રાજધાની દિલ્હી સહિત આસપાસના વિસ્તારોમાં આજે 29 ડિસેમ્બર સોમવારે વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું. જેના કારણે જનજીવન પર વ્યાપક અસર પડી છે. આજે સવારે 9:40 વાગ્યા સુધી પણ દિલ્હીમાં દૃશ્યતા અત્યંત ઓછી રહી હતી અને સૂર્યપ્રકાશનો કોઈ અણસાર જોવા મળ્યો નહોતો. નબળી દૃશ્યતાને કારણે હવાઈ, રેલ અને માર્ગ પરિવહન પર સીધી અસર પડી છે.
ગાઢ ધુમ્મસને કારણે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભરતી અને ત્યાં ઉતરતી અનેક ફ્લાઇટ્સ મોડી પડી હતી. તો કેટલીક ફ્લાઇટ્સને ટેકઓફ અને લેન્ડિંગમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે હવાઈ મુસાફરો માટે સલાહકારી જાહેર કરી હતી.
જેમાં જણાવાયું હતું કે ઉત્તર ભારતના ઘણા એરપોર્ટ પર ધુમ્મસને કારણે ફ્લાઇટ કામગીરી પ્રભાવિત થઈ શકે છે. મુસાફરોને તેમની સંબંધિત એરલાઇન્સ સાથે સતત સંપર્કમાં રહેવા અને મુસાફરી માટે વધારાનો સમય રાખવાની સલાહ આપવામાં આવી છે.
રેલ્વે પર પણ ધૂમસ્સની અસર જોવા મળી
ગાઢ ધુમ્મસના કારણે રેલ વ્યવહાર પણ ભારે રીતે પ્રભાવિત થયો છે. દેશના વિવિધ ભાગોથી દિલ્હી આવતી અને દિલ્હીથી જતી 100થી વધુ ટ્રેનો કલાકો સુધી મોડી ચાલી રહી છે. કેટલીક ટ્રેનો 10 કલાકથી વધુ મોડી હોવાના અહેવાલો છે. જ્યારે કેટલીક ટ્રેનોને વિકલ્પી રૂટ પરથી ચલાવવામાં આવી રહી છે.
મહત્વની વાત એ છે કે વંદે ભારત એક્સપ્રેસ, રાજધાની એક્સપ્રેસ, શતાબ્દી અને હમસફર જેવી પ્રીમિયમ ટ્રેનો પણ વિલંબનો ભોગ બની છે.
મોડી ઉપડતી મુખ્ય ટ્રેનોમાં નવી દિલ્હી-બરૌની હમસફર સ્પેશિયલ (14 કલાકથી વધુ મોડી), નવી દિલ્હી-કાનપુર શ્રમિક શક્તિ એક્સપ્રેસ (11 કલાકથી વધુ), નવી દિલ્હી-કાલકા શતાબ્દી (4.25 કલાક), આનંદ વિહાર-અયોધ્યા કેન્ટ વંદે ભારત (6 કલાકથી વધુ) સહિત અનેક ટ્રેનોનો સમાવેશ થાય છે. મુસાફરોને ટ્રેન સંબંધી માહિતી માટે રેલવે હેલ્પલાઇન નંબર 139 પર સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી છે.
આ વચ્ચે ગાઢ ધુમ્મસ અને પ્રદૂષણના કારણે દિલ્હીની હવાની ગુણવત્તા અત્યંત ખરાબ સ્તરે પહોંચી ગઈ છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) મુજબ દિલ્હીમાં સરેરાશ AQI 459 નોંધાયો છે. જે ‘ગંભીર’ શ્રેણીમાં આવે છે. ઝેરી હવાને કારણે બાળકો, વૃદ્ધો અને શ્વાસની તકલીફ ધરાવતા લોકોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.