ગુજરાતમાં છેલ્લા એક દોઢ વરસથી ગેરકાયદે દબાણો દૂર કરવાની ઝુંબેશ ચાલી રહી છે. એ આવકાર્ય છે. છેલ્લા કેટલાક સમયમાં દ્વારકા, ગાંધીધામ, રાજકોટ, જુનાગઢ, અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર કે જુનાગઢમાં મોટા પાયે ગેરકાયદે દબાણો દૂર થયાં છે અને એમાં તાજેતરમાં અમદાવાદના ચંડોળા વિસ્તારમાં મીની બાંગ્લાદેશ વસી ગયેલું અને એના તાર આતંકવાદ સાથે જોડાયા ત્યાં ૨૦૦૦ ગેરકાયદે દબાણો દૂર કર્યાં. ગુજરાતનું કદાચ સૌથી મોટું આ ડિમોલિશન હતું અને એ માટે સરકારી તંત્રે મોટો કાફલો લઇ જવો પડ્યો હતો. સારી વાત એ છે કે, ધાર્મિક દબાણો અનેક જગ્યાએ દૂર થયાં છે પણ કોઈ અનિચ્છનીય બનાવો બન્યા નથી. સરકારી તંત્ર અને સરકાર આ માટે યશના ભાગીદાર છે. પણ સવાલ એય છે કે, આટલાં વર્ષોથી આ ગેરકાયદે દબાણો થયાં તો છેક હવે કેમ પગલાં લેવાયાં? શું સરકારને કે સરકારી તંત્રને ખબર નહોતી કે, આવાં દબાણો થયાં છે? ના, એવું તો નથી જ.
ચંડોળાની વાત કરીએ તો અહીં લલ્લા બિહારીનું રાજ હતું. રિસોર્ટથી માંડી ગેરકાયદે આખી વસાહત ચાલે. જાણે કે, આખું કોઈ શહેર વસાવ્યું ના હોય! આ બિહારી સામે અગાઉ ફરિયાદ પણ થઇ હતી અને છતાં સરકારી તંત્રે કોઈ પગલાં લીધાં નહોતાં. એનો મતલબ એ કે, બિહારીની પહોંચ ઉપર સુધી હતી. આવું જ અન્ય દબાણોમાંય કહી શકાય. એકાદ કિસ્સામાં આવાં દબાણો માટે કોઈ સરકારી અધિકારી કે રાજકારણીને જવાબદાર ઠેરવી દાખલો બેસાડવાની જરૂર છે જેથી કોઈ ગેરકાયદે દબાણ કરે નહિ અને હા, ગેરકાયદે દબાણ દૂર થયા પછી ત્યાં ફરીથી દબાણો ના થાય એ જોવાની જવાબદારી તંત્રની છે. કારણ કે અનેક કિસ્સામાં એવું બન્યું છે કે, એક વાર દબાણ હટાવાયા બાદ ફરી ત્યાં દબાણ થાય છે. એ ના થવું જોઈએ તો જ અત્યારે ચાલતી દબાણ દૂર કરવાની ઝુંબેશનો હેતુ બર આવશે. આવી ગેરંટી સરકાર કે તંત્ર આપશે ખરી?
કાશ્મીરમાં વિકાસ અને રોજગારી જ આતંકવાદ ખતમ કરશે
કાશ્મીરમાં પહેલગામમાં આતંકી હુમલા બાદ ફરી કાશ્મીરમાં શું થશે? શાંતિ ક્યારે સ્થપાશે? યુવાનોને રોજગારી કેમ મળશે? એવા સવાલો ફરી પુછાવા લાગે એ સ્વાભાવિક છે. કાશ્મીરમાં નવી સરકાર તો રચાઈ છે પણ એને રાજ્યનો દરજ્જો આપવો બાકી છે અને કેન્દ્રીય દળોની હાજરીથી જ રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા થઇ રહી છે. આતંકી હુમલાનો જવાબ તો સરકાર આપશે જ. એની શરૂઆત થઇ ચૂકી છે પણ રાજ્યમાં સ્થિતિ સામાન્ય કઈ રીતે થઇ શકે એ મુદે્ ચર્ચા થવી જોઈએ. કમનસીબે એ તરફ કોઈ વાત થતી નથી.
