધી છે અને સમગ્ર જિલ્લામાં આ ચુકાદા અંગે ભારે ચર્ચા ચાલી રહી છે.