National

ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી થઈ ઓછી, આ રાજ્યોમાં કોલ્ડવેવ એલર્ટ જાહેર

નવી દિલ્હી: ઉત્તર ભારતના (North India) રાજ્યોમાં ઠંડી અને ધુમ્મસનું (Fog) પ્રમાણ સતત વધી રહ્યું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં કોલ્ક વેવ એલર્ટ (Cold Wave Alert) જાહેર કર્યો છે. આ સાથે જ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસ સુધી દિલ્હી (Delhi), યુપી (UP), બિહાર, પંજાબમાં ગાઢ ધુમ્મસ માટે ઓરેન્જ એલર્ટ (Orange Alert) જોહેર કરાયો છે.

રાજધાની દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબમાં આજે (મંગળવાર) 20 ડિસેમ્બરે સવારે ગાઢ ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી હતી. ત્યારે હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ અને પંજાબમાં ગાઢ ધુમ્મસ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. દિલ્હી-એનસીઆરમાં ગાઢ ધુમ્મસને કારણે ઘણી જગ્યાએ વિઝિબિલિટી 100 મીટરથી ઓછી છે. જેની અસર એરલાઈન્સ પર પણ પડી રહી છે.

ધુમ્મસને કારણે વિઝિબિલિટી થઈ ખૂબ જ ઓછી
સવારે લગભગ 5.30 વાગ્યે દિલ્હીના પાલમ વિસ્તારમાં વિઝિબિલિટી 25 મીટર સુધી રહી હતી, જ્યારે સફદરજંગ વિસ્તારમાં 50 મીટર સુધી વિઝિબિલિટી નોંધાઈ હતી. આ ઉપરાંત, પંજાબના ભટિંડામાં ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસને કારણે શૂન્ય વિઝિબિલિટી નોંધાઈ હતી. અમૃતસર, પટિયાલા, લખનૌના ઘણા વિસ્તારોમાં 25 મીટર સુધી વિઝિબિલિટી પણ નોંધાઈ હતી.

આજે દિલ્હીમાં કેટલું રહેશે તાપમાન?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે એટલે કે 20 ડિસેમ્બરે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી અને મહત્તમ તાપમાન 22 ડિગ્રી નોંધાયું હતું. તે જ સમયે, આગામી 3 દિવસ સુધી દિલ્હીમાં ગાઢ ધુમ્મસ જોવા મળશે. આગામી દિવસોમાં દિલ્હીમાં તાપમાનમાં ઘટાડો નોંધાશે. પ્રદૂષણની વાત કરીએ તો દિલ્હીની હવાની ગુણવત્તા ગંભીર શ્રેણીમાં છે. ગઈકાલે સાંજે 6 વાગ્યાની આસપાસ આનંદ વિહાર વિસ્તારમાં AQI 444 નોંધવામાં આવ્યું હતું, જે ગંભીર શ્રેણીમાં આવે છે.

ઉત્તર પ્રદેશમાં કેવું રહેશે હવામાન?
લખનઉમાં આજે લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી અને મહત્તમ તાપમાન 22 ડિગ્રી નોંધાયું હતું. લખનઉમાં આજે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. ગાઝિયાબાદમાં પણ આજે લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી અને મહત્તમ તાપમાન 24 ડિગ્રી નોંધાયું હતું.

હિમાચલ પ્રદેશમાં કેવું રહેશે હવામાન?
હિમાચલ પ્રદેશના શિમલામાં આજે લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી અને મહત્તમ તાપમાન 18 ડિગ્રી નોંધાશે. તે જ સમયે, મનાલીમાં લઘુત્તમ તાપમાન શૂન્ય રહેશે, જ્યારે મહત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધવામાં આવશે. સ્પીતિ ખીણમાં લઘુત્તમ તાપમાન -7 ડિગ્રી અને મહત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધવામાં આવી શકે છે.

આ રાજ્ય કોલ્ડવેવની ઝપેટમાં
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ દરમિયાન હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને ઉત્તર રાજસ્થાનમાં કોલ્ડવેવની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે. આવી સ્થિતિમાં ઠંડી, પ્રદુષણ અને ધુમ્મસના ત્રાસથી સમસ્યાઓ વધી શકે છે.

Most Popular

To Top