નવી દિલ્હી: કેન્દ્ર સરકારે કહ્યું છે કે 2016માં નોટબંધી (Demonetisation) એ એક સારી રીતે વિચારી લેવાયો નિર્ણય હતો અને તે નકલી નોટો, ટેરર ફાઇનાન્સિંગ, કાળું નાણું અને કરચોરીના જોખમને પહોંચી વળવા માટે મોટી વ્યૂહરચનાનો એક ભાગ હતો. કેન્દ્રએ બુધવારે સુપ્રીમ કોર્ટમાં પોતાના નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે, રૂ. 500 અને રૂ. 1,000ની નોટોને બંધ કરવાનો નિર્ણય ભારતીય રિઝર્વ બેન્ક (RBI) સાથે વ્યાપક ચર્ચા બાદ લેવામાં આવ્યો હતો.
કેન્દ્ર નોટબંધીના નિર્ણયને પડકારતી અરજીઓનો જવાબ આપે છે
નોટબંધીના નિર્ણયને પડકારતી અરજીઓના જવાબમાં દાખલ કરવામાં આવેલી એફિડેવિટમાં કેન્દ્રએ આ વાત કહી છે. જેમાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે નોટબંધી એ મોટી વ્યૂહરચનાનો એક ભાગ છે અને નકલી ચલણ, ટેરર ફાઇનાન્સિંગ, કાળું નાણું અને કરચોરીની સમસ્યાઓનો સામનો કરવા માટે અસરકારક પગલાં છે. પરંતુ તે માત્ર આટલા સુધી સીમિત ન હતું. પરિવર્તનકારી આર્થિક નીતિના પગલાઓની શ્રેણીમાં આ એક મહત્વપૂર્ણ પગલું હતું. આ મામલાની સુનાવણી પાંચ જજોની બંધારણીય બેંચ કરી રહી છે અને હવે આગામી સુનાવણી 24 નવેમ્બરે થશે.
એફિડેવિટમાં કેન્દ્ર સરકારે કહ્યું કે નોટબંધીનો નિર્ણય રિઝર્વ બેન્કના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની વિશેષ ભલામણ પર લેવામાં આવ્યો હતો અને આરબીઆઈએ તેના અમલીકરણ માટે ડ્રાફ્ટ પ્લાનનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. બેન્ચ કેન્દ્રના 8 નવેમ્બર, 2016ના નોટબંધીના નિર્ણયને પડકારતી 58 અરજીઓની સુનાવણી કરી રહી છે.
મળતી માહિતી મુજબ લોકોની મુશ્કેલીઓ ઘટાડવા માટે આ પગલું લેવામાં આવ્યા હોવાનું કેન્દ્રએ જણાવ્યું હતું. 9 નવેમ્બરના રોજ એટર્ની જનરલ આર વેંકટરામણીએ વ્યાપક એફિડેવિટ તૈયાર ન કરી શકવા બદલ બેન્ચની માફી માંગી અને એક સપ્તાહનો સમય માંગ્યો હતો. જસ્ટિસ નાગરત્ને કહ્યું હતું કે સામાન્ય રીતે બંધારણીય બેન્ચ આ રીતે ઊભી થતી નથી અને તે ખૂબ જ શરમજનક છે.