Comments

કર્ણાટકમાં ત્રણ ત્રણ નાયબ મુખ્યમંત્રી માટે ડિમાન્ડ

કર્ણાટકમાં કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીઓમાં 224માંથી 135 બેઠકો મેળવી ત્યારથી જ મુખ્યમંત્રીપદ માટે ઝઘડા શરૂ થયા હતા તે આજ દિવસ સુધી ચાલુ છે, બલ્કે વધુ વકર્યા છે. એ વખતે મુખ્યમંત્રી સિદ્ધારામૈયા અને નાયબ મુખ્યમંત્રી ડી. કે. શિવકુમાર વચ્ચે મુખ્યમંત્રી બનવાની હોડ જામી હતી અને મુખ્યમંત્રીપદ જતું રહેશે તેમ લાગ્યું ત્યારે સિધ્ધારામૈયાએ પત્રકારો તેમજ અન્ય લોકો સાથે ગુસ્સાના આવેશમાં અસભ્ય વર્તન કર્યું હતું.

કર્ણાટકની ચૂંટણીઓ જીતવામાં ધનપતિ અને ઉદ્યોગપતિ ડી. કે. શિવકુમારનું મહત્ત્વનું યોગદાન હતું. એ કર્ણાટકમાં મહત્ત્વની ગણાતી વોકાલિગા જ્ઞાતિના આગેવાન છે. બીજી તરફ સિધ્ધારામૈયા કુરુબા જાતિનાં આગેવાન છે અને કર્ણાટકમાં ‘અહિંદ’ તરીકે જાણીતી જ્ઞાતિજાતિ (જેમાં લઘુમતીઓ, દલિતો અને પછાત જાતિઓનો સમાવેશ થાય છે) પર સિધ્ધારામૈયાની સારી એવી પકડ છે.

હાલમાં બન્નેની છાવણીઓ વચ્ચે વિખવાદ એટલો ઉગ્ર બન્યો છે કે સિધ્ધારામૈયા છાવણી પક્ષ સમક્ષ માગણી કરી રહી છે કે કોઇ અન્ય જ્ઞાતિની વ્યક્તિની નાયબ મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરવામાં આવે. ડી. કે. શિવકુમાર કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ પણ છે. સિધ્ધારામૈયા કેમ્પ એ માગણી પણ કરી રહ્યો છે કે ‘એક વ્યક્તિ એક પદ’ની પક્ષની નીતિને વળગી રહેવામાં આવે અને ડી.કે. શિવકુમારને બેમાંથી કોઇ એક પદ પરથી હટાવવામાં આવે. સામે પક્ષે શિવકુમારની છાવણી મુખ્યમંત્રી પદથી સિધ્ધારામૈયાને હટાવવાની માગણી કરી રહ્યો છે.

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો આવ્યા બાદ બન્ને કેમ્પ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતું. ત્યાં સુધી કે કોંગ્રેસ મોવડીમંડળે દરમિયાનગીરી કરવી પડી હતી. એ વખતે સત્તા વહેંચણીની ફોર્મ્યુલા અપનાવવામાં આવી હતી. અઢી વર્ષ સિધ્ધારામૈયા અને અઢી વર્ષ બાદ ડી. કે. શિવકુમાર મુખ્યમંત્રી બને નેવી ફોર્મ્યુલા પણ વિચારવામાં આવી હતી અને તે અમલમાં મૂકાશે તેમ કહેવાયું હતું. હવે શિવકુમારની છાવણીએ સમજૂતીની મોવડીમંડળને યાદ અપાવી રહી છે. કહે છે કે મે 2023માં આજથી ચૌદ મહિના અગાઉ થયેલી એ ગુપ્ત સમજૂતીનું સિધ્ધારામૈયા પાલન નથી કરી રહ્યાં.

