વડોદરા : શહેરના સયાજીબાગમાં આવેલ ગુજરાતના સૌથી મોટા બરોડા મ્યુઝિયમમાં કોરોના કાળ દરમ્યાન લોકોની ભીડ ઘટાડવા ટિકિટનો દર 10 રૂપિયાથી વધારીને 100 રૂપિયા કરાયો હતો . જોકે , હાલના સમયે કોરોનાનું સંક્રમણ નહિવત થતાં ટિકિટનો દર ઓછો નહીં કરાતાં લોકોમાં નારાજગી જોવા મળી છે . અને તિમિતનો દર ઘટાડવાની માંગ કરવામાં આવી છે.વડોદરા શહેરના બરોડા મ્યુઝિયમમાં આપણા ઇતિહાસ ઉપરાંત વિશ્વભરની બેનમૂન ચીજવસ્તુઓની ધરોહરને એક સદી કરતા પણ વધુ સમયથી સાચવીને રાખનવામાં આવેલી છે. બરોડા મ્યુઝિયમની સ્થાપના 1 જૂન 1894 ના રોજ કરવામાં આવી હતી .
આ મ્યુઝિયમની સ્થાપનાને બરાબર 128 વર્ષ પૂર્ણ થયા છે . કોરોના પહેલાં અહીં પ્રવેશ માટે 10 રૂપિયાની ટિકિટ હતી અને દર વર્ષે સરેરાશ 3 લાખ મુલાકાતી આવતા હતા. કોરોનાને ટાળવા ટિકિટનો દર રૂ. 100 કરી દેવાતા મહિને માંડ 5 હજાર લોકો આવતા હતા . જોકે , હવે કોરોનાની ત્રણ લહેરો પસાર થઈ જવા છતાં ટિકિટનો દર રૂ . 100 યથાવત રખાતા મ્યુઝિયમ જોવા આવતા લોકોએ નિરાશ થઈને પાછા જવું પડે છે . જેથી અનેક લોકો આ જ્ઞાનના ભંડારનો લાભ લેવાથી વંચિત થઇ રહ્યા છે , ત્યારે હાલ તો સહેલાણીઓ દ્વારા ટિકિટના દરમાં ઘટાડો કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
બરોડા મ્યુઝિયમમાં જે સંગ્રહ છે તે લોકો , વિધાર્થીઓ અને યુવકો તેમજ રિસર્ચર્સ માટે તેમના જ્ઞાનમાં વધારો કરવાનું માધ્યમ છે . એટલે કે , આ હરવા કરવાના સ્થળ કરતા લોકોના જ્ઞાન અને સાંસ્કૃતિક વારસાને જાણવાનું માધ્યમ છે. કોરોના કાળ પૂરો થયો અને બધું નોર્મલ થયું. કોરોના ની હોસ્પિટલોમાં પણ દર્દીઓ દાખલ નથી. કોરોના ના કારણે રેલવેના વધેલા પ્લેટફોર્મ ટિકિટ સહિતના ભાડા ઘટ્યાં હવાઈ મુસાફરી પણ ન્યુ નોર્મલ થઈ ગઈ પરંતુ બરોડા મ્યુઝિયમ ના ટિકિટના દર હજુ સુધી ઘટાડો નથી.બરોડા મ્યુઝિયમના ક્યુરેટર વિજય પટેલના જણાવ્યાનુસાર અમે સરકારને ટિકિટના દર ઘટાડવા માટે પ્રપોઝલ આપી દીધેલી છે.