Entertainment

દેવ આનંદની 100મી જન્મજયંતિ પર 30 શહેરોમાં આ 4 ક્લાસિક ફિલ્મો બતાવવામાં આવશે

મુંબઇ: બોલિવૂડના (Bollywood) એવરગ્રીન એક્ટર દેવ આનંદે (Dev Anand) પોતાની એક્ટિંગથી લાખો દર્શકોના દિલ જીતી લીધા હતા. તેમણે માત્ર હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં (Film Industry) જ કામ કર્યું નથી, પરંતુ તેણે અંગ્રેજી સિનેમામાં પણ પોતાની અભિનય કુશળતા બતાવી છે. અભિનેતા ભલે આ દુનિયાને અલવિદા કહી ચુક્યા હોય, પરંતુ લોકો આજે પણ તેમની ફિલ્મોને દિલથી જુએ છે. આ વર્ષે અભિનેતાના જન્મને 100 વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે. દિવંગત અભિનેતા દેવ આનંદની જન્મશતાબ્દી નિમિત્તે આ મહિનાના અંતમાં ફિલ્મ ફેસ્ટિવલનું (FilmFestival) આયોજન કરવામાં આવશે. ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન (FHF) એ સોમવારે આની જાહેરાત કરી છે.

પોતાના દમદાર અભિનય માટે જાણીતા દેવ આનંદને 26મી સપ્ટેમ્બરે તેમના જન્મદિવસ પહેલા ‘Dev Anand@100 Forever Young’ કાર્યક્રમ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આ બે દિવસીય ફેસ્ટિવલનું આયોજન નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NFDC), નેશનલ ફિલ્મ આર્કાઈવ ઓફ ઈન્ડિયા (NFAI) અને PVR Inox દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે. ‘હમ દોનો’, ‘તેરે ઘર કે સામને’, ‘CID’ અને ‘ગાઈડ’ જેવી ફિલ્મોમાં દેવ આનંદના કામની આજે પણ પ્રશંસા થાય છે.

સદાબહાર અભિનેતા દેવ આનંદની જન્મજયંતિ નિમિત્તે આયોજિત આ ફેસ્ટિવલ ભારતભરના 30 શહેરો અને 55 થિયેટરોમાં 23 અને 24મી સપ્ટેમ્બરે યોજાશે. FHF આ ઉત્સવમાં દિવંગત અભિનેતાની ફિલ્મો ‘CID’ (1956), ‘ગાઇડ’ (1965), ‘જ્વેલ થીફ’ (1967) અને ‘જોની મેરા નામ’ (1970) રજૂ કરવાની યોજના ધરાવે છે. મુંબઈ, અમદાવાદ, હૈદરાબાદ, તિરુવનંતપુરમ, ચેન્નઈ, બેંગલુરુ, લખનૌ, કોલકાતા, ગુવાહાટી, ઈન્દોર, જયપુર, નાગપુર, નવી દિલ્હી, ગ્વાલિયર, રાઉરકેલા, કોચી અને મોહાલી સહિતના શહેરોના પ્રેક્ષકો દેવ આનંદની આ યાદગાર ફિલ્મોને 4K રિઝોલ્યુશનમાં મોટી સ્ક્રીન પર જોઈ શકશે.

FHFના સ્થાપક શિવેન્દ્ર સિંહ ડુંગરપુરે એક નિવેદનમાં કહ્યું, ‘અમે તેમની યાદગાર ફિલ્મોનું સ્ક્રીનિંગ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપવા માંગીએ છીએ. આ ફિલ્મો મારી મનપસંદ ફિલ્મોમાંની એક છે કારણ કે હું ગોલ્ડી આનંદ (વિજય આનંદ)ને ભારતીય સિનેમાના સૌથી સ્ટાઇલિશ દિગ્દર્શકોમાંથી એક માનું છું. તેમણે કહ્યું, ‘આ તહેવાર FHF અને NFDC-NFAI વચ્ચેના નોંધપાત્ર સહયોગને દર્શાવે છે. NFDC-NFAI એ જ આ ફિલ્મોને સાચવી રાખી હતી અને અમારી સાથે ભાગીદારી કરીને તેઓએ અમને આ ફિલ્મો રજૂ કરવા સક્ષમ બનાવ્યા હતા.

Most Popular

To Top