શહેરમાં અસામાજિક તત્ત્વો બેફામ બન્યા છે. તેઓ પર પોલીસ પ્રશાસનનો કોઈ ધાક રહ્યો નથી. શહેરના એક માથાભારે ગુંડાએ પોતાના બે ઘરની વચ્ચે ગેરકાયદે બ્રિજ બનાવી દીધો હતો. તેને કોઈનો પણ ડર નહોતો. પરંતુ ગુજસીટોકના આરોપી એવા આ કુખ્યાત ઈસમના ગેરકાયદે ઘરને આજે પોલીસની મદદથી સુરત મહાનગર પાલિકાએ તોડી પાડ્યું છે. બુલડોઝર ફેરવી તેની શાન ઠેકાણે લાવવામાં આવી છે.
- માથાભારે આરીફ શેખ ( મીંડી ) ના ઘરનું ડિમોલિશન
- ઘરનો કેટલોક ભાગ SMC અને પોલીસ દ્વારા તોડી પડાયો
- બે ઘર વચ્ચે બનાવેલ રોપ-વે બ્રિજનું ડિમોલિશન
- પોલીસ પકડવા આવે તો આ બ્રિજ પરથી ભાગી જતો
- ગુજસીટોકના આરોપી આરીફ મીંડી સામે અનેક ગુનાઓ દાખલ છે
શહેરમાં નાનપુરા વિસ્તારમાં રહેતો ગુજસીટોકનો આરોપી લોકો પોલીસ અને પાલિકા માટે માથાનો દુઃખાવો બની ગયો હતો. પોલીસ કાર્યવાહીથી બચવા બે ઘર વચ્ચે ફે્બ્રિકેટનો નાનો બ્રિજ બનાવી દીધો હતો. આ અંગેની જાણ થયાં બાદ આજે સુરત પોલીસ અને પાલિકાએ સંયુક્ત ઓપરેશન કરીને બે ઘર વચ્ચે બનાવેલો આ ફેબ્રીકેટર નાનો બ્રિજ જેવો ભાગ દૂર કરી દીધો હતો. આ ઉપરાંત ચોક બજાર સાગર હોટલ નજીક કેટલાક તત્વોએ પતરાનો શેડ બનાવી દીધો હતો તે પણ દુર કરવામાં આવ્યો છે.
સુરત પાલિકાના નાનપુરા કાદરશની નાળ વિસ્તારમાં ગુજસીકોટના આરોપી આરીફ શેખ ( મીંડી)નું ઘર આવ્યું છે. આ જગ્યાએ એક નાનકડી ગલીમાં બે ઘર વચ્ચે ઉપર લોખંડનો બ્રિજ બનાવી દેવામાં આવ્યો હતો. આજે પોલીસ અને પાલિકાએ સાથે મળીને ડિમોલિશનની કામગીરી કરી હતી અને આ લોખંડનો બ્રિજ જેવો ભાગ દૂર કરવામા આવ્યો છે.
બે ઘર વચ્ચે હતો ગેરકાયદે બ્રિજ
આ અંગે એવી ચર્ચા થઈ રહી છે કે પોલીસ કાર્યવાહી કરવામા આવે ત્યારે આ બ્રિજનો ઉપયોગ કરવામા આવતો હતો. બે ઘરની વચ્ચે ગેરકાયદે બનાવેલો આ બ્રિજ પાલિકા અને પોલીસે સંયુક્ત કામગીરી કરીને દુર કરી દીધો હતો. આ ઉપરાંત સેન્ટ્રલ ઝોનમાં ચોક બજારમાં સાગર હોટલ નજીક રોડ પર કેટલાક લોકોએ પતરાનો શેડ બનાવી દીધો હતો. આ ગેરકાયદે બનેલા શેડના કારણે ટ્રાફિકની સમસ્યા થતી હતી. આ શેડ પણ પાલિકાએ દૂર કરી દીધો હતો.