કાશ્મીરની અર્થવ્યવસ્થા મોટા ભાગે પર્યટન પર નિર્ભર છે, જે ઘણાં લોકો માટે રોજગારનો મુખ્ય સ્રોત છે. તાજેતરનાં વર્ષોમાં પર્યટનને કારણે રોજગારમાં વધારો થયો હતો, પરંતુ આતંકવાદી ઘટનાઓ અથવા અશાંતિ ફરી વધે તો પર્યટન ઠપ થઈ શકે છે, જેનાથી રોજગાર ઘટી શકે છે. ગયા વર્ષમાં પ્રવાસીઓની સંખ્યા ખાસી વધી અને આ વર્ષે પણ સિલસિલો ચાલુ હતો ત્યાં આતંકી હુમલાએ બ્રેક મારી દીધી. બાકી બેરોજગારી આ રાજ્યમાં ઘટી હતી. જમ્મુ અને કાશ્મીર સરકારના ડેટા મુજબ, 2019-20માં બેરોજગારી દર 6.7% હતો, જે 2023-24માં ઘટીને 6.1% થયો. આ સાથે લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ (LFPR) 64.3% અને વર્કર પોપ્યુલેશન રેશિયો (WPR) 60.4% સુધી વધ્યા, જે રોજગારની તકોમાં સુધારો દર્શાવે છે. પરંતુ આ સુધારો નાજુક છે અને તે સુરક્ષા અને રાજકીય સ્થિરતા પર નિર્ભર છે.
પણ આતંકી હુમલા બાદ ફરી ડરનો માહોલ છે. સરકારે પણ પચાસ જેટલાં પર્યટન સ્થળો પર પ્રવાસીઓ માટે બંધી ફરમાવી છે. સુરક્ષાનાં કારણોસર આવો નિર્ણય લેવો પડ્યો છે અને બીજી બાજુ આતંકી હુમલા બાદ કાશ્મીરમાં પ્રવાસીઓ ઘટ્યાં છે. લોકો ત્યાં જવાનું બુકિંગ કેન્સલ કરી રહ્યાં છે. આ પ્રમાણ બહુ મોટું છે. બીજી બાજુ , સોશ્યલ મિડિયામાં ખોટા પ્રકારે રોષ ઠલવાઈ રહ્યો છે. આતંકીઓ આ જ ઈચ્છે છે કે, અહીં બેરોજગારી વધે અને યુવાનોનું શોષણ કરી શકાય અને આવા બેરોજગાર અને હતાશ યુવાનોને આતંકી પ્રવૃત્તિમાં જોતરી શકાય. એટલે જરૂરી એ છે કે, પ્રવાસીઓ ત્યાં જતાં થાય. હા, સુરક્ષા જરૂરી છે જ. બાકી તો સરકાર કેટલાંક પગલાં ભરી રહી છે. સરકારે કાશ્મીરમાં રોજગાર વધારવા માટે અનેક પગલાં લીધાં છે, જેમ કે MSME માટે લોનની મર્યાદા 5 કરોડથી વધારીને 10 કરોડ કરવી, સ્ટાર્ટઅપ્સ માટે 10,000 કરોડનું ફંડ અને લેધર યોજના હેઠળ 22 લાખ લોકોને રોજગાર આપવાની યોજના. અલબત્ત આ બધી યોજનાનો અસરકારક અમલ તો જ થઈ શકે, જ્યારે રાજ્યમાં શાંતિની સ્થિતિ હોય.
જો આતંકવાદી ઘટનાઓ અથવા રાજકીય અશાંતિ વધે, તો પર્યટન અને બાહ્ય રોકાણ ઘટી શકે છે, જે રોજગાર પર નકારાત્મક અસર કરશે. એટલે જરૂરી છે કે, કાશ્મીરમાં રોજગાર તકોમાં વધારો થાય. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, જેમ કે રોડ, રેલવે અને ઔદ્યોગિક શહેરોનું નિર્માણ, નવી રોજગારની તકો ઊભી કરી શકે છે. સરકારે કાશ્મીરમાં સુરક્ષા મજબૂત કરવી જોઈએ અને પર્યટનને પ્રોત્સાહન આપવું જોઈએ. સ્થાનિક યુવાનો માટે કૌશલ વિકાસ અને સ્વરોજગાર યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આતંકવાદ વિરુદ્ધ કડક પગલાં અને આર્થિક વિકાસનું સંતુલન જાળવવું જરૂરી છે. આટલું થાય તો જ કશ્મીર સ્વર્ગ બની શકે.
કૌશિક મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.