ઇઝરાયેલ અને હમાસ વચ્ચે થયેલો યુદ્ધવિરામ હવે ગંભીર ખતરામાં મુકાઈ ગયો છે. ઈઝરાયેલે ગાઝા અને લેબનોન બંને વિસ્તારોમાં હવાઈ હુમલા કર્યા છે. જેમાં કુલ 41 લોકોના મોત થયા છે. સતત વધી રહેલા હુમલાઓે મધ્યપૂર્વમાં તણાવને વધુ ગાઢ બનાવી દીધો છે.
ગાઝા પટ્ટીમાં 27 પેલેસ્ટિનિયનોના મોત
ગત રોજ તા.19 નવેમ્બર બુધવારે ઇઝરાયેલે ગાઝા પટ્ટીમાં ભીષણ બોમ્બમારો કર્યો હતો. હમાસના નાગરિક સુરક્ષા વિભાગ અનુસાર ગાઝાના ઉત્તર ભાગમાં 12 લોકો અને દક્ષિણ ખાન યુનિસ વિસ્તારમાં 10 લોકો સહિત કુલ 27 લોકો માર્યા ગયા છે. હુમલાઓ પછી બચાવ ટીમો રાતોરાત કામગીરીમાં લાગી ગઈ હતી.
IDFનો દાવો “યુદ્ધવિરામનો ભંગ થયો”
ઇઝરાયેલી સેના (IDF)એ જણાવ્યું છે કે આ હવાઈ હુમલાઓ હમાસના લડવૈયાઓ દ્વારા કરાયેલા યુદ્ધવિરામ ભંગના જવાબમાં કરવામાં આવ્યા છે. IDF મુજબ દક્ષિણ ગાઝામાં કાર્યરત ઇઝરાયેલી સૈનિકો પર ગોળીબાર થયો હતો, જે યુદ્ધવિરામનો સ્પષ્ટ ભંગ હતો. તેના જવાબમાં હમાસના “આતંકવાદી ઠેકાણા” નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યા છે.
લેબનોનમાં પણ ઇઝરાયેલના હુમલાથી 13 લોકોના મોત થયા છે
ગાઝા સિવાય લેબનોનમાં પણ સ્થિતિ ગંભીર બનતી જઈ રહી છે. ગત મંગળવારે સિડોન શહેરમાં ઇઝરાયેલી હવાઈ હુમલામાં 13 લોકોના મોત થયા. ઇઝરાયેલી સેનાનો દાવો છે કે અહીં હમાસના ટ્રેનિંગ કેમ્પને નિશાન બનાવવામાં આવ્યો હતો. જોકે હમાસે આ દાવામાં કોઈ સૈન્ય મથક ન હોવાનું કહીને તેને નકારી કાઢ્યું હતું. તેમની તરફથી જણાવાયું કે એ સ્થળ માત્ર એક ઓપન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હતો.
બુધવારે દક્ષિણ લેબનોનમાં થયેલા બીજા હવાઈ હુમલામાં 1 વ્યક્તિનું મોત થયું અને 11 લોકો ઘાયલ થયા. ઈઝરાયેલે લેબનોનના દક્ષિણ ભાગમાં પાંચ ચોકીઓ પર કબજો જાળવી રાખ્યો છે. જ્યાંથી હિઝબુલ્લાહ અને હમાસના લડવૈયાઓને સમયાંતરે ટાર્ગેટ કરવામાં આવે છે.
પરિસ્થિતિ તણાવભરી બની
મધ્યપૂર્વમાં વધતી અથડામણો અને હવાઈ હુમલાઓને કારણે યુદ્ધવિરામ તૂટી જવાની શક્યતા તેજ થઈ છે. બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ છે અને માનવજીવનની હાનિ સતત વધી રહી છે.