એ સમજૂતી પ્રમાણે રાજ્યના શાસનમાં ડી. કે. શિવકુમારને પણ મહત્ત્વનો ભાવ આપવાની વાત છે. જયારે એ અગ્નિ ભારી દેવામાં આવ્યો ત્યારે શિવકુમારને એક સાથે બે પદ પર ટકી રહેવાની છૂટ અપાઇ હતી. એ વખતે એવી પણ ચર્ચા થઇ હતી કે એકને બદલે વધુ નાયબ મુખ્યમંત્રીઓ રાખવા. આ જૂની સમજૂતીનો અમલ કરવાની માગણીઓ હમણાંની લોકસભાની ચૂંટણીઓ અગાઉ જોર પકડયું હતું. કર્ણાટકના સહકાર ખાતાના પ્રધાન કે.એન. રાજન્નાએ ત્રણ જાતિઓ, લિંગાયત, દલિત અને લઘુમતિ (મુસ્લિમ કે ખ્રિસ્તી સમાજો) માંથી એક એક નાયબ મુખ્યમંત્રી પસંદ કરવાની પક્ષના મોવડી મંડળ સમક્ષ માંગણી કરી છે.

એક રાજ્યમાં ત્રણ ત્રણ નાયબ મુખ્યમંત્રીઓ તો જ નિમાય જો પક્ષના મોવડીમંડળે બુદ્ધિનું દેવાળું ફૂંકયું હોય. તેમ કરે તો કોંગ્રેસની શાખ રાજ્યમાં અને દેશભરમાં બગડે. પણ ડી. કે. શિવકુમારને હતોત્સાહ કરવા માટે આવી માંગણી થઇ રહી છે. મોવડીમંડળ તરફથી કર્ણાટકના કોંગ્રેસી નેતાઓને સંપીને કામ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ પ્રકારની માંગણીને શિવકુમારના સાથીદારો શિવકુમારની વગ ઘટાડવાના પ્રયત્ન તરીકે જોઈ રહ્યા છે. શિવકુમાર મુખ્યમંત્રી બનાવવાની માંગણી ન કરે તે માટે આમ થઇ રહ્યું છે.

પછાત જાતિઓ અને લઘુમતીઓમાંથી એક એક નાયબ મુખ્યમંત્રી નિયુકત કરાશે તો કર્ણાટકમાં કોંગ્રેસનો આત્મવિશ્વાસ વધશે તેમ રાજન્નાનું કહેવું છે અને સિધ્ધારામૈયા છાવણીના નેતાઓ અને પ્રધાનો આ માંગણીને જાહેરમાં ટેકો આપી રહ્યાં છે. રાજય એકમના પક્ષપ્રમુખ હોવાને નાતે ડી. કે. શિવકુમાર માગણી કરનારા એ નેતાઓ સામે શિસ્તભંગનાં પગલાં લેવાની ચેતવણી આપી રહ્યા છે છતાં એ સિધ્ધારામૈયા છાવણીના નેતાઓ અનેક નાયબ મુખ્યમંત્રીઓ નીમવાની વાતનું રટણ કરતા રહે છે તેનો અર્થ એ કે એ તમામની પાછળ મુખ્યમંત્રી સિદ્ધારામૈયાનો દોરીસંચાર છે.

કર્ણાટકમાં કોંગ્રેસને આગળ લાવવામાં ડી. કે. શિકુમારનું તનમન અને ધનથી યોગદાન રહ્યું છે. શિવકુમારે ભાજપ પક્ષનો સરકાર રચવાનો પ્રયત્નોનો પ્રચંડ મુકાબલો કર્યો હતો. એ સોનિયા ગાંધીની ગુડબૂકમાં છે, પણ એવડા મોટા માસ લીડર નથી જેવડાં સિધ્ધારામૈયા છે. શિવકુમારે કોંગ્રેસ પક્ષને કર્ણાટકમાં રાખમાંથી ઊભો કર્યો છે અને પ્રચંડ દબાણ હોવા છતાં પક્ષ પ્રત્યેની વફાદારીમાં કયારેય આંચ આવવા દીધી નથી. એ પણ ખરું છે કે શિવકુમારની અથાક મહેનતને પરિણામે જે કર્ણાટકમાં પક્ષ સત્તા પર આવ્યો છે.

સાર એ કે શિવકુમાર કોઇ માથે પડેલા નેતા નથી. શિસ્તમાં માનતા હોવાને કારણે મોવડીમંડળે જે સમાધાન કરાવ્યું તેને માન્ય પણ રાખ્યું હતું અને વિધાનસભાની ચૂંટણીઓ માટેના પ્રચારમાં એમણે એ જ નીતિ અપનાવી હતી કે કેન્દ્રીય મોવડીમંડળ જે નિર્ણય લેશે તેને એ માન્ય રાખશે. સામે પક્ષે સિધ્ધારામૈયા એવડા ઉમદા કેલિબરનાં નેતા નથી. કર્ણાટકમાં લોકસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસને નવ બેઠકો મળી તેનો યશ પણ ડી. કે. શિવકુમારને અપાઇ રહ્યો છે. શિવકુમારના ટેકેદારો કહે છે કે પક્ષને યોગ્ય લાગે એટલા નાયબ મુખ્યમંત્રીઓ ભલે નીમે, પરંતુ હવે મુખ્યમંત્રી શિવકુમારને જ બનાવવા જોઈએ. કર્ણાટકમાં રાજકારણ પર ધર્મકારણનો પણ ઘણો પ્રભાવ રહે છે. દરેક જાતિના ધાર્મિક વડાઓ પોતપોતાના અનુયાયીઓને નાયબ બનાવવા માટેની પેરવીમાં પડી ગયા છે અને તે પ્રકારનાં નિવેદનો આપી રહ્યા છે.

વિશ્વ વોકાલિગા મહાસંસ્થા મઠના પ્રમુખ અધિષ્ઠાતા શ્રી ચન્દ્રશેખર નાથ સ્વામીજીએ એક સભામાં મુખ્યમંત્રી સિધ્ધારામૈયા અને નાયબ મુખ્યમંત્રી ડી. કે. શિવકુમારની મંચ પર હાજરી વચ્ચે કહ્યું કે સિધ્ધારામૈયએે હવે મુખ્યમંત્રી પદ પરથી હટી જવું જોઈએ. એ બોલ્યા કે દરેક જણને સત્તાનો આનંદ લેવાની તક મળવી જોઈએ અને હવે શિવકુમારનો વારો છે. સ્વામીએ શિવકુમાર માટે પદ ખાલી કરવાની સિધ્ધારામૈયાને વિનંતી કરી. આ પ્રકરની વિનંતીઓને ભલે સિધ્ધારામૈયા જેવા અનુભવી નેતા ઘોળીને પી જતાં હોય, પણ જાહેરમાં આ વિચારો વ્યક્ત થાય તે કોંગ્રેસ અને રાજય સરકાર માટે નુકસાનકારક જરૂર નિવડે. 2019માં સિધ્ધારામૈયાની કુરુબા જાતિના એક સ્વામીએ સિધ્ધારામૈયાને મુખ્યમંત્રી બનાવવાની જાહેરમાં માગણી કરી હતી.

લિંગાયત સમાજના સ્વામીઓ હંમેશા બીજેપીના બી.એસ. યેદીયુરપ્પાના સમર્થનમાં બોલતાં રહ્યા છે. હાલમાં લિંગાયતોના મઠોના બે સ્વામીઓ કોઇ લિંગાયતને મુખ્યમંત્રી તરીકે નીમવાની માગણી વારંવાર કરતા રહે છે. કર્ણાટકમાં ધર્મ અને રાજકારણની ખૂબ સેળભેળ થઇ ગઇ છે. સામે પક્ષે ‘અહિંદ’ જૂથના કર્ણાટકના નેતાએ ચેતવણી આપી છે કે જો સિધ્ધારામૈયાને મુખ્યમંત્રીપદેથી દૂર કરાશે તો તેઓ રાજ્યવ્યાપી વિરોધ-આંદોલન શરૂ કરશે. તેના નેતા પ્રભુલિંગા ડોડામણીનું કહેવું છે કે, ‘સિધ્ધારામૈયાને દૂર કરાશે તો કર્ણાટકમાંથી કોંગ્રેસનું અસ્તિત્વ જ ભૂંસાઈ જશે.’.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top