Dakshin Gujarat

વલસાડના વલવાડાની ગૌચરણની જમીનમાં મોટી કંપનીઓ દ્વારા થયેલું દબાણ દૂર કરવા માંગ

વલસાડઃ વલસાડના ઉમરગામ તાલુકાના વલવાડા ગામની ગૌચરણની જમીનનો વિવાદ વધુ વક્ર બની રહ્યો છે. ગામની ગૌચરણની જમીનમાં વહીવટીતંત્રે ચોક્કસ લોકોના દબાણો દૂર કરતા લોકોમાં ભારે આક્રોષ ફેલાયો છે. તેમણે આ સંદર્ભે આજરોજ વલસાડ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી અહીંની ગૌચરણની જમીનમાં મોટી કંપનીઓ તેમજ કેટલાક દુકાનદારો દ્વારા થયેલા દબાણો દુર કેમ નથી થતા એવો પ્રશ્ન કરી તેમના દબાણો પણ દૂર કરવા રજૂઆત કરી છે.

  • વલવાડા ગામના લોકોએ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી પહોંચી આવેદનપત્ર આપ્યું
  • વહીવટી તંત્ર દ્વારા કેટલાક લોકોને ટાર્ગેટ બનાવી થોડા દબાણો દૂર થયા બાકીના જેમના તેમ

વલવાડા ગામના રહીશોએ આજે કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું કે, તેમના ગામની જૂના સરવે નં. 27 તથા નવા સરવે નં. 445 તથા 447 વાળી જમીનમાં નાહુલી ગામના રહીશો દ્વારા ખોટી રીતે દુકાનો મકાનો ભાડી આપી ગૌચરણની જમીનમાં દબાણ કર્યા છે. તેમજ કેટલીક મોટી મોટી પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ પણ ગૌચરણની જમીનમાં પાકા રસ્તાઓ બનાવી કબજો કર્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ગામની ગૌચરણની જમીનમાં ઇલેક્ટ્રોપેક, શૈલેષ એન્જિનિયરીંગ વર્કસ, નેશટેક ઇન્સ્ટ્રુમેન્ટ પ્રા. લિ., નાઇશપેક ઇન્ડસ્ટ્રીઝ, આર્ચર્સ ફાર્મ ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લિ., રિદ્ધી પ્રિન્ટ પ્રા. લિ. ગ્લોબલ ફાર્મા, આશાપુરા હાઇડ્રોલિક પ્રા. લિ., શ્રી સાંઇ એન્જિનિયરીંગ, જય ગ્રાફીટેક, સોનેજી એન્જિનિયરીંગ પ્રા. લિ. જેવી કંપનીઓએ ગૌચરણની જમીનમાં પાકો ડામર અને આર. સી. સી. રોડ બનાવી દબાણ કરી તેનો વપરાશ કરી રહ્યા છે. તેમજ કેટલાક લોકો ગૌચરણની અંદાજીત 5 એકર જમીનમાં ખેતી કરી તો કેટલાક લોકો મકાનો બનાવી તેને ભાડે આપી આવક કરી રહ્યા છે.

ગામના કેટલાક લોકોએ પોતાના રહેણાક માં અવર જવર માટે ગૌચરણની જમીનમાં પાકો માર્ગ બનાવી દઇ દબાણ કર્યું છે. આ તમામ લોકો સામે કેમ કાર્યવાહી થતી નથી. એવા પ્રશ્ન સાથે તેમણે તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવા કલેક્ટરને રજૂઆત કરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ચોક્કસ લોકોના દબાણો હટાવાયા છે. જેઓ વર્ષોથી પોતાના ખેતરમાં જવા માટે માર્ગનો ઉપયોગ કરતા હતા. હવે તેમના માટે પોતાના જમીનમાં જવા માટે માર્ગ મળતો નથી. જેના કારણે મામલો ગરમાયો હતો.

Most Popular

To Top