Charchapatra

તાપીમાં સ્નાનની ઈચ્છા

સુરત એ સૂર્યપુત્રી તાપી નદીના કિનારે વસેલું શહેર છે અને આ કારણે જ સુરતને સૂર્યપુર કહેવાયું છે. સુરતની જીવાદોરી સમાન તાપી નદીનો જન્મ અષાઢ સુદ સાતમના દિવસે થયો હતો અને એકમાત્ર તાપી નદી જ એવી છે જેનો જન્મદિવસ ભારે રંગેચંગે ઉજવે છે. વર્ષો પહેલા તાપી નદી બે કાંઠે વહેતી હતી. વારેતહેવારે, શ્રાવણ માસ અને અધિક માસમાં સુરતીઓ તાપીએ સ્નાન કરવા જતાં હતાં. લગ્નના શુભ પ્રસંગે જમણવાર માં પહેલા તાપી માતાની થાળ કાઢતા હતા. સુરતીઓ તાપીમાતા પ્રત્યે વિષેશ શ્રદ્ધા અને આસ્થા ધરાવે છે. તાપી સ્નાનનો મહિમા છે તે ઉપરાંત તાપીમાતાનું માત્ર સ્મરણ કરવાથી પાપ દૂર થાય છે. સુરતની સમૃદ્ધિ તાપીમાતાને આભારી છે. તાપી બે કાંઠે વહેતી થાય અને વારે તહેવારે સુરતીઓ સ્નાન કરી શકે એવી ઇચ્છા ધરાવે છે. આવતા વર્ષે જેઠ મહિનામાં અધિક માસ હોવાથી એક વરસમાં તાપીમાતા ભરપુર થાય અને ઓવારા પર સુરતીઓ સ્નાન કરી શકે એવી સાલગીરી નિમિત્તે તાપીમાતા ને પ્રાર્થના.
સુરત     – કિરીટ મેઘાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

આ છે ગુડ ગવર્નન્સ?
રાજ્યનાં પોલીસ વડા વિકાસ સહાયની નોકરીમાંથી નિવૃત્તિ અંગેના વિદાય સમારંભનો માંડવો બંધાઈ ચૂક્યો હતો. તે પછી દિલ્હીથી છ માસના એક્સટેન્શનનો હુકમ આવ્યો. આ કયો વહીવટ છે? કેવો વહીવટ છે? આપણે બધું જાણતા હોવા છતાં સમયસર નિર્ણયો કેમ નથી લઈ શકતા એ વણઉકલ્યો કોયડો છે. નીચેના અધિકારીઓની બઢતીની તક છીનવાય છે તે પણ ખરું. આવા નિર્ણયો ઘણા વહેલા લેવાવાં જોઈએ. પોલીસ બેડામાં આજકાલ નિવૃત્તિના જે ઉત્સવો ઉજવાય છે અને ફૂલોનાં વરસાદ વરસાવાય છે અને તેના વીડિયો ફરે છે તે ઠીક લાગે છે? આ બધું કઈ માનસિકતા પ્રગટ કરે છે. માન સન્માન હોય પણ તે માપમાં હોય, વિવેકપૂર્ણ હોય આ તો ગુલામી માનસ પ્રગટ થાય છે. એનું ગૌરવ કઈ રીતે લેવાય?
અડાલજ           – ડંકેશ ઓઝા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top