નડિયાદ: યાત્રાધામ ડાકોરમાં ગોમતીઘાટ ઉપર આવેલ શ્રી ડંકનાથ મહાદેવના અતિપ્રાચીન મંદિર બહાર છેલ્લાં ઘણાં વર્ષોથી ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે. જેને પગલે યાત્રાળુઓને અવરજવર કરવામાં ભારે હાલાકી પડી રહી છે. જેથી આ ગેરકાયદેસર દબાણ હટાવવા માટે ડાકોરની એક જાગૃત મહિલા લડત લડી રહી છે. પરંતુ, તંત્ર દ્વારા આ દબાણો દૂર કરવામાં આવતાં ન હોવાથી આખરે મહિલાએ ૧૫ મી ઓગસ્ટના દિવસે પાલિકા કચેરી ખાતે આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
યાત્રાધામ ડાકોરમાં આવેલ પવિત્ર ગોમતી તળાવના ઘાટ ઉપર શ્રી ડંકનાથ મહાદેવજીનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે. લાખો શ્રધ્ધાળુઓના આસ્થા સમાં આ મંદિરના ટ્રસ્ટીઓના વારસો દ્વારા મંદિરની બહાર સરકારી જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે દુકાનો બાંધી દેવામાં આવી છે. જેને પગલે મંદિર બહાર ભારે ભીડ સર્જાઈ રહી છે. જેનો ગેરલાભ ઉઠાવી ખિસ્સાકાતરૂઓ શ્રધ્ધાળુઓના મોબાઈલ, પાકિટ સહિત કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરી રહ્યાં છે. તદુપરાંત વાર-તહેવાર તેમજ રવિવારના દિવસો દરમિયાન મંદિર બહાર સર્જાતી ભારે ભીડ વચ્ચે ધક્કામુક્કીના દ્દશ્યો પણ સર્જાય છે. આવા સમયે મંદિરમાં દર્શનાર્થે આવતાં શ્રધ્ધાળુઓ ઉપરાંત ગોમતીઘાટ પર આવતાં યાત્રાળુઓને અવરજવર કરવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
ત્યારે યાત્રાળુઓને પડતી તકલીફોના નિવારણ માટે ડાકોરમાં રહેતાં હેમંતીબેન કૃષ્ણવદન ઉપાધ્યાય નામની એક મહિલા છેલ્લાં ઘણાં વર્ષોથી અવાજ લડત લડી રહી છે. ગેરકાયદેસર દબાણ દૂર કરવાની માંગ સાથે હેમંતીબેને નગરપાલિકા સહિત ઉચ્ચ કક્ષા સુધી રજુઆતોનો મારો ચલાવ્યો છે. તેમછતાં સરકારી તંત્ર દ્વારા આજદિન સુધી આ ગેરકાયદેસર દબાણ હટાવવાની દિશામાં એક પગલું પણ ભર્યું નથી. જેને પગલે રોષે ભરાયેલી મહિલાએ ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરી ૧૫ ઓગસ્ટ સુધીમાં દબાણ હટાવવા અલ્ટીમેટમ આપ્યું છે. તેમછતાં જો દબાણ હટાવવામાં નહીં આવે તો મહિલાએ ૧૫ મી ઓગસ્ટના રોજ નગરપાલિકા કચેરીમાં આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ચીફ ઓફિસરે ઉડાઉ જવાબ આપ્યો
મંદિર બહાર ઘર કરી ગયેલાં ગેરકાયદેસર દબાણ દૂર કરાવવા માટે હેમંતીબેન છેલ્લાં ઘણાં વર્ષોથી લડત લડી રહ્યાં છે. પરંતુ તંત્ર દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરવા તેમજ ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે કોઈ પગલાં ભરવામાં આવતાં નથી. જેથી હેમંતીબેન ગત તા.૧૧-૭-૨૨ ના રોજ આ મામલે ડાકોર નગરપાલિકાના ચીફઓફિસર સંજયભાઈ પટેલને મૌખિક રજુઆત કરવા માટે ગયાં હતાં. તે વખતે ચીફ ઓફિસર દ્વારા ઉધ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું હતું અને તમારે જે કરવું હોય તે કરો, અમારી પાસે સમય નથી તેવો ઉડાઉ જવાબ આપવામાં આવ્યો હોવાના આક્ષેપ હેમંતીબેન દ્વારા કરવામાં આવ્યાં છે.