સુરત: સુરત એરપોર્ટ દ્વારા રન વે ને નડતરરૂપ ચાર બિલ્ડીંગમાં ક્યાં કેટલું ડિમોલિશન કરવું તે અંગેની માહિતી સાથેનો રિપોર્ટ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કલેક્ટરને સોંપ્યો છે. ચારેય પ્રોજેક્ટમાં માત્ર ટાંકી, દાદર અને લિફ્ટની કેબિન જ તોડવી પડશે. જ્યારે કોઈપણ રેસિડેન્શિયલ ફ્લેટ તોડવો પડશે નહીં.
- એરપોર્ટને નડતરરૂપ ચારેય પ્રોજેક્ટમાં માત્ર ટાંકી, દાદર અને લિફ્ટની કેબિન જ તોડવી પડશે
- ચાર રહેણાંક યોજનાઓને તોડફોડની નોટિસ ફટકારવામાં આવી, 31 જુલાઈ સુધીમાં તોડી નાખવા પડશે
સુરત એરપોર્ટની ઉડાન સલામતીને ધ્યાને લઈને એરપોર્ટ ઓથોરિટીએ શહેરની ચાર રહેણાંક યોજનાઓના એવા બાંધકામના ભાગો સામે કાર્યવાહી શરૂ કરી છે, જે ટેકઓફ/લેન્ડિંગ ટ્રેક માટે અવરોધરૂપ બની શકે છે. એરપોર્ટ ઓથોરિટીએ એલ એન્ડ ટી કોલોની, રવિરત્નમ, સર્જન પેલેસ અને ફ્લોરન્સ એપાર્ટમેન્ટના વિવિધ બિલ્ડિંગમાં માપણી કર્યા બાદ જે ભાગો નડતરરૂપ હોવાનું જણાયું છે, તેની વિગતવાર યાદી કલેક્ટરને સબમિટ કરી છે. દરેક બાંધકામ ઉપર ડિમાર્કેશન કરાઈ નોટિસ પાઠવાઈ છે.
અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે ચારેય યોજનાઓમાં કોઈ પણ રેસિડેન્શિયલ ફ્લેટ નડતરરૂપ નથી, માત્ર બિલ્ડિંગના ઉપરના બાંધકામ જ નિયમભંગ કરી રહ્યા છે. 31 જુલાઈ સુધી નડતરરૂપ માળખા ન હટાવાશે તો એરપોર્ટ ઓથોરિટી કે કલેક્ટર તંત્ર દ્વારા સીધી તોડફોડ શરૂ કરાશે તેવી શકયતા છે.
નોંધનીય છે કે સુરત એરપોર્ટની મર્યાદિત દિશામાં રનવે માટે નજીકના વિસ્તારનું સ્ટ્રક્ચર પણ ઉડાનમાં મુશ્કેલી ઊભી કરી શકે છે. તેથી આગામી સમયમાં આવી વધુ કાર્યવાહી શક્ય હોવાનો સૂત્રોએ ઈશારો આપ્યો છે.
કયા પ્રોજેક્ટમાં કેટલું તોડવું પડશે
- L&T કોલોનીમાં અવરોધરૂપ ભાગો: બિલ્ડિંગ નં. E-10 અને E-11ની છત ઉપરની પાણીની ટાંકીનો ઉપરનો ભાગ નડતરરૂપ છે.
બિલ્ડિંગ નં. E-8 અને E-9માં દાદરના કેબિન અને લિફ્ટના ઉપરના ભાગ નકશામાં દર્શાવેલ નિયંત્રણોનો વિરોધી હોવાનું માલૂમ પડ્યું છે. - ફ્લોરન્સ એપાર્ટમેન્ટ, વેસુઃ ટાવરોની ટોચ પર બનાવાયેલી પેરાફિટ વોલ, લિફ્ટ શાફ્ટ અને દાદરની કેબિનનો 1થી 3 મીટર જેટલો ભાગ નડતરરૂપ ગણાયો છે.
- રવિરત્નમના A બિલ્ડિંગમાં પણ તોડફોડની તૈયારી: દાદરની કેબિન અને પેરાફિટ વોલના ટોપના ભાગો માપણી પ્રમાણે ઉંચાઈ મર્યાદા ઓળંગી ગયા છે.
- સર્જન પેલેસ, પાંજરાપોળ રોડ: A બિલ્ડિંગમાં દાદરની કેબિનનો અંદાજે 1.20 મીટર અને B બિલ્ડિંગમાં 0.784 મીટર તથા લોખંડના દાદરનો 1.382 મીટરનો ભાગ ખતરનાક વિસ્તારમાં આવે છે.