Editorial

દેશની આઝાદીનો અમૃત મહોત્સવ છતાં ભારતીયો હજુ કાળા અંગ્રેજોની ગુલામીમાં

આજે દેશ 74મો સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે અને 75 વર્ષમાં પ્રવેશ કર્યો છે. દરેક ગલી મહોલ્લામાં, શાળાઓ, સોસાયટીઓ, જાહેર સ્થળોએ તેમજ જુદી જુદી કચેરીઓમાં આન બાન અને શાન સાથે ત્રિરંગો ફરકાવીને તેને સલામી આપવામાં આવી. આ દિવસ દેશ માટે ખૂબ જ મહત્વનો છે અને તે એટલા માટે છે કે આજ દિવસે દેશ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થઇને આઝાદ થયો હતો. હજારો યુવાનોએ કુરબાની આપીને દેશની ધરતી લાલ કરી ત્યારે આજે આપણે આકાશને આંબતા ત્રિરંગાને લહેરાતો જોઇ શકીએ છીએ. લાખો લોકોએ કુરબાની આપીને અંગ્રેજોને તો કાઢી મૂક્યા પરંતુ હકીકત એ છે કે, ગોરા અંગ્રેજ તો દેશ છોડીને ચાલ્યા ગયા પરંતુ દેશવાસીઓ હજું પણ કાળા અંગ્રેજોની ગુલામી કરી રહ્યાં છે.

એક સમયના દેશના વડા પ્રધાન અટલ બિહારી બાજપેયીના શબ્દ હતાં કે, દેશવાસીઓને ન્યાય, સ્વાસ્થય અને શિક્ષણ મફત મળવું જોઇએ તો જ દેશ પ્રગતિના પંથે આગળ વધશે પરંતુ આજે વાસ્તવિકતા જુદી છે, દેશવાસીઓ આઝાદીની ખુલ્લી હવા માણવાને બદલે કાળા અંગ્રેજોની ગુલામીની ગુંગળામણ સહન કરી રહ્યાં છે. ન્યાય મફતમાં મળવાની વાત તો દૂર રહી પરંતુ સસ્તો મળે તો પણ નસીબ કહેવાય, આજે નાની નાની વાતે દેશનો નાગરિક કોર્ટ કચેરીના ધક્કા ખાઇ રહ્યો છે. વાસ્તવિકતા એ છે કે, કોર્ટના ધક્કા ખાઇ ખાઇને માણસની અડધી જિંદગી પૂરી થઇ જાય છે અને ન્યાય મળતાં એટલા વર્ષ નીકળી જાય છે કે તેના ઘરબાર વેંચાઇ જાય છે.

હવે વાત કરીએ સ્વાસ્થયની તો તેમાં પણ એવી જ સ્થિતિ છે. સામાન્ય રોગમાં પણ હોસ્પિટલનું બિલ લાખોમાં થઇ જાય છે અને તબીબી વ્યવસાય જેને વ્યવસાય તો કહી શકાય તેમ નથી તબીબોનો ધંધો 25 થી 50 ટકાની કટ પ્રેક્ટિસ પર ચાલી રહ્યો છે અને છેલ્લે વાત કરીએ શિક્ષણની તો સરકારી શાળાઓમાં સારા શિક્ષણને અભાવે ખાનગી શાળાઓનો રાફડો ફાટી નીકળ્યો છે અને સીનિયર અને જૂનિયર કેજી જેવા શરૂઆતના તબક્કામાં પણ ખાનગી શાળાના સંચાલકો 50 થી 70 હજાર જેટલી ફી વસૂલી રહ્યાં છે અને દેશનો નાગરિક આ પદ્ધતિઓ સામે રીતસરનો ઘૂંટણિયે પડી ગયો છે.

આવી સ્થિતિનું નિર્માણ એટલા માટે થઇ રહ્યું છે કે, મફત ન્યાય, શિક્ષણ અને સ્વાસ્થ્ય અપાવવાની જેમની જવાબદારી છે તેવા સરકારી અધિકારીઓ અને નેતાઓ શિક્ષણ, ન્યાય અને સ્વાસ્થયની પ્રણાલીને તહસ નહસ કરી નાંખનારાઓના ઇશારે નાચી રહ્યાં છે. આ લોકો જ કાળા અંગ્રેજ છે જેઓ તેમની ફરજ ભૂલીને મૂડીપતિઓના ખોળામાં સૂઇ ગયા છે. દેશ તો આઝાદ થઇ ગયો પરંતુ દેશવાસીઓને આ કાળા અંગ્રેજોની ગુલામીમાંથી ક્યારે મુક્તિ મળશે તેની રાહ હજી પણ દેશ માટે ફના થઇ ગયેલા શહિદો જોઇ રહ્યાં છે.

આજે દેશના નાગરિકો એટલી હદે લાચાર બની ગયા છે કે, એક પણ કામ લાઇનમાં ઊભા રહ્યાં વગર થતાં નથી. કોરોનાકાળમાં વેક્સિન લેવા માટે પણ વલખાં મારવા પાડી રહ્યાં છે. નેતાઓ વેક્સિનેશનની મોટી મોટી વાત કરે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે જાન્યુઆરી 16 2021થી વેક્સિનેશન શરૂ થયું પરંતુ હજી ફ્રન્ટલાઇન વોરિયર્સ તેમજ આરોગ્ય કર્મચારીઓનું વેક્સિનેશન પણ પૂર્ણ થઇ શક્યું નથી અને આ જવાબદારી સરકાર અને સરકારી બાબુઓની છે. આ કાળા અંગ્રેજો સામે દેશનો નાગરિક બીચારો બની ગયો છે અને આ સિસ્ટમ સામે અવાજ ઉઠાવી શકે તેવો કોઇ જ વર્ગ બચ્યો નથી. ગરીબોનો અવાજ કોઇ સાંભળતું નથી. મધ્યમ વર્ગ તો તેનું ગુજરાન ચલાવવામાંથી બહાર નીકળી શકતો નથી એટલે તે અવાજ ઉઠાવતો નથી જ્યારે તવંગર વર્ગને અવાજ ઉઠાવવાની જરૂરિયાત નથી.

Most Popular

To Top