સુરત: ડુમસની 2.17 લાખ ચો.મી. સરકારી પડતર જમીનમાં ગણોતિયાના નામ દાખલ કરવાનું કૌભાંડ થયું હોવાના આક્ષેપ સાથે આ મામલે તપાસની માંગણી કરવામાં આવી છે. કોંગ્રેસના તુષાર ચૌધરી અને દર્શન નાયકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી તપાસની માંગણી કરી છે.
પૂર્વ કેન્દ્રિય મંત્રી તુષાર ચૌધરી અને મહામંત્રી ગુજરાત પ્રદેશ સમિતિ કોંગ્રેસ દર્શન નાયકે મુખ્યમંત્રીને પત્ર લખી ફરિયાદ કરી છે કે, ડુમસ ખાતે સર્વે નં. 311/3૩ વાળી અંદાજિત 217216 ચોરસ મીટર જમીન આવેલી છે. આ જમીન સરકારી રેકર્ડ ઉપર વર્ષ 1948-49 થી સરકારી પડતર જમીન તરીકે નોંધાયેલી હતી. પરંતુ આ જમીનમાં નોંધ નં. 582 થી ગણોતિયા તરીકે “કૃષ્ણમુખલાલ ભગવાનદાસ” નું નામ દાખલ કરવામાં આવ્યું હતું.
જો કે અહી નોંધનીય બાબત એ છે કે સરકારી પડતરની જમીનમાં કોઈપણ વ્યક્તિનું નામ ગણોતિયા તરીકે કેવી રીતે આવી શકે?? જેથી સરકારની જમીનમાં ગણોતિયા તરીકે નામ દાખલ કરવામાં આવ્યું છે તે પ્રક્રિયા સદંતર ગેરકાયદેસર છે. જો કે નિયમ પ્રમાણે આ રીતે કોઈપણ વ્યક્તિનું નામ દાખલ કરવા માટેની સત્તા રેવન્યુ અધિકારી પાસે હોય છે.
કોઈપણ જમીનમાં નામ દાખલ કરતાં પહેલા રેવન્યુ અધિકારી તરફથી કારણ દર્શક નોટિસ આપવાની રહે છે. જે આ કિસ્સામાં રેવન્યુ અધિકારી તરફથી કરવામાં આવ્યું નથી. કોઈપણ પ્રકારના આધાર પુરાવાઓ વિના જ ગણોતિયાઓના નામ સરકારની જમીનમાં દાખલ કરી દેવામાં આવેલા હતા.
ત્યાર બાદ સર્વે નં. 311/3 વાળી જમીનનું ગણોતિયાઓ દ્વારા વખતો વખત વેચાણ કરાયું હતું અને ત્યારબાદ જમીનને બિન-ખેતી કરાવવા માટે જિલ્લા કલેકટર કચેરી ખાતે કાર્યવાહી કરવામાં આવી હતી. બાદમાં પ્રાંત અધિકારી દ્વારા તપાસ કરતાં સદર જમીન સરકારની હોય તેવું જાણવા મળ્યું હતું.
ગુજરાત હાઇકોર્ટમાં આ બાબતે એક રીટ પિટિશન પણ દાખલ કરવામાં આવી હતી. વર્ષ 2015 માં સીટી પ્રાંત દ્વારા આ જમીન બાબતે રિપોર્ટ પણ આપવામાં આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે આ જમીન સરકારની છે અને ખોટી રીતે ગણોતિયાઓના નામ દાખલ કરવામાં આવ્યા હતા.
ગુજરાત ગણોત ધારાની કલમ 4 હેઠળ જો કોઈ વ્યક્તિ કાયદેસર રીતે બીજા વ્યક્તિની જમીન ખેડતો હોય તો તેને ગણોતિયા તરીકે ગણવામાં આવે છે. પરંતુ સરકારી જમીનમાં ખેતી કરવાથી ગણોતિયો બની જવાય એવો ઉલ્લેખ કલમ 4 ની જોગવાઈમાં ક્યાંય જોવા મળતો નથી. એટલે અહીં સરકારી જમીનમાં ગણોતિયાના નામ દાખલ થઈ જાય એવો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.
જેથી અહી સ્પષ્ટ થાય છે કે તત્કાલીન કલેકટર દ્વારા તેમની બદલીના 2 દિવસ પહેલા મહામૂલી અને કિંમતી સરકારી જમીનમાં ખોટી રીતે ગણોતિયાના નામ દાખલ કરી દેવામાં આવ્યા છે. જે બાબતે સરકારી જમીનમાં નામ દાખલ કરવા અન્વયે ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયેલ હિય એવું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ આવે છે.