SURAT

મેટ્રોના લીધે ચોકબજારમાં આવેલા 200 વર્ષ જૂના આ ચર્ચનું ડિમોલિશન

સુરત: સુરત શહેર માટે અતિ મહત્ત્વકાંક્ષી એવા સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સુરત શહેરમાં બે ફેસમાં મેટ્રો રેલ દોડશે, જેમાં ફેસ વન નો રૂટ ડ્રીમ સિટીથી સરથાણાનો છે. જ્યારે ફેસ ટુનો રૂટ સરોલીધી ભેંસાણ સુધીનો છે. સુરત શહેરમાં અતિ ગીચ વિસ્તાર એવા સુરત રેલવે સ્ટેશનથી ચોક બજારમાં પણ મેટ્રો દોડાવવાની હોવાથી આ રૂટ અંડર ગ્રાઉન્ડ લેવામાં આવ્યો છે. જેથી રોડ પર ટ્રાફિકની સમસ્યા હળવી થાય અને લોકો મેટ્રોનો ઉપયોગ કરી શકે, પરંતુ કોટ વિસ્તારમાં ઘણી મિલકતો મેટ્રોના રૂટમાં આવતી હોવાથી જીએમઆરસી દ્વારા આ મિલકતોનું ડિમોલિશન કે અન્ય ઘણા પ્રકલ્પોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે અને તે પૈકી હવે ચોકમાં આવેલા 200 વર્ષ જૂના ચર્ચના પ્રેયર હોલનું ડિમોલિશન શરૂ કરાયું હતું. જો કે, ચર્ચના ટ્રસ્ટીઓએ એ માટે સહમતી આપી દીધી છે અને જીએમઆરસી દ્વારા ચર્ચને ટ્રસ્ટીઓને તેની કિંમત પણ ચૂકવી દેવાઈ છે.

સુરત  શહેરમાં હાલ મેટ્રોની કામગીરીને કારણે અનેક વિવાદો ઊભા થઈ રહ્યા છે.  શહેરમાં  મેટ્રોની કામગીરીથી અનેક રસ્તા બંધ કરાતાં લોકોને હાલાકી થઈ રહી છે. તો સાથે સાથે શહેરના ઘણા ઐતિહાસિક પ્રકલ્પો પણ તોડી દેવાતાં લોકોની લાગણીઓને ઠેસ પહોંચી રહી છે. હાલ અઠવા ચોપાટી તરણકુંડ પણ તોડવાની વાત આવતાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ચોકબજારના ઐતિહાસિક ચર્ચ પણ મેટ્રોની કામગીરીમાં નડતરરૂપ સાબિત થતાં આ પ્રેયર હોલને ગુરુવારે તોડી પડાયું હતું, પરંતુ જીએમઆરસી દ્વારા તેનું વળતર ચૂકવી દેવાયું હતું.

અઠવા ચોપાટીનો સ્વિમિંગ પુલ બચાવવા માટે પૂર્વ કોર્પોરેટરે રજૂઆત કરી
સુરત: સુરત શહેર માટે અતિ મહત્ત્વકાંક્ષી એવા મેટ્રોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે મેટ્રોની કામગીરીમાં નડતરરૂપ પ્રોજેક્ટ્સનું ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત હવે શહેરના સૌથી જૂના એવા અઠવા ચોપાટીના સ્વિમિંગ પુલને 15મી માર્ચની આસપાસ તોડી પાડવાની કામગીરી શરૂ કરાશે, ત્યારે હરિઓમ આશ્રમ દ્વારા આ પુલ યથાવત રાખવા માટેની માંગ કરવામાં આવી છે, જેમાં હવે પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજિયાવાલાએ પણ મનપા કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે અને સ્વિમિંગ પુલ યથાવત રાખવાની માંગ કરી છે.
ચોપાટી ખાતે આવેલ શહેરના પહેલા બાળ સ્વિમિંગ પુલ મેટ્રો પ્રોજેક્ટ માટે ગોડાઉન ફાળવવાના નિર્ણયને પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અહીં સ્વિમિંગ શીખનારા તરવૈયાઓએ પણ આ અંગે વિરોધ નોંધાવ્યો છે અને આ સ્વિમિંગ પુલને યથાવત રાખવા માટે પદાધિકારીઓ સમક્ષ રજૂઆત પણ કરી છે. તેમજ હરિઓમ આશ્રમ દ્વારા પણ રજૂઆત કરાઈ છે. અને હવે ભાજપના પૂર્વ કોર્પોરેટર તેમજ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ પણ આ સ્વિમિંગ પુલ બચાવવા માટે મેદાનમાં આવ્યા છે અને મનપા કમિશનરને આ સ્વિમિંગ પુલ યથાવત રાખવાની માંગ કરી છે.

અઠવા સ્વિમિંગ પુલને બચાવવા માટે કોઈ માર્ગ નીકળે છે કેમ એ અંગે તમામ શક્યતા ચકાસીશું: મેયર હેમાલી બોઘાવાલા
અઠવા સ્વિમિંગ પુલ એ સુરતનો સૌથી જૂનો સ્વિમિંગ પુલ છે અને તેમાં ઘણા શહેરીજનો તરતા શીખ્યા છે ત્યારે શહેરવાસીઓની પણ લાગણી તેની સાથે જોડાઈ હોઈ એ વાતમાં કોઈ બેમત નથી. પરંતુ શહેરીજનોને જ હજી વધુ સગવડો અને સવલતો માટે શહેરમાં મોટા પ્રોજેક્ટ્સ સાકાર કરવામાં આવી રહ્યા છે. અઠવા સ્વિમિંગપુલને બચાવવા માટે કોઈ માર્ગ નીકળે છે કે કેમ? એ અંગે જીએમઆરસી સાથે તંત્ર બેઠક કરી કોઈ નિવેડો નીકળે છે કે કેમ એ માટે તમામ શક્યતા ચકાસવામાં આવશે.

Most Popular

To Top