સુરત: સુરતના (Surat) ભટાર ખાતે એકલી રહેતી 80 વર્ષની વૃદ્ધાને કચ્છથી (Kutch) આવેલી તેની દેરાણી અને તેની સાથે આવેલી બે મહિલાઓએ છેતરપિંડી (Fraud) કરી હોવાની ફરિયાદ ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. તાંત્રિક વિધી કરીને વૃદ્ધાના પૈસા ડબલ કરી આપવાના બહાને 15.10 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી.
ભટાર મધુરમ એપાર્ટમેન્ટમાં રહેતી 80 વર્ષીય ત્રીવેણીદેવી દામોદરપ્રસાદ ગુપ્તાએ ખટોદરા પોલીસ સ્ટેશનમાં શશિલતા અગ્રવાલ, પુજા શર્મા (બંને રહે,ગાંધીધામ કચ્છ) અને એક અજાણી મહિલા સહિત ત્રણની સામે ફરિયાદ નોંધાવી છે. વૃદ્ધાનો એક દિકરો મુંબઈ રહે છે અને બે દિકરીઓ પરણી ગઈ છે. પતિનું અવસાન થતા તે એકલી રહે છે.
ગત 16મી ઓગસ્ટ 2022ના રોજ વૃદ્ધા ઘરે એકલા હતા ત્યારે વૃદ્ધાની દેરાણી શશિલતા અને તેની બહેનપણી પુજા શર્મા એક અજાણી મહિલા સાથે ઘરે ગયા હતા. દેરાણીએ તેઓ સુરતમાં ફરવા અને ખરીદી કરવા આવ્યા હોવાનું કહ્યું હતું. આ મહિલાએ ‘આટલા મોટા ઘરમાં એકલા કઈ રીતે રહો છો’? તેમ પુછતા વૃદ્ધાએ તેની પાસે થોડા રૂપિયા હોવાનું અને થોડા પૈસા વ્યાજે આપ્યા હોવાથી તેના વ્યાજમાંથી ગુજરાન ચલાવતા હોવાની વાતચીત કરી હતી. તેમની બેંકના લોકરમાં મુકેલાના દાગીના બાબતે પણ આ મહિલાઓએ પુછપરછ કરી હતી.
બાદમાં બેંકની ચોપડીઓ, એફડીની વિગતો જોઈ હતી. અને ત્રણેય મહિલાઓએ આટલું ઓછુ વ્યાજ મળે છે તમે કેમ લો છો? તેમ કહ્યું હતું. દેરાણીએ વૃદ્ધાને રોકડ અને દાગીના જો તેને આપશે તો ડબલ કરીને આપશે તેમ કહેતા વૃદ્ધાએ સંબંધી પાસે રહેલા 2 લાખ મંગાવી તેને આપ્યા હતા. પુજા મોટી જ્યોતિષ અને તાંત્રિક વિધીની પુરી જાણકાર હોવાથી તે વિધી કરીને સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે તેમ કહ્યું હતું.
બાદમાં તેઓ બીજા દિવસે જતા રહ્યા હતા. 23 ડિસેમ્બર 2022 ના રોજ દેરાણી શશિલા અને પુજા પરત સુરત આવ્યા હતા. અને પ્રસાદીની મીઠાઈ લઈને આવ્યા હતા. આ મીઠાઈ ખવડાવીને વૃદ્ધાને બેભાન કરી નાંખ્યા હતા. બાદમાં વૃદ્ધા પાસેથી ફરી બીજા 3.60 લાખ અને સોનાના દાગીના લઈને ગયા હતા. 3 જાન્યુઆરીએ ફરી સુરત આવીને મીઠાઈનો પ્રસાદ લઈને આવ્યા હતા. ત્યારે ફરી એફડી તોડાવીને એક લાખ અને બીજા દાગીના અને રોકડ મળીને 5.80 લાખ મળી કુલ 15.10 લાખ લઈને જતા રહ્યા હતા. આ સાથે જ ઘરના વખરીનો સામાન, કપડા, પડદા, ચણા, ગોળ ચંપલો વગેરે પણ ઉઠાવી ગયા હતા.