National

ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ સાથે વરસાદ અને હિમવર્ષાની આશંકા, વિઝિબિલિટી ઘટતા એલર્ટ જાહેર

નવી દિલ્હી: જાન્યુઆરીની શરૂઆતથી જ ઉત્તર ભારતના (North India) રાજ્યોમાં તીવ્ર ઠંડી (Cold) પડી રહી છે. દિલ્હી, યુપી સહિત ઘણા રાજ્યો ધુમ્મસ (Fog) અને કડકડતી શિયાળાનો (Winter) સામનો કરી રહ્યા છે. ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ધુમ્મસની સ્થિતિ એવી છે કે ફ્લાઈટ્સ મોડી થઈ રહી છે. તેમજ ધુમ્મસના કારણે કેટલીક ટ્રેનો પર પણ અસર થઈ છે. ઘણી ટ્રેનો તેમના નિર્ધારિત સમય કરતા મોડી ચાલી રહી છે અને ઘણી ટ્રેનો રદ પણ કરવામાં આવી રહી છે. આજે એટલે કે 10 જાન્યુઆરીએ પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું.

દિલ્હીમાં ગાઢ ધુમ્મસ છવાયું
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી અને મહત્તમ તાપમાન 19 ડિગ્રી સુધી નોંધાય શકે છે. આ ઉપરાંત, રાજધાની દિલ્હી સવારે ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હતી. હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક આર.કે.જેનામાની અનુસાર, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને પંજાબમાં 11 જાન્યુઆરીની રાત્રે અને 12 જાન્યુઆરીની સવારે હળવા ઝરમર વરસાદ જોવા મળી શકે છે. આજે રાજધાની દિલ્હીમાં કોલ્ડવેવનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ ગાઢ ધુમ્મસ માટે પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ પાલમ અને સફદરજંગમાં ધુમ્મસના કારણે વિઝિબિલિટી 50 મીટર માપવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ સુધી ઝીરો વિઝિબિલિટીની ચેતવણી આપી છે.

ઉત્તર પ્રદેશમાં કેવું રહેશે હવામાન?
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં આજે લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી અને મહત્તમ તાપમાન 16 ડિગ્રી નોંધાઈ શકે છે. આ સાથે લખનઉમાં પણ ઠંડીનો માહોલ યથાવત રહેશે. આ સાથે જ લખનઉમાં ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે. ગાઝિયાબાદમાં આજે લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી અને મહત્તમ તાપમાન 16 ડિગ્રી નોંધાઈ શકે છે. આ સાથે ગાઝિયાબાદમાં પણ ગાઢ ધુમ્મસની શક્યતા છે.

આ રાજ્યોમાં ભારે વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ
IMD દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, જમ્મુ-કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અથવા હિમવર્ષા થઈ શકે છે. હિમાચલ પ્રદેશમાં 12 જાન્યુઆરીએ ભારે વરસાદ અથવા હિમવર્ષા થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 2-3 દિવસ દરમિયાન જમ્મુ વિભાગ, હિમાચલ પ્રદેશ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય અને ત્રિપુરાના વિવિધ વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાનમાં પલટો આવશે
હવામાનની આગાહી અનુસાર, ઉત્તર પાકિસ્તાન અને તેની નજીકના પશ્ચિમ હિમાલય પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. અન્ય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 10મી જાન્યુઆરી એટલે કે આજે પશ્ચિમ હિમાલય સુધી પહોંચી શકે છે. જેના કારણે ઉત્તર ભારતના હવામાનની ગતિવિધિઓમાં ફેરફાર જોવા મળશે. આ દરમિયાન, શીત લહેર વધુ વધવાની ધારણા છે અને ખૂબ ગાઢ ધુમ્મસ પણ જોવા મળી શકે છે.

Most Popular

To Top