સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાની ચૂંટણી (Election) જાહેર થાય તે પહેલા નવા વોર્ડ સીમાંકનને લઇ શહેરના મુસ્લિમ (Muslims) સમાજના આગેવાનોએ રાજકીય પ્રતિનિધિત્વને લઇ આજે શાહપોરમાં મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં સુરત શહેરમાં વસ્તી અને મતદારોની સંખ્યા પ્રમાણે લઘુમતિ સમાજને પ્રતિનિધિત્વ આપવા કોંગ્રેસ (Congress) સમક્ષ માંગ કરવાનો નિર્ણય કરાયો હતો. નવા વોર્ડ સીમાંકન પછી લઘુમતિ ઉમેદવારો જીતી શકે તેવી ગણતરીની સામાન્ય બેઠકો બચી છે. ત્યાં અનામત કેટેગરીના ઉમેદવારને ટિકિટ નહીં આપવા પર પણ ભાર મુકવામાં આવ્યો હતો.
બેઠકમાં થયેલી ચર્ચા પ્રમાણે, ખાસ કરીને નવા વોર્ડ સીમાંકનના મુસ્લિમ અને દલિત મતોનું વિભાજન એ રીતે કરવામાં આવ્યું છે કે લઘુમતિ સમાજ માત્ર બિન અનામત બેઠકો પર ચૂંટણી લડી શકે. સમાજ દ્વારા વોર્ડનંબર-12 નાણાવટ- સૈયદપુરા- કુબેરનગર-મહિધરપુરા, રાંદેર-વરિયાવ, સલાબતપુરા-સગરામપુરા, લિંબાયત-ઉન જેવી બેઠકો પર મુસ્લિમ સમાજને વર્ષોથી પ્રતિનિધિત્વ મળતું હતું. તે જાળવી રાખવામાં આવે. બેઠકમાં મુસ્લિમ સમાજના અ.રઉફ મણિયાર, સલીમ ચાંદીવાલા,જયેશ પટેલ(ચિંતામણી), માજી કોર્પોરેટર અસદ કલ્યાણી, લાલખાન પઠાણ શિક્ષણ સમિતિના માજી સભ્ય સફી જરીવાળા, ડીઆરયુસીસી સભ્ય હબીબ વ્હોરા, માજી ડીઆરયુસીસી સભ્ય ઇકબાલ મોઅલ્લીમ, સૈય્યદ સિરાજ, કાદર સેલોત, સાલેવી બાપુ, ઐય્યુબ પટેલ, આરીફ બાવા સૈય્યદ સહિતના 300 જેટલા આગેવાનો હાજર રહ્યાં હતાં.
લઘુમતિ સમાજના આગેવાનો દ્વારા ભૂપેન્દ્ર સોલંકી સામે રોષ વ્યક્ત કરાયો
લઘુમતિ સમાજના અગ્રણીઓ અસદ કલ્યાણી, લાલખાન પઠાણે અગ્રણીઓને સંબોધતા જણાવ્યું હતું કે વોર્ડનંબર-12, નાણાવટ- સૈયદપુરા- કુબેરનગર-મહિધરપુરામાંથી વર્તમાન કોર્પોરેટર ભુપેન્દ્ર સોલંકીને ટિકિટ નહીં આપવા સમાજમાંથી સૂર ઉઠ્યો છે. ભૂપેન્દ્ર સોલંકી વોર્ડમાં રહેતા નથી અને વોર્ડમાં દેખાતા પણ નથી. જેથી લઘુમતિ વિસ્તારોની હાલત કફોડી થઈ ગઈ છે. પાંચ ટર્મ મેઘજી ભાઇ સોલંકી અને પાંચ ટર્મ ભુપેન્દ્ર સોલંકી ચૂંટાયા હતા. દસ ટર્મથી એકજ પરિવારને ટિકિટ આપવામાં આવી રહી છે. ભૂપેન્દ્ર સોલંકીને કોંગ્રેસ ટિકિટ આપવા માંગતી હોય તો વોર્ડ નંબર-8 સિંગણપોર-ડભોલીની અનામત બેઠક પર ટિકિટ આપી શકે છે. તે ઉપરાંત વોર્ડનંબર-6 કતારગામમાં પણ 20 હજાર એસસી અને 4000 મુસ્લિમ મતદારો છે. ત્યાં ટિકિટ આપી શકે છે.જો વોર્ડનંબર-12માં સોલંકીને ટિકિટ આપવામા આવશે તો પક્ષને તેના પરિણામો ભોગવાની ચીમકી પણ આપવામાં આવી છે.
ભાજપના પીઠબળથી ચૂંટણી લડતા ઓવૈસીના એમઆઇએમના ઉમેદવારોને લઇ જાગૃતી અભિયાન ચલાવાશે
શાહપોરમાં મળેલી શહેરના મુસ્લિમ સમાજના આગેવાનોની બેઠકમાં ભાજપના પીઠબળથી ચૂંટણી લડતા ઓવૈસીના એમઆઇએમના ઉમેદવારોને લઇ જાગૃતી અભિયાન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એમઆઇએમ દ્વારા માત્ર લઘુમતિ મતોનું વિભાજન કરવા અને ભાજપને લાભ કરાવવાજ ઉમેદવારો ઉતારવામાં આવે છે. જે બિહાર ચૂંટણીના પરિણામ પરથી જોવા મળે છે.