સુરત: અત્યાર સુધી રેડીમેઇડ ગારમેન્ટ અને ફેબ્રિક્સના ઉત્પાદનમાં મુંબઇ, તિરુપુર અને લુધિયાણા અગ્રેસર હતાં પરંતુ ટેકનોલોજી અપગ્રેડેશન સ્કિમમાં ગારમેન્ટ સેક્ટરનો પણ સમાવેશ થતાં સુરતમાં કાપડના વેપારીઓએ રેડીમેઇડ ગારમેન્ટ અને ફેબ્રિક્સનું ઉત્પાદન શરૂ કર્યું છે. 5 વર્ષમાં અગાઉ જ્યા માત્ર 100-200 વેપારીઓ સુરતમાં માલ લાવતા હતાં તેને બદલે હવે 5 હજાર વેપારીઓ દેશભરમાં અને વિદેશમાં સુરતમાં તૈયાર થતી પ્રોડક્ટ મોકલાવી રહ્યાં છે. દુબઇ, અમેરિકા, બાંગ્લાદેશ અને તુર્કી જેવા દેશોમાં સુરતમાં તૈયાર થતા રેડીમેઇડ ગારમેન્ટ અને ફેબ્રિક્સની ડિમાન્ડ વધી છે.
- દુબઇ, અમેરિકા, બાંગ્લાદેશ અને તુર્કી જેવા દેશોમાં સુરતમાં તૈયાર થતા રેડીમેઇડ ગારમેન્ટ અને ફેબ્રિક્સની ડિમાન્ડ વધી
- માત્ર 3 વર્ષમાં આ સેક્ટરમાં વેપાર કરનારાની સંખ્યા 5 હજાર પર પહોંચી
સુરતના વિવર્સ હવે વેલ્યુ એડિશન તરફ વધી રેપિયર અને વોટર જેટ મશીન પર ડેનિમ અને લિનન બનાવી રહ્યાં છે. કોટન અને પોલિએસ્ટર ફેબ્રિક્સનો ઉપયોગ કરી ગારમેન્ટ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. જે ઉત્તર ભારતના રાજ્યોમાં મોકલવામાં આવે છે ખાસ કરીને ડોમેસ્ટિક માર્કેટમાં કુર્તી, કુરતા અને લહેંગાની ડિમાન્ડ વધુ જોવા મળી રહી છે તે ઉપરાંત સ્ટ્રેચેબલ વસ્ત્રો અને શૂટિંગ-શર્ટિંગ પણ સુરતમાં જ તૈયાર થઇ રહ્યું છે. પ્રોસેસિંગ મિલો પણ એડવાન્સ ટેક્નોલોજી સાથે ગારમેન્ટિંગનું કામ કરી રહી છે.
SGTPAના પ્રમુખ જીતેન્દ્ર વખારિયાએ જણાવ્યું હતું કે પ્રોસેસિંગ એકમોએ એડવાન્સ ટેક્નોલોજી વિક્સાવી મિલોમાં જ ગારમેન્ટનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું છે. સચિન, પલસાણા અને પાંડેસરામાં અત્યારે આ પ્રકારના ગારમેન્ટનું ઉત્પાદન થઇ રહ્યું છે. ટેક્સટાઇલ ઉદ્યોગના અગ્રણી આકાશ ભાદાણી કહે છે કે સુરતમાં તૈયાર થતી પ્રોડક્ટની બાંગ્લાદેશ અને યુએઇમાં ખુબ ડિમાન્ડ છે. સુરતમાં અત્યારે 125 મેન્યુફેક્ચરિંગ યુનિટ ગારમેન્ટિંગ અને ફેબ્રિક્સનું ઉત્પાદન કરી રહ્યા છે. 80 ટકા પ્રોડક્સનનો માલ અત્યારે આ બે દેશોમાં જઇ રહ્યો છે કેટલોક માલ સુરતથી દિલ્હી ગયા પછી સ્ટિચિંગ અને વેલ્યુ એડિશન થયાપછી અમેરિકાના માર્કેટમાં પણ માલ જઇ રહ્યો છે.