SURAT

માથાભારે સજ્જુ કોઠારીની મિલકતનું ડિમોલિશન, સરકારી જમીન પર દુકાનો બનાવી ભાડે આપી હતી

સુરતઃ માથાભારે કુખ્યાત સજ્જુ કોઠારીની ગેરકાયદે મિલકતોનું ફરી એકવાર ડિમોલિશન કરાયું છે. આજે પોલીસ અને પાલિકાએ ભેગા મળી નાનપુરા જમરૂખ ગલીમાં સરકારી પ્લોટ પર સજ્જુ કોઠારીએ બનાવેલી મિલકતો તોડી પાડવામાં આવી હતી.

કુખ્યાત સજ્જુ કોઠારી સામે ખંડણી, મારામારી, ગુજસીટોક સહિત અનેક ગંભીર ગુના નોંધાયેલા છે. તે લાંબા સમયથી જેલમાં છે. તેમ છતાં તેની કમાણી ચાલુ હતી. સજ્જુ કોઠારીએ નાનપુરા વિસ્તારમાં આવેલી જમરૂખ ગલીમાં સરકારી પ્લોટ પર વર્ષોથી ગેરકાયદે કબ્જો જમાવ્યો હતો. અહીં તેને દુકાનો બનાવી હતી. આ દુકાનો તે 7 હજારથી 15 હજાર માસિક ભાડે આપી જેલમાં બેઠો બેઠો કમાણી કરતો હતો.

આજે તંત્રએ જમરૂખ ગલીમાં આવેલા સરકારી પ્લોટ પર 250 સ્કેવર મીટર વિસ્તારની ગેરકાયદે મિલકત તોડી પાડી હતી. બુલડોઝરથી મિલકતો તોડી જમીન ખાલી કરાવી હતી.

સૂત્રોએ કહ્યું કે સજ્જુ કોઠારીએ સરકારી પ્લોટ પર ગેરકાયદે પાકું બાંધકામ કરી અનેક દુકાનો ઉભી કરી હતી. તે દુકાન તે 7000થી 15000ના ભાડે આપતો હતો. અહીં દુકાનદારો ભંગાર, ગેરેજ, પરફ્યુમ જેવા સામાન વેચતા હતા.

આજે તંત્ર ડિમોલિશન કરવા પહોંચતા દુકાનદારોએ દુકાનમાંથી સામાન કાઢવા દોડાદોડી કરી મુકી હતી. તેમને સામાન કાઢવાનો પૂરતો સમય આપ્યા બાદ તંત્ર દ્વારા બુલડોઝરથી દુકાનો તોડી પાડવામાં આવી હતી.

Most Popular

To Top