Vadodara

બોરસદના ગામડાંમાં બિસમાર માર્ગોના નવિનીકરણ માટે માંગ

બોરસદ, તા.12
બોરસદ તાલુકામાં છેલ્લા ઘણા વર્ષોથી મહત્વના માર્ગો ખખડધજ બની ગયા હોવાથી વાહનચાલકો સહિત સ્થાનિક નાગરિકો ભારે પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે. જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયેલા માર્ગ પરથી પસાર થવા માટે ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે.
બોરસદ તાલુકાના વિવિધ ગામોમાંથી તાલુકા મથક સાથે જોડતા મોટાભાગના માર્ગો ઘણા સમયથી વાહનોની અવરજવર માટે જોખમરૂપ બની ગયેલ છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારો માટે મહત્વની સુવિધા સમાન પાકા ડામર રોડ દિન પ્રતિદિન જર્જરિત અને ખાડા ખરબચડા બની ગયા છે. માર્ગ નવિનીકરણ માટે સંબંધિત વિભાગ સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવતી હોવા છતાં તંત્ર બેફિકર થઇને નિષ્ઠુર બની જનતાની હાલાકીનો તમાશો નિહાળી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.બોરસદના એકબીજા ગામોને જોડતા માર્ગ તેમજ જીલ્લા તાલુકા મથકોને જોડતા માર્ગ ઠેક ઠેકાણે તુટી ગયેલ છે. કેટલાક માર્ગો પર મોટા મોટા ખાડા થઈ ગયેલ હોવાથી વાહનચાલકોમાં અકસ્માતની ભિતી પ્રવર્તી રહી છે. બોરસદમાં મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં ખખડધજ બનેલા માર્ગોનું નવિનીકરણ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.

Most Popular

To Top