તાજેતરમાં છોટાઉદેપુર જિલ્લામાં પ્રવેશોત્સવ વેળા IAS અધિકારી ડો. ધવલ પટેલ ગયા ત્યાં આદિવાસી વિસ્તારની શાળાઓમાં શિક્ષણ નિમ્ન કક્ષાનું તેમને લાગ્યું. ખાડે ગયેલા શિક્ષણ બાબતે એક પત્ર તેઓએ શિક્ષણ સચિવ વિનોદ રાવને જણાવેલ કે છોટાઉદેપુર આદિવાસી શાળાઓમાં શિક્ષણ ચકાસણી દરમિયાન શાળાઓનો શિક્ષણ સ્તર એકદમ નબળો સ્તરે જોવા મળેલ છે. પટેલે ત્યાં સુધી જણાવ્યું કે ગરીબ આદિવાસી બાળકોને સડેલું શિક્ષણ આપીને તેમની સાથે અન્યાય કરી રહ્યા છીએ. આદિવાસી બાળકો પેઢી દર પેઢી મજૂરી કરી રાખે અને આગળ ના વધે તેવું આપણે સુનિશ્ચિત કરી રહ્યા છીએ.
આ બાળકોનાં માતા-પિતા આપણા ઉપર આંધળો વિશ્વાસ મૂકીને મોકલે છે એમની સાથે આ પ્રકારે કરવું એ નૈતિક અધ:પતનની પરાકાષ્ઠા છે. પૂરતી સગવડો અને શિક્ષકો હોવા છતાં શિક્ષણ ન સુધરે એ એક કોયડો છે. શાળાની શિક્ષણ ચકાસણી માટે સોંપેલ છ માંથી પાંચ શાળા શિક્ષણનું સ્થળ સાવ નિમ્ન કક્ષાનું લાગતાં ધવલ પટેલે એક પત્ર શિક્ષણ સચિવને લખીને આક્રોશ ઠાલવ્યો છે. જો કે શિક્ષણ ક્ષેત્રે તેમણે જોયેલી પ્રત્યક્ષ અનુભવેલી ખામીઓ ઉજાગર કરી હતી. ધવલ પટેલના નિવેદન બાદ કોંગ્રેસને આપના ધારાસભ્યોએ સરકારના શિક્ષણ સામે સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસના શક્તિસિંહ અને મનિષ દોષીએ જણાવ્યું છે કે શિક્ષણ મંત્રી બચાવ કરીને રાજ્યમાં કથળેલા શિક્ષણની સ્થિતિને છુપાવી રહ્યા છે. ખરેખર શિક્ષણ ખાડે ગયું છે.
આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ જણાવ્યું કે આદિવાસી વિસ્તારના દરેક જિલ્લામાં આ સ્થિતિ છે. સરકાર ખામીઓ નહીં સુધારો તો ના છૂટકે અમારે ધરણાં-આંદોલન કરવાં પડશે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે શિક્ષણનો બચાવ કરતાં જણાવ્યું છે કે કોવિડ કાળ દરમિયાન શાળાઓ બંધ રહી હોવાથી શિક્ષણ કથળ્યું છે. પણ સમગ્ર ગુજરાતમાં આવું નબળું શિક્ષણ નથી, જે વિસ્તારની મુલાકાત ધવલ પટેલે લીધી તે વિસ્તારની સ્થિતિ સરકાર સુધારશે. હાલ તો IAS અધિકારી ધવલ પટેલના સાહસને સૌ કોઇ બિરદાવે છે કારણ કે જેમણે પોતાના જ એક ઉચ્ચ અધિકારીને તેમની ખામી કહી બતાવીને શિક્ષણ સચિવને અરીસો બતાવ્યો છે!
બોટાદ – મનજીભાઇ ડી. ગોહિલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.