સુરત: રાજ્યના મુખ્યમંત્રીએ ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈ બ્રિજ અને રસ્તાઓની ચકાસણીના જે આદેશો આપ્યા છે, તેના ભાગરૂપે સુરત જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ-૧ના કાર્યપાલક ઇજનેર પ્રશાંત બી. ચૌધરીએ પલસાણામાં આવેલા કડોદરા અન્ડરપાસ તથા ઈકલેરા ખાડી બ્રિજની સ્થળ પર જઈ રૂબરૂ ચકાસણી કરી હતી.
- 41 ઈંચ વરસાદ પછી પણ અંડરપાસ પાણીમુક્ત, ઓટોમેટિક ડ્રેનેજ સિસ્ટમ સફળ
- 24×7 CCTV મોનિટરિંગથી અન્ડરપાસની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા સુદૃઢ
તેમને માહિતી આપતા જણાવ્યું કે મે-2023થી કાર્યરત કડોદરા અન્ડરપાસ એક આધુનિક ટેકનોલોજી આધારિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. ખાસ કરીને આ વર્ષે ચોમાસા દરમ્યાન કડોદરા વિસ્તારમાં 41 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હોવા છતાં પણ અંડરપાસમાં પાણી ભરાવાની એકપણ ઘટના સર્જાય નથી, જે તેની સિસ્ટમની કામગીરીની સાક્ષી આપે છે. અંડરપાસની બંને તરફ દોઢ લાખ લિટર ક્ષમતા ધરાવતી ટાંકી બનાવવામાં આવી છે, જેમાં વરસાદી પાણી સંગ્રહ થાય છે અને તેને 25 એચ.પી.ની ત્રણ-ત્રણ મોટરોની મદદથી ઓટોમેટિક સિસ્ટમથી નેચરલ ખાડીમાં છોડવામાં આવે છે.
આ ઉપરાંત અંડરપાસ પાસે આવેલી કન્ટ્રોલ ઓફિસમાંથી CCTV કેમેરાના માધ્યમથી 24×7 મોનિટરિંગ કરવામાં આવે છે. આ સાથે કડોદરા અન્ડરપાસને મેજર બ્રિજ તરીકે તેમજ નીચેના પાંચ માઈનર બ્રિજની પણ સંપૂર્ણ તકનીકી ચકાસણી કરવામાં આવી હતી. પ્રશાંત ચૌધરીએ જણાવ્યું કે આ તમામ બ્રિજોની હાલની સ્થિતિ સંપૂર્ણ રીતે સલામત છે અને યાત્રીઓ તેમજ વાહનચાલકો માટે ખતરામુક્ત છે.
રસ્તાઓના સમારકામ માટે પણ તાત્કાલિક પગલાં
કાર્યપાલક ઇજનેરે જણાવ્યું કે વિભાગ હસ્તકના ૮૪.૭૩ કિમી લંબાઈ ધરાવતા કુલ ૧૮ મુખ્ય માર્ગો પર માઈક્રો કોન્ક્રીટ, પેવર બ્લોક અને ડામરથી પેચવર્કના તાત્કાલિક કામગીરી પૂરી કરાઈ છે.
બ્રિજની સ્થિતિ સઘન ચકાસણી
- ઈકલેરા ખાડી બ્રિજ (ડિંડોલી-કરડવા-ઈકલેરા રોડ)
- બોણંદ ખાડી બ્રિજ (ઉધના-ડિંડોલી, ખરવાસા-ભાટીયા રોડ)
- કોલક ખાડી બ્રિજ (સુરત-સચિન-નવસારી માર્ગ, લાજપોર ગામ)
- કપલેથા ખાડી બ્રિજ
- મલગામા ખાડી બ્રિજ (રાંદેર-બરબોધન-તેના રોડ)