સુરતનાં સણીયા હેમાદ ગામમાં આવેલા તળાવમાં તાજેતરમાં મોટા પાયે માછલીઓના મૃત્યુ જોવા મળ્યા છે. ગામના રહેવાસીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના નજીકના ઇન્ડસ્ટ્રીઝ અને અન્ય ઔદ્યોગિક એકમો દ્વારા અનટ્રીટેડ (અશુદ્ધ) કેમિકલયુક્ત અને પ્રદુષિત પાણીના નિકાલને કારણે બની છે.
આ કેમિકલ્સમાં ઘાતક રસાયણો (જેમ કે હેવી મેટલ્સ, એસિડ્સ અને ટોક્સિક વેસ્ટ)નું પ્રમાણ વધારે છે, જેના કારણે પાણીનું pH લેવલ અને ઓક્સિજનનું પ્રમાણ અસામાન્ય રીતે ઘટી જાય છે. આના પરિણામે સંખ્યાબંધ માછલીઓ અને જળચર જીવોનું મોટા પ્રમાણમાં મૃત્યુ થઈ રહ્યાં છે.
આ તળાવ ગામના રહેવાસીઓ માટે પીયત પાણી, સિંચાઈ અને જીવનધોરણનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે પરંતુ આ પ્રદૂષણને કારણે માછલીઓ ઉપરાંત અન્ય જળચર જીવસૃષ્ટિ પણ મરી રહી છે, જેનાથી પર્યાવરણને ગંભીર નુકસાન થઈ રહ્યું છે. આસપાસના કૃષિભૂમિ અને વનસ્પતિને પણ આ પ્રદુષણ ફેલાઈને નુકસાન પહોંચાડી રહ્યું છે, જેના કારણે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે અને પક્ષીઓ તથા અન્ય વન્યજીવોનું વાસસ્થાન નષ્ટ થઈ રહ્યું છે.
ગામના વાસીઓના આરોગ્ય પર પણ ખતરો મંડરાઈ રહ્યો છે. આ ઘટના પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ, 1986 અને વોટર (પ્રદુષણ અટકાવવા અને નિયંત્રણ) અધિનિયમ, 1974ના ઉલ્લંઘનનું સ્પષ્ટ ઉદાહરણ છે.
જીપીસીબી સામે બેદરકારીના આક્ષેપ
આ મામલે ખેડૂત અગ્રણી અને કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે સુરત જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી છે. નાયકે કહ્યું કે, આ ઘટના માત્ર સણીયા હેમાદ સુધી મર્યાદિત નથી પરંતુ સમગ્ર સુરત જિલ્લામાં આવી પ્રદૂષણજન્ય ઘટનાઓ વારંવાર બનતી જોવા મળે છે. ભૂતકાળમાં સેનાખાડી, કીમ નદી, મીંઢોણા નદીમાં આવી જ રીતે માછલીઓ સહિતની જીવ સૃષ્ટિણે નુકસાન થવાની ઘટના બની હતી.
સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા વારંવાર આવી ઘટનાઓની ફરિયાદો કરવામાં આવી હતી પરંતુ કોઈ અસરકારક કાર્યવાહી થઈ નથી. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જવાબદાર અધિકારીઓ માત્ર કાગળ ઉપર નામ પુરતી કાર્યવાહી કરે છે. પરંતુ જે અસરકારક કાર્યવાહી થવી જોઈએ એ કાર્યવાહી GPCB નાં જવાબદાર અધિકારીઓ દ્વારા કરવામાં આવી નથી.
GPCB જવાબદાર અધિકારીઓની પોતાની ફરજ પ્રત્યેની બેદરકારી અહિયાં સ્પષ્ટ દેખાઈ આવે છે. ઔદ્યોગિક વિસ્તારોમાંથી નીકળતા અશુદ્ધ ઝોરણામાંથી કારણે નદીઓ, તળાવો અને જળસ્ત્રોતો ઝેરી બની રહ્યા છે, જેનાથી માછીમારો, ખેડૂતો અને સ્થાનિક રહેવાસીઓના જીવન પર સીધો અસર પડે છે. આવી અવગણના પર્યાવરણ સંરક્ષણ કાયદાઓનું ઉલ્લંઘન છે અને તાત્કાલિક તપાસની જરૂર છે.
શું રજૂઆત કરી?
- સણીયા હેમાદ તળાવની તાત્કાલિક તપાસ કરવી અને પ્રદૂષણના કારણોનું વિશ્લેષણ કરવું.
- સુરત જિલ્લાનાં ઔધ્યોગિક વિસ્તારમાં આવેલ ખાડીઓ,નદીઓ,તળાવો સહિતના જળાશયોનાં પાણીના નિયમિત સેમ્પલ લેવાવવામાં આવે અને જો કોઈ જવાબદાર ઔદ્યોગિક એકમો દ્વારા અનટ્રીટેડ (અશુદ્ધ) કેમિકલયુક્ત અને પ્રદુષિત પાણી જળાશયોમાં છોડવામાં આવતું હોય તો,તેવા એકમોની ઓળખ કરી તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી.
- સમગ્ર સુરત જિલ્લામાં આવી ઘટનાઓને અટકાવવા માટે નિયમિત મોનિટરિંગ અને જાગૃતિ અભિયાન ચલાવવું.
- સુરત જિલ્લામાં પ્રભાવિત વિસ્તારોમાં તળાવની સફાઈ અને પુનઃસ્થાપનાની વ્યવસ્થા કરવી. આ બાબતેની તપાસ અહેવાલની નકલ સ્થાનિક રહેવાસીઓને પૂરી પાડવી.
- ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જે જવાબદાર અધિકારીઓ પોતાની જવાબદારી અને ફરજ નિભાવવામાં બેદરકારી દાખવી રહ્યા છે. તેવા અધિકારીઓ ની તપાસ કરી તેમની જવાબદારી નક્કી કરી તેમની સામે દાખલો બેસે એવી કાર્યવાહી કરવામાં આવે.