સુરત: સુરતનાં કાપડ ઉદ્યોગમાં (SuratTextileIndustry) મંદીનાં (Inflation) માહોલ વચ્ચે નાયલોન યાર્ન (NylonYarn) ઉત્પાદક સ્પિનર્સની (Spinners) કાર્ટેલે એક જ દિવસમાં કિલોએ 12 રૂપિયાનો ભાવ વધારો ઝીંકી દેતાં નાયલોન વિવર્સ (Weavers) રોષે ભરાયાં છે.
- નાયલોન યાર્ન ઉત્પાદક સ્પિનર્સની કાર્ટેલે એક જ દિવસમાં કિલોએ 12 રૂપિયાનો વધારો ઝીંકતાં વિવર્સમાં રોષ
- મંદીમાં વિવર મીટર કાપડે દોઢથી બે રૂપિયા ખોટ કરી રહ્યાં છે, ત્યારે સહયોગ આપવાને બદલે સ્પિનર્સ શોષણખોર બન્યા: પ્રમુખ મયુર ચેવલી
- વિવર્સ એસો.એ બેઠક યોજી સ્પિનર્સના નવા ધારાધોરણને પણ ફગાવ્યાં, આગામી દિવસોમાં જાહેરસભા યોજવા આયોજન
સુરત નાયલોન વિવર્સ એસોસિએશનનાં પ્રમુખ મયુરભાઈ ચેવલીએ જણાવ્યું હતું કે, કાપડ ઉદ્યોગની વર્તમાન મંદીમાં વિવર્સ મીટર કાપડે દોઢથી બે રૂપિયા ખોટ કરી રહ્યાં છે, ત્યારે સહયોગ આપવાને બદલે સ્પિનર્સ શોષણખોર બન્યા છે. જૂનો પેમેન્ટ ધારો 30 થી 45 દિવસનો હતો, એને બદલે હવે મંદીમાં 15 દિવસમાં પેમેન્ટ લેવા સ્પિનર્સ દબાણ કરી રહ્યાં છે.
માર્કેટમાં કાપડની ડિમાન્ડ નથી, લાઈટ બિલ, કારીગરોનો પગાર અને મેઇન્ટનન્સ ખર્ચ કાઢવાનું મુશ્કેલ બન્યું છે ત્યારે સ્પિનર્સનું વિવર્સ પર આવું આક્રમણ યોગ્ય નથી. આ મુદ્દે આજે સુરત નાયલોન વિવર્સ એસોસિએશનનાં પદાધિકારીઓની બેઠક બોલાવાઈ હતી. જેમાં સ્પિનર્સ દ્વારા કાર્ટેલ રચી પહેલા FDYના સેલ કલોઝ કરી એક જ દિવસમાં FDYમાં સીધા રૂ. 12નાં વધારા સામે વિરોધ નોંધાવી નવું યાર્ન નહીં ખરીદવા અને કારીગરો સાચવવા ખપ પૂરતી ખરીદી કરવા જણાવવામાં આવ્યું છે.
સુરત નાયલોન વિવર્સના પ્રમુખ મયુરભાઈ ચેવલી અને મંત્રી વિમલ બેકાવાળાએ વધુમાં જણાવ્યું હતું કે, નાયલોન યાર્ન ડીલર વિવર્સને કહે છે કે નવા ધારાધોરણ પ્રમાણે યાર્ન મળશે, જેનો બધા જ હોદ્દેદારોએ વિરોધ નોંધાવ્યો છે. નાયલોન વિવર્સ જુના ધારાધોરણ પ્રમાણે જ જરૂરિયાત મુજબનું યાર્ન ખરીદશે.
સપ્તાહમાં બે દિવસ પ્રોડકશન રાખશે, ત્રણ પાળીને બદલે સપ્તાહમાં 5 દિવસ એક પાળી કારખાનાઓ ચાલુ રાખશે, જેથી કારીગર વર્ગ જળવાઈ રહે. વિવર્સ સ્પિનર્સની કૃત્રિમ તેજી લાવવાની ઇચ્છા સફળ થવા દેશે નહીં. આ મામલે આગામી દિવસમાં સુરત નાયલોન વિવર્સ એસોસિએશન દ્વારા જાહેર સભા યોજવાનું આયોજન પણ ચાલી રહ્યું છે.