સુરત: સુરત શહેર અને જિલ્લાની મહેસૂલી સેવાઓનું આદાન-પ્રદાન કરતી વડી કચેરી સમાન કલેક્ટર ઓફિસને હવે હાઇટેક કે કોર્પોરેટ લૂક આપવાના પ્રયાસો ઉપર માર્ગ-મકાન વિભાગે પાણી ફેરવી દીધું છે. બહારના ખાનગી આર્કિટેક્ટની ડિઝાઇન એલાઉ નહીં કરી હવે સરકારી તંત્રની ડિઝાઇન મુજબ બોક્સ ટાઇપ ઓછા માળની નવી કચેરી બનાવવી પડશે.
- નવી હાઇટેક કલેક્ટર ઓફિસને સરકારી બાબુઓની સરકારી માનસિકતાનું ગ્રહણ, ડિઝાઇન ફરી ફેરવાઈ
- મહિનાઓ સુધી માર્ગ-મકાન વિભાગે ડબલ બેઝમેન્ટ માટે ફાઇલ દબાવી રાખ્યા બાદ બહારના આર્કિટેક્ટની હાઇટેક ડિઝાઇન સામે વાંધો કાઢ્યો
સુરત શહેર અને જિલ્લામાં વિતેલા કેટલાક સમયથી નવી કલેક્ટર કચેરીને કાયમી મુકામ નથી મળતું. વર્ષો પહેલાં અઠવાલાઇન્સમાં બનેલી કલેક્ટર કચેરી બિસમાર હાલતમાં પણ ત્યાં જ ધમધમતી હતી. ભીડભાડ ભરેલા આ વિસ્તારની કલેક્ટર કચેરીને લઇ લાંબા સમયથી લોકો પરેશાન હતા. નાનપુરાની જૂની બહુમાળી કચેરી પરિસરમાં આવેલી કલેક્ટર કચેરી ભારે જહેમત બાદ અઠવાલાઇન્સ ખાતે સને-2012માં શિફટ થઇ હતી. પરંતુ આ કચેરી પણ ભાડા ઉપર હતી.
કરોડો રૂપિયાની જમીનોના ટાઇટલ આપી લોકોને પોતાના હક્કો અપાવતી આ કચેરીને પોતીકા ભવનની જરૂર હતી. જે તત્કાલીન કલેક્ટર ડો.ધવલ પટેલના સમયમાં શક્ય બને તેવા સોનેરી સંકેતો સાંપડ્યા. તત્કાલીન કલેક્ટરે વસરામ ભરવાડ પાસે આ જમીનનો રાતોરાત કબજો લઇ આ દસ હજાર ચોરસ મીટર જમીન નવી કલેક્ટર કચેરી માટે સંપાદિત કરી નાંખી હતી. આ દરખાસ્તને સરકારે પણ મહોર મારી અને વર્ષો વરસ બાદ સુરતની નવી કલેક્ટર કચેરીનું સપનું સાકાર થાય તેવાં આશાનાં કિરણો દેખાયાં હતાં.
આ માટે તત્કાલીન કલેક્ટર ડો.ધવલ પટેલના અનુગામી તરીકે આવેલા આયુષ ઓકે સતત પ્રયાસો કરી ડબલ બેઝમેન્ટ સહિત હાઇટેક ડિઝાઇન માટે મહેનત કરી હતી. એ વખતે માર્ગ-મકાન વિભાગના પેટમાં બે બેઝમેન્ટને લઇને તેલ રેડાયું હતું. લાંબા સમય સુધી આરએનડી વિભાગમાં આ ફાઇલ પડી રહી હતી. જેમતેમ આયુષ ઓક ડબલ બેઝમેન્ટ માટે આરએનડીને સમજાવી મહોર મરાવી લાવ્યા હતા.
આ વાતને પણ બે વરસ પૂરાં થયાં. ખુદ રાજ્યના મહેસૂલ મંત્રી સને-2022ના ઓક્ટોબર મહિનામાં નવી કચેરીનું ભૂમિપૂજન કરી ગયેલા. ત્યારપછી પણ કચેરીમાં એક ઇંટ મુકાઇ નથી. આ અંગે તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે, હવે માર્ગ-મકાન વિભાગે બહારના આર્કિટેક્ટ સામે વાંધો ઉઠાવ્યો છે. માર્ગ-મકાન વિભાગે આ ડિઝાઇન ફગાવી દીધી છે. જેથી હવે સરકારી બોક્સ ડિઝાઇનવાળી બિલ્ડિંગ બને તેવી શક્યતાઓ દેખાઇ રહી છે.
સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત સહિત સુડાએ પોતાની રીતે બિલ્ડિંગ બનાવી પણ કલેક્ટર કચેરીને સરકારી બાબુઓનું ગ્રહણ નડે છે. સુરત શહેરમાં જિલ્લા કલેક્ટરની નવી કચેરી માટે માર્ગ-મકાન વિભાગ હવનમાં હાંડકાં નાંખી રહ્યો છે. વિશ્વસનીય સૂત્રોનું માનીએ તો બહારના ખાનગી આર્કિટેક્ટની ડિઝાઇનને માર્ગ-મકાન વિભાગે ફગાવી દીધી છે. જેને લઇને કચવાટ શરૂ થઇ ગયો છે.
સૂત્રોનું માનીએ તો તાજેતરમાં વેસુમાં નવું આલિશન સુડા ભવન બન્યું છે. તે ઉપરાંત વેસુમાં નવું જિલ્લા પંચાયત ભવન પણ બન્યું છે. અને હાલ સબજેલની જમીન ઉપર 41 માળની નવી પાલિકા કચેરી સાકાર થઇ રહી છે. તેવા સંજોગોમાં સુરત કલેક્ટર કચેરીને જ સરકારી બાબુઓની જૂના જમાનાની ડિઝાઇનવાળી માનસિકતાનું ભોગ બનવું પડે તેમ છે.
14 માળની બિલ્ડિંગ નહીં જોવા મળે
માર્ગ-મકાન વિભાગના અધિકારીઓની અહમ સંતોષવાની લાલસાને લઇને હવે સુરતીઓને હાઇટેક કલેક્ટર ઓફિસ જોવા મળશે કે તેમ તે સમય બતાવશે. પરંતુ તત્કાલીન કલેક્ટર આયુષ ઓક જે ડિઝાઇન તૈયાર કરાવી ગયા હતા તેમાં 14 માળની બિલ્ડિંગ હતી. પર્યાવરણીય હેતુઓને ધ્યાનમાં રાખી ગ્રીન બિલ્ડિંગ કન્સેપ્ટ નક્કી કરાયો હતો. તે સાથે સોલાર પેનલ લગાવવા સહિતની જોગવાઇઓ અને ડબલ બેઝમેન્ટની પણ વ્યવસ્થા કરાઇ હતી. હવે માર્ગ-મકાન વિભાગના ઇજનેરો કેવી કચેરી બનાવશે એ તો સમય જ કહેશે